બેઠકરૂમની ઍક્સેન્ટ વૉલને આપો આર્ટિસ્ટિક અંદાજ

08 July, 2026 02:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આજે ઍક્સેન્ટ વૉલને ટેક્સ્ચર, કલાત્મક ડિઝાઇન અને વિવિધ મટીરિયલ્સની મદદથી વધુ આકર્ષક અને વ્યક્તિત્વસભર બનાવવાનો ટ્રેન્ડ છે

ઍક્સેન્ટ વૉલ

ડ્રૉઇંગરૂમની ચાર દીવાલોમાંથી એકને અલગ અને સાવ જ હટકે શેડ આપીને રૂમને નવો લુક આપવાના પ્રયોગને ઍક્સેન્ટ વૉલ કહેવાય છે. પહેલાં આ માટે માત્ર ઘાટો અથવા અલગ રંગ પસંદ કરવામાં આવતો હતો, પરંતુ હવે ઇન્ટીરિયર ડિઝાઇનમાં માત્ર પ્લેન કલર પૂરતો નથી. આજે ઍક્સેન્ટ વૉલને ટેક્સ્ચર, કલાત્મક ડિઝાઇન અને વિવિધ મટીરિયલ્સની મદદથી વધુ આકર્ષક અને વ્યક્તિત્વસભર બનાવવાનો ટ્રેન્ડ છે.

આપણે જ્યારે ઘરના રિનોવેશન કે ડેકોરેશન વિશે વિચારીએ છીએ ત્યારે ઍક્સેન્ટ વૉલ શબ્દ અચૂક સાંભળવા મળે છે. ઍક્સેન્ટ વૉલ એટલે રૂમની ચારેય દીવાલોમાંથી કોઈ એક મુખ્ય દીવાલને બાકીની ૩ દીવાલો કરતાં તદ્દન અલગ અને આકર્ષક લુક આપવામાં આવે છે. એ રૂમમાં પ્રવેશતાં જ સૌનું ધ્યાન ખેંચે છે. ભૂતકાળમાં ઍક્સેન્ટ વૉલ માટે કોઈ એક દીવાલ પર બાકીની દીવાલો કરતાં ડાર્ક અથવા બ્રાઇટ પ્લેન કલર કરવાનો ભારે ટ્રેન્ડ હતો, પરંતુ સમય બદલાયો છે. આજકાલ હોમ ડેકોરની દુનિયામાં ફ્લૅટ કે સિંગલ કલર પેઇન્ટનો જમાનો જૂનો થઈ ગયો છે. હવે લોકો દીવાલોને માત્ર રંગવાને બદલે એને જીવંત, કલાત્મક અને સ્પર્શ કરી શકાય એવી બનાવવાનું પસંદ કરી રહ્યા છે. અત્યારે ઍક્સેન્ટ વૉલ માટે કયા આધુનિક ટ્રેન્ડ્સ ધૂમ મચાવી રહ્યા છે એના પર ચાલો એક નજર કરીએ.

વુડ પૅનલિંગથી ઉમેરો વૉર્મ્થ

આજકાલ ફ્લ્યુટેડ અથવા સ્લેટ વુડ પૅનલિંગ ખૂબ જ લોકપ્રિય બન્યું છે. લાકડાની ઊભી પટ્ટીઓથી બનેલી આ ડિઝાઇન દીવાલને એક અલગ જ ટેક્સ્ચર આપે છે. ખાસ કરીને લિવિંગરૂમમાં ટીવી યુનિટ પાછળ અથવા બેડરૂમમાં બેડની પાછળ આવી વૉલ બનાવવામાં આવે તો આખા રૂમમાં વૉર્મ્થ અને લક્ઝુરિયલ ફીલ બન્નેનો અનુભવ થાય છે. લાકડાની કુદરતી સુંદરતા ઘરને ટાઇમલેસ અને એલિગન્ટ લુક આપે છે.

ટેક્સ્ચર્ડ ફિનિશનો વધતો ક્રેઝ

સામાન્ય પેઇન્ટને બદલે હવે લાઇમવૉશ અને વેનેશિયન પ્લાસ્ટર જેવા ટેક્સ્ચર્ડ ફિનિશનો ઉપયોગ વધી રહ્યો છે. આ ફિનિશ દીવાલને એકસરખો સપાટ દેખાવ આપવાને બદલે એમાં એક સુંદર સટલ ડેપ્થ અને નૅચરલ મૂવમેન્ટનો અહેસાસ ઊભો કરે છે. પ્રકાશના બદલાતા ખૂણાઓ સાથે દીવાલનો દેખાવ પણ બદલાતો રહે છે, જેને કારણે રૂમ વધુ લાઇવલી અને મૉડર્ન લાગે છે.

