હાઈ-ટેક ફેશ્યલ નહીં, આલિયાની ગ્લોઇંગ સ્કિનનું સીક્રેટ છે આ નાસ્તો

26 May, 2026 11:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ત્વચાની ચમક જાળવી રાખવા માટે આલિયા રસોડામાં સહેલાઈથી મળી જતો ખાસ આહાર નાસ્તામાં લે છે ત્યારે સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા આ આયુર્વેદિક સ્કિન સ્નૅકના ફાયદા અને સામાન્ય લોકોએ એને અજમાવતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ જાણી લો

હેલ્ધી સ્નૅક

કાન ફિલ્મ ફેસ્ટિવલમાં આલિયા ભટ્ટ માત્ર પોતાની અદ્ભુત ફૅશનસેન્સ જ નહીં, ગ્લોઇંગ સ્કિનને કારણે પણ ઇન્ટરનૅશનલ મીડિયામાં છવાયેલી છે. ફ્રાન્સના એક પ્રખ્યાત મૅગેઝિનને આપેલા ઇન્ટરવ્યુમાં આલિયાને તેના આ નૅચરલ ગ્લોનું રહસ્ય પૂછવામાં આવ્યું ત્યારે તેણે કોઈ મોંઘા કે હાઈ-ટેક ફેશ્યલનું નામ લેવાને બદલે ભારતીય રસોડાની પરંપરાગત વસ્તુઓમાંથી બનતા એક ખાસ સ્કિન સ્નૅક એટલે ત્વચાને હેલ્ધી રાખવા માટે ખવાતા નાસ્તાનો ઉલ્લેખ કર્યો હતો. તેણે કહ્યું હતું કે તેના ઘરના ભોજનમાં શુદ્ધ ઘીનો નિયમિત ઉપયોગ થાય છે જે પાચનતંત્ર અને ત્વચા બન્ને માટે ઉત્તમ છે. તેના ગ્લો પાછળ એક ખાસ હેલ્ધી સ્નૅક છે જેમાં શુદ્ધ ઘી, થોડો ગોળ, શેકેલા સિંગદાણાનો ભૂકો અને થોડું કોપરાનું છીણ મિક્સ કરવામાં આવે છે જે ત્વચાને અંદરથી પોષણ આપે છે અને નૅચરલ ગ્લો વધારે છે.

કેટલું કારગત?

નિષ્ણાતોના મત અનુસાર આ રેસિપી આયુર્વેદના મૂળભૂત સિદ્ધાંતોની ખૂબ નજીક છે. આયુર્વેદ માને છે કે સાચી સુંદરતા ત્વચાની ઉપરથી નહીં, શરીરની અંદરથી પેદા થાય છે. જો તમે શરીરને અંદરથી યોગ્ય પોષણ આપો તો એનો ગ્લો ચહેરા પર આપોઆપ દેખાય છે. આયુર્વેદમાં ઘીને ટિશ્યુઝને પોષણ આપનારું અને પાચન સુધારનારું માનવામાં આવ્યું છે. એ ત્વચાની ચમક જાળવી રાખે છે. ગોળ ઝેરી તત્ત્વોને બહાર કાઢવામાં અને પાચનતંત્રને સાફ રાખવામાં મદદ કરે છે જે આડકતરી રીતે ત્વચાને સાફ રાખે છે. નારિયેળ શરીરની વધારાની ગરમીને શાંત કરે છે જે ત્વચાની ઘણી સમસ્યાઓનું મુખ્ય કારણ હોય છે. સિંગદાણા ઊર્જા અને પ્રોટીનનો સારો સ્રોત છે, પણ એમાં ફૅટનું પ્રમાણ વધુ હોવાથી એનો ઉપયોગ મર્યાદિત માત્રામાં કરવો જોઈએ. આ કોઈ જાદુઈ ફૉર્મ્યુલા નથી જે રાતોરાત ચહેરો ચમકાવી દે. આયુર્વેદ ક્યારેય શૉર્ટકટમાં કામ કરતું નથી. એ એક લાંબી અને શિસ્તબદ્ધ પ્રક્રિયા છે. આ નુસખો દરેક વ્યક્તિ માટે એકસરખો ફાયદાકારક સાબિત ન પણ થાય. આયુર્વેદ આપણને આપણું બૉડી-ટાઇપ સમજીને આહાર લેવાનું શીખવે છે. આજકાલ ઘણા લોકોને ઑઇલી સ્કિન, ખીલ કે ધીમા મેટાબોલિઝમની સમસ્યા હોય છે. આવી વ્યક્તિઓ જો વધુપડતું ઘી કે સિંગદાણા ખાય તો ફાયદાને બદલે નુકસાન થઈ શકે છે અને ખીલની સમસ્યા વધી શકે છે. સાચો ગ્લો માત્ર એક રેસિપીથી નથી આવતો; એ તમારી ઓવરૉલ લાઇફસ્ટાઇલ, પૂરતી ઊંઘ, યોગ્ય હાઇડ્રેશન અને સ્ટ્રેસ મૅનેજમેન્ટનું પરિણામ હોય છે.

food and drink skin care fashion fashion news lifestyle news life and style columnists alia bhatt