બીચ હૉલિડે હોય કે કૉર્પોરેટ પાર્ટી, આ ભાઈ ધોતી જ પહેરે છે

26 September, 2022 11:35 AM IST  |  Mumbai | Aparna Shirish

ભારતના પારંપરિક પોશાક ધોતીને દરેક ભારતીય પુરુષના મનમાં મોસ્ટ સ્ટાઇલિશ બૉટમવેઅર તરીકે વસાવવા માગતા પ્રફુલ મકવાણા ધોતી બાંધવાની ૩૦૦ જેટલી સ્ટાઇલ પર માસ્ટરી ધરાવે છે

પ્રફુલ મકવાણા

બોરીવલીમાં જન્મેલા અને ઊછરેલા પ્રફુલ મકવાણા બે દાયકાની દુબઈમાં ફૅશન પ્રોફેશનલ તરીકેની કૉર્પોરેટ જૉબ છોડીને પોતાના જન્મસ્થાન બોરીવલી આવ્યા ત્યારે મુંબઈમાં કોવિડ-19ને પગલે જડબેસલાક લૉકડાઉન હતું. પ્રફુલે વિચાર્યું કે થોડો સમય ગોવા જઈને રહેવું જોઈએ. એક વાર ગોવા ગયા બાદ હવે તેઓ ત્યાં જ વસી ગયા. ત્યાં તેમણે સેપિયા સ્ટોરીઝ નામે પોતાનું ફૅશન લેબલ પણ શરૂ કર્યું છે જેમાં સ્ત્રીઓ અને પુરુષોના સસ્ટેનેબલ ફૅબ્રિકનાં કપડાંનો સમાવેશ થાય છે. આ તો વાત થઈ પ્રોફેશનની, પણ તેમનું પૅશન છે ધોતી. પ્રકુલને ધોતી માટે અખૂટ પ્રેમ છે. તેઓ જ્યારે ધોતી વિશે વાત કરે ત્યારે એ પૅશન તેમના શબ્દોમાં ઝળકે છે. તેમણે ધોતીને ઇન્ટરનૅશનલ લેવલે પહોંચાડી છે. તેઓ જે દેશમાં ફરે છે ત્યાંના પુરુષો તેમનાથી ઇન્સ્પાયર્ડ થઈને ધોતી કઈ રીતે પહેરવી એ શીખવા માગે છે અને ધોતીને ખૂબ માન પણ આપે છે, કારણ કે તેઓ દર રોજ ધોતી જ પહેરે છે પછી એ બીચ હૉલિડે હોય કે પછી ફાઇવસ્ટાર હોટેલની પાર્ટી.

ધોતી માટેનું પૅશન 

ધોતી માટેના આ અખૂટ પ્રેમની શરૂઆત વયના ૧૨મા વર્ષે થઈ જ્યારે પાડોશમાં રહેતા જુદા-જુદા લોકોને આગવી રીતે ધોતી પહેરેલા જોઈને કુતૂહલવશ તેમણે પોતાની મમ્મીને કહ્યું કે મારે ધોતી પહેરવી છે. અને તેમની મમ્મીએ દીકરાને હોંશે-હોંશે ધોતી લઈ આપી. ત્યાર બાદ બોરીવલીના કૉસ્મોપૉલિટન નેબરહુડમાં જે કોઈ પ્રદેશની વ્યક્તિ ધોતી પહેરેલી જોવા મળતી પ્રફુલ તેમની પાસે એ સ્ટાઇલ વિશે શીખવા પહોંચી જતો. ઉંમરની સાથે ધોતી માટે પ્રેમ પણ વધતો ગયો. શરૂઆતમાં તેઓ ફક્ત વીક-એન્ડ્સમાં ઘરે હોય ત્યારે કે પછી ઑફિસથી ઘરે આવ્યા બાદ એ રીતે ધોતી પહેરતા. ફૅશન-ડિઝાઇનિંગ કર્યા બાદ અને કૉર્પોરેટ વર્લ્ડમાં પ્રવેશ્યા બાદ તેઓ દુબઈ શિફ્ટ થયા પણ તેમનો ધોતી માટેનો પ્રેમ ક્યારેય ઓછો નથી થયો. ફૉરેન કન્ટ્રીમાં ટ્રાવેલ કરે ત્યારે ત્યાંના પુરુષોને પણ તેઓ ધોતી પહેરતા કરી દે છે. તેઓ કહે છે, ‘ધોતી જેવા પારંપરિક પરિધાન માટે જે પ્રેમ મને ભારતની બહાર જોવા મળ્યો છે એ મારા પોતાના દેશમાં નથી મળતો. હજીયે મોટા ભાગના અર્બન પુરુષો ધોતીને જીન્સ અને ટ્રાઉઝરની સરખામણીમાં ઓછી સમજે છે એ અને તેઓ ધોતીને ગામઠી અને વૃદ્ધોનો પોશાક સમજે છે એ જાણીને દુઃખ થાય છે. મોટા ભાગના પુરુષો માને છે કે ધોતી એ સ્પેસિફિક પ્રોફેશન કે ધર્મ માટે જ છે. પણ ના, એવું નથી. જો તમે મનથી વિચારો કે મારે ધોતી પહેરવી છે તો એ દરરોજ પહેરવી પણ શક્ય છે. ધોતીમાં બધાં જ રોજનાં કામ અને દિનચર્યાઓ કરવી શક્ય છે. આપણા દાદા-પરદાદા એ કરતા જ, કારણ કે ધોતી એ મોસ્ટ કમ્ફર્ટેબલ બૉટમ વેઅર છે.’

મિસ્ટર મકવાણા

ઇન્સ્ટાગ્રામ પર @mistermakwana (મિસ્ટર મકવાણા) તરીકે જાણીતા ૪૭ વર્ષના પ્રફુલના ૪૪,૫૦૦થી વધુ ફૉલોઅર્સ છે જેમાં પુરુષો અને સ્ત્રીઓ