18 November, 2024 04:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઈશા, નીતા અંબાણી
બોની ફૅશન હવે આઉટફિટ પૂરતી સીમિત નથી રહી, હવે ઍક્સેસરીમાં પણ એનું ચલણ વધ્યું છે. ઈશા અંબાણી તાજેતરમાં જે નાનકડા ક્યુટ બો શેપના પર્સ સાથે જોવા મળી એ જોતાં સમજાઈ જ જાય કે યુવતીઓમાં એનો ટ્રેન્ડ કેટલો ફૂલ્યોફાલ્યો છે. અંબાણી પરિવારની લાડકી અને સ્ટાઇલિશ દીકરી ઈશા તેના યુનિક સ્ટાઇલ સ્ટેટમેન્ટથી હંમેશાં છવાયેલી રહે છે. થોડા દિવસ પહેલાં એક કાર્યક્રમમાં ઈશાના સિમ્પલ અને સ્ટનિંગ લુક સાથે તેના હાથમાં જોવા મળેલા ડાયમન્ડના ક્યુટ બો શેપના પર્સે સૌનું ધ્યાન ખેંચ્યું છે. હથેળીમાં સમાઈ જાય એટલા નાના આ પર્સની કિંમત પાંચ લાખ રૂપિયા જેટલી છે. ક્લચથી લઈને ઑફિસ બૅગ્સ સુધીમાં બો ડિઝાઇન જોવા મળી રહી હોવાથી બજેટ-ફ્રેન્ડ્લી બૅગ્સ ઍક્સેસરીઝમાં બોનું વર્ચસ્વ વધી રહ્યું છે.
સ્લિંગ બૅગ્સમાં બો ડિઝાઇન
અત્યારે બોની ડિઝાઇનવાળી સ્લિંગ બૅગ્સમાં ઘણી અવનવી પૅટર્ન્સ માર્કેટમાં આવી રહી છે. કૅઝ્યુઅલ વેઅરમાં ફ્રેન્ડ્સ સાથે મળવા કે પછી શૉપિંગ કરવા નીકળો ત્યારે શિયાળામાં ક્રોશેની ક્યુટ બો બૅગ પણ ઇન થિંગ છે. લેધર મટીરિયલમાં પણ થ્રી-ડી બો ડિઝાઇન કરેલી હોય એવી સ્લિંગ બૅગ્સની અઢળક વરાઇટી માર્કેટમાં સરળતાથી મળી રહેશે.
ક્લચમાં પણ બો
લગ્નસરાની સીઝન શરૂ થઈ છે ત્યારે ટ્રેડિશનલ આઉટફિટમાં ડાયમન્ડ કે કોઈ ટ્રેડિશનલ ડિઝાઇનવાળા ક્લચની ફૅશન દેખાશે એમાં ઈશા અંબાણી જેવાં બો શેપનાં ક્લચ જોવા મળી રહ્યાં છે. ગોલ્ડન, સિલ્વર અને રોઝ ગોલ્ડના ક્લચ સાથે સ્પેશ્યલ ઇફેક્ટ આપતાં ક્લચ ટ્રેડિશનલ વેઅરની સાથે વેસ્ટર્ન આઉટફિટ પર પણ સૂટ થાય એવાં છે. પાર્ટીમાં જવું હોય તો આવા ગ્લિટરી ઇફેક્ટ આપતાં ક્લચ રાત્રે તમારી પર્સનાલિટીને નિખારે છે.
બોવાળી હૅન્ડબૅગ્સ છે ઇન થિંગ
વર્સટાઇલ બોની પૅટર્ન હૅન્ડબૅગ્સમાં પણ આવી ગઈ છે. કૅઝ્યુઅલની સાથે પ્રોફેશનલ મીટિંગમાં પણ લઈ જવાતી હૅન્ડબૅગ્સમાં બોની ફૅશન યુવતીઓને આકર્ષિત કરી રહી છે. ઘણી યુવતીઓ એકની એક ચીજ વધુ સમય સુધી વાપરીને મોનોટોનસ ફીલ કરતી હોય ત્યારે ફૅશનમાં રહેવું હોય અને વધુ ખર્ચ પણ ન કરવો હોય તો સિલ્કના કપડાથી ઘરે બો બનાવીને બૅગની એક સાઇડનાં હૅન્ડલ બાંધી શકો છો. આ રીતે ત્રણ-ચાર અલગ-અલગ ફૅબ્રિકથી બો બનાવીને થોડા-થોડા સમયે ચેન્જ કરવામાં આવે તો એક જ હૅન્ડબૅગને અલગ લુક મળશે અને તમે તમારી સ્ટાઇલ પ્રમાણે અને અનુકૂળતા પ્રમાણે ચેન્જ પણ કરી શકો. આ ઉપરાંત રેડીમેડ બો ચિપકાવેલી હોય એવી હૅન્ડબૅગ્સ પણ માર્કેટમાં મળે છે. હૅન્ડબૅગ્સની સાથે ઑફિસ બૅગ્સમાં પણ બોની ડિઝાઇનવાળી ઘણી વરાઇટી મળી જશે અને હૅન્ડબૅગ્સની જેમ આ બૅગ્સમાં પણ નાના અને પાતળા સ્કાર્ફને બૅગની એક બાજુ પર બોના શેપમાં બાંધીને બૅગને વધુ ફૅશનેબલ લુક આપી શકાય.
સ્કૂલ બૅગ્સમાં પણ બોની એન્ટ્રી
બો ડિઝાઇન અને પૅટર્નવાળી બૅગ્સની પૉપ્યુલરિટી એટલી વધી ગઈ છે કે હવે સ્કૂલ બૅગ્સ પણ આવી ડિઝાઇનની આવવા લાગી છે. ગર્લ્સ માટે કૂલ અને પેસ્ટલ કલર્સની મટીરિયલ બૅગમાં એ જ મટીરિયલની રેડીમેડ બો લગાવીને એને અલગ લુક આપવામાં આવ્યો છે અને લોકો એને પસંદ પણ કરી રહ્યા છે.