અનન્યા પાંડેની જેમ કફતાનને ફૉર્મલ સ્ટેટમેન્ટ બનાવો

15 January, 2026 01:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શું તમે તમારા વૉર્ડરોબને રીફ્રેશ કરવા માગો છો? આ સીઝનમાં બોરિ‍‍‍‍‍‍ંગ શર્ટ્‍સને બદલે કફતાનને બનાવો તમારું નવું ફૉર્મલ સ્ટેટમેન્ટ. સ્ટાઇલિંગના થોડા ફેરફારથી સ્ટાઇલિશ કૉર્પોરેટ લુક અપનાવી શકાય

કફતાનને ફૉર્મલ સ્ટેટમેન્ટ બનાવો

શું તમે પણ એવું માનો છો કે કફતાન એટલે માત્ર બીચવેઅર અથવા આરામદાયક નાઇટવેઅર? જો હા, તો તમારી આ માન્યતાને બદલવાનો સમય આવી ગયો છે ત્યારે તાજેતરમાં સાધારણ દેખાતા કફતાનને કેવી રીતે એક પાવરફુલ ફૉર્મલ સ્ટેટમેન્ટ બનાવી શકાય એ બૉલીવુડ અભિનેત્રી અનન્યા પાંડેએ સાબિત કરી દીધું છે. આવા કફતાનને ને તમારા વૉર્ડરોબનો હિસ્સો બનાવીને તમે ઑફિસ મીટિંગ કે હાઈ-પ્રોફાઇલ ઇવેન્ટમાં આકર્ષણનું કેન્દ્ર બની શકે છે ત્યારે એને સ્ટાઇલ કઈ રીતે કરી શકાય એ વિશે વાત કરીએ.
સામાન્ય રીતે કફતાન કૉટન કે લિનન મટીરિયલમાં જોવા મળે છે, પરંતુ અનન્યાએ પસંદ કરેલા કફતાનમાં સિલ્ક અને શિફોનનું મિશ્રણ એની સુંદરતામાં વધારો કરે છે. ડાર્ક બ્લુ કલર રંગ  આત્મવિશ્વાસ અને પ્રોફેશનલિઝમને બહુ સારી રીતે રેપ્રિઝેન્ટ કરે છે. એની સાથેની શાર્પ કટ અને લાઇટ એમ્બ્રૉઇડરી એને સામાન્ય લાઉન્જ વેઅરથી અલગ પાડીને લક્ઝુરિયસ લુક આપે છે.

ફૉર્મલ લુક માટે કફતાનને સ્ટાઇલ કરવાની ગાઇડ આ રહી

કફતાનનો આકાર બૉક્સ જેવો હોય છે. એને ફૉર્મલ ટચ આપવા માટે કમર પર એક સ્લિક લેધર બેલ્ટ અથવા મેટાલિક બેલ્ટનો ઉપયોગ કરો. આ તમારા ફિગરને સરસ શેપ આપશે અને લુકને વધુ પ્રોફેશનલ બનાવશે.
ફૉર્મલ સેટિંગ માટે હંમેશાં સિલ્ક, ક્રેપ અથવા સૅટિન ફૅબ્રિકનાં કફતાન પસંદ કરો. આ કાપડનો ફ્લો શરીર પર સરસ રીતે બેસે છે અને તમને રૉયલ ફીલિંગ આપે છે.
અનન્યાની જેમ લૉન્ગ કફતાન પહેરો તો ઠીક, પણ જો ટૂંકાં કફતાન હોય તો એની નીચે સિગારેટ પૅન્ટ્સ કે પલાઝોને બદલે વેલ-ફિટેડ ટ્રાઉઝર્સ પહેરો. એનાથી લુક વધુ શાર્પ લાગશે.
 હેવી જ્વેલરીને બદલે માત્ર સ્ટેટમેન્ટ ઇઅરરિંગ્સ અથવા ઘડિયાળ પહેરો. પગમાં બ્લૉક હીલ્સ અથવા પૉઇન્ટેડ બેલેરિના તમારા આખા આઉટફિટમાં ચાર ચાંદ લગાવી દેશે.
 જ્યારે તમે માથાથી પગ સુધી એક જ રંગના શેડ્સ પહેરો છો ત્યારે એ તમને વધુ ઊંચા અને પ્રોફેશનલ દેખાડે છે. સફેદ અથવા ગ્રે કલરના સિલ્ક કફતાન પ્રોફેશનલ અને પાવર ડ્રેસિંગ માટે સૂટેબલ છે. જો કફતાન પ્લેન હોય તો એની સાથે સિલ્ક ટ્રાઉઝર્સ પહેરો. ગળામાં એક લાંબી પર્લની માળા પહેરવાથી લુક એકદમ સૉફિસ્ટિકેટેડ લાગશે. મોટાં ફૂલ-છોડ કે ભડક પ્રિન્ટ્સને બદલે જ્યોમેટ્રિક અથવા નાના પોલ્કા ડૉટ્સ પસંદ કરો. પ્લેન કફતાન ફૉર્મલ માટે સૌથી સુરક્ષિત અને શ્રેષ્ઠ વિકલ્પ છે. ઑફિસ માટે બહુ ઊંડી નેકલાઇન ન રાખતાં V નેક અથવા બોટ નેક પસંદ કરો, જે કૉલર બોનને હાઇલાઇટ કરે અને લુકને ગ્રેસફુલ રાખે.
 જો તમારે મલ્ટિનૅશનલ કંપનીની મીટિંગમાં જવું હોય અને લુકને થોડો સ્ટ્રક્ચર્ડ બનાવવો હોય તો લેયરિંગ શ્રેષ્ઠ છે. શિફોન કે ક્રેપના કફતાન પર બંધ ગળાનું શૉર્ટ જૅકેટ અથવા લાંબો એમ્બ્રૉઇડરી વગરનો વેસ્ટકોટ પહેરો. જૅકેટ પહેરવાથી કફતાનનો ફ્લો નિયંત્રણમાં આવે છે અને ખભાને શાર્પ લુક મળે છે. આ લુક માટે વાળને પાછળ બાંધીને સ્લિક બન બનાવો.
 આ આજકાલનો લેટેસ્ટ ટ્રેન્ડ છે જેમાં કફતાનમાં આગળના ભાગે બટન્સ અને કૉલર હોય છે. કૉટન સિલ્ક મટીરિયલમાં બટનડાઉન કફતાન, જે દેખાવમાં લાંબાં શર્ટ જેવો લાગે છે. આ કફતાનની સ્લીવ્ઝને ફોલ્ડ કરીને સ્ટાઇલ કરો. એની સાથે લેધરની ઑફિસ બૅગ અને ન્યુડ હીલ્સ પહેરવાથી તમારો લુક પાવરફુલ બિઝનેસ વુમન જેવો લાગશે. ફૉર્મલ લુક માટે અત્યંત લાંબી સ્લીવ્ઝ ટાળવી. કોણી સુધીની અથવા થ્રી-ફોર્થ સ્લીવ્ઝ કામ કરતી વખતે પણ નડશે નહીં અને સ્માર્ટ લાગશે.

columnists fashion news fashion Ananya Panday lifestyle news