વૉલ મ્યુરલ્સથી બનાવો કલાત્મક કેન્દ્રબિંદુ

જો તમે રૂમમાં પ્રવેશતાં જ સૌનું ધ્યાન ખેંચવા માગતા હો તો ઇમર્સિવ વૉલ મ્યુરલ્સ એક ઉત્તમ વિકલ્પ બની શકે છે. વિશાળ ફૂલોની ડિઝાઇન, કુદરતી દૃશ્યો, ઍબ્સ્ટ્રૅક્ટ આર્ટ અથવા હૅન્ડપેઇન્ટેડ ઇફેક્ટવાળાં મ્યુરલ્સ દીવાલને એક કલાત્મક ઓળખ આપે છે. ખાસ કરીને ડાઇનિંગ એરિયા, લિવિંગરૂમ અથવા સ્ટડીરૂમમાં આવાં મ્યુરલ્સ ખૂબ જ આકર્ષક લાગે છે.

ફૅબ્રિક ટૅપિસ્ટ્રીથી મેળવો સૉફ્ટ લુક

દીવાલને માત્ર રંગ કે પૅનલિંગથી જ નહીં, મોટા કદની ફૅબ્રિક ટૅપિસ્ટ્રીથી પણ સુંદર બનાવી શકાય છે. હાથથી વણાયેલી અથવા ટેક્સ્ચરવાળી ટૅપિસ્ટ્રી રૂમમાં સૉફ્ટ લુક અને આર્ટિસ્ટિક ટચ ઉમેરે છે. ખાસ વાત એ છે કે એમાં કાયમી ફેરફાર કરવાની જરૂર પડતી નથી. જ્યારે મન થાય ત્યારે એને સરળતાથી બદલી પણ શકાય છે એટલે ભાડાનાં ઘરો માટે પણ આ એક સારો વિકલ્પ છે.

અપહોલ્સ્ટર્ડ વૉલ્સનું વધતું આકર્ષણ

બેડરૂમ માટે ફ્લોર-ટુ-સીલિંગ અપહોલ્સ્ટર્ડ વૉલ્સ પણ ઝડપથી લોકપ્રિય બની રહી છે. ફૅબ્રિકથી આવરેલી પૅડેડ દીવાલ માત્ર દેખાવમાં જ વૈભવી લાગતી નથી, પરંતુ રૂમમાં આરામદાયક વાતાવરણ પણ ઊભું કરે છે. સાથે-સાથે એ અવાજનું પ્રતિબિંબ ઘટાડવામાં પણ મદદરૂપ બને છે જેને કારણે બેડરૂમ વધુ કૉઝી અને કમ્ફર્ટેબલ લાગે છે.

થ્રી-ડી પૅનલ્સથી ઉમેરો નવી ઓળખ

જો તમને થોડો અલગ અને આધુનિક લુક ગમતો હોય તો ફ્લોર-ટુ-સીલિંગ થ્રી-ડી વૉલ પૅનલ્સ પણ ઉત્તમ પસંદગી બની શકે છે. જ્યોમેટ્રિક પૅટર્ન, વેવ ડિઝાઇન અથવા ઑર્ગેનિક ટેક્સ્ચરવાળી પૅનલ્સ દીવાલમાં ડેપ્થ ઉમેરે છે અને ઓછા ડેકોરમાં પણ રૂમને સ્ટાઇલિશ બનાવે છે.

ઍક્સેન્ટ વૉલ બનાવતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે એનો હેતુ આખા રૂમનું ધ્યાન ખેંચવાનો હોય છે. તેથી એક જ દીવાલને હાઇલાઇટ કરવી વધુ યોગ્ય રહે છે. સાથે જ રૂમના ફર્નિચર, લાઇટિંગ અને કલર પૅલેટ સાથે સુમેળ જળવાય એ પણ જરૂરી છે. યોગ્ય મટીરિયલ અને ડિઝાઇનની પસંદગી દ્વારા ઍક્સેન્ટ વૉલ માત્ર દીવાલ નહીં રહે પરંતુ ઘરની ઓળખ બની જાય છે.

home decor fashion fashion news life and style lifestyle news columnists