05 March, 2025 06:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એકની એક સ્ટાઇલની સાડી પહેરીને કંટાળી ગયાં છો?
જેવી રીતે ભારતના દરેક રીજનમાં સાડીનું આગવું ફૅબ્રિક છે એમ એને પહેરવાની સ્ટાઇલ પણ નોખી છે. રોજિંદા જીવનમાં સ્ત્રીઓ બે કે ત્રણ પ્રકારે સાડી પહેરતી હોય છે, પણ જો એમાં નાવીન્ય ઉમેરવું હોય તો અલગ-અલગ સંસ્કૃતિમાં ૮૦ પ્રકારે સાડી ડ્રેપ કરવાની સ્ટાઇલ શીખવે એવા શૉર્ટ વિડિયોઝનો ખજાનો છે આ વેબસાઇટ પર
ભારતીય સ્ત્રીના પરંપરાગત શણગારમાં સાડીનું સ્થાન કોઈ લઈ શકે એમ નથી. દરેક રાજ્ય અને કલ્ચરમાં સાડી પહેરવાની આગવી સ્ટાઇલ છે. ઘણી વાર પહેરવાની સ્ટાઇલને ધ્યાનમાં રાખીને જ સાડીઓની ડિઝાઇન પણ બનતી હોય છે. જેમ કે સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં સાડી પહેરેલી ત્યારે જ સારી લાગે છે જ્યારે એની બૉર્ડર બહુ જ ઉઠાવ આપનારી ચમકીલી હોય. બંગાળી સ્ટાઇલમાં પહેરેલી સાડીમાં બૉર્ડર પાતળી અને ગાંઠ વાળી શકાય એવી નમણી હોવી જરૂરી છે. ગુજરાતી સ્ટાઇલમાં પહેરાતી સાડીમાં પલ્લુનો ભાગ વિશેષ કારીગરીવાળો હોય છે.
સાડી પહેરવી એ કળા છે અને એ કળા માટે હવે તો એક્સપર્ટ્સ હજારો અને લાખો રૂપિયા ફીઝ ચાર્જ કરે છે. એક્સપર્ટ્સ પોતાની રીતે જાતજાતની નવી સ્ટાઇલ્સ પણ ડેવલપ કરે છે. જોકે પાંચ, સાડાપાંચ કે છ મીટરની લંબાઈ ધરાવતી આ સાડી પહેરવાની ભારતમાં કેટલીક પરંપરાગત સ્ટાઇલ્સ છે. ચોક્કસ કમ્યુનિટીની પોતાની રીત હોય છે. એ વિશે જ્ઞાન મેળવવું હોય તો એન્સાઇક્લોપીડિયા કહી શકાય એવી વેબસાઇટ છે theSariseries.com. આ વેબસાઇટમાં જે-તે રાજ્ય અને સંસ્કૃતિ મુજબ સારી ડ્રેપિંગની સ્ટાઇલની શું ખાસિયત છે એ પણ સમજાવવામાં આવી છે અને એ કઈ રીતે પહેરી શકાય એનો સ્ટેપ-બાય-સ્ટેપ શૉર્ટ વિડિયો પણ આપવામાં આવ્યો છે.
૮૦ ડિફરન્ટ સારી ડ્રેપિંગ સ્ટાઇલમાં કાશ્મીરથી લઈને તામિલનાડુ અને ગુજરાતથી લઈને નૉર્થ-ઈસ્ટનાં રાજ્યોની ખાસિયતો બધું જ જાણવા મળશે. જે-તે સંસ્કૃતિની ડ્રેપિંગ સ્ટાઇલ કેમ આવી છે એનું વિવરણ પણ એમાં મળશે.
ટૂંકમાં જો તમે સાડી પહેરવાનાં શોખીન હો તો આ માહિતીનો ખજાનો તમારી ડ્રેપિંગ સ્ટાઇલમાં વિશેષ તડકો ઉમેરશે એ નક્કી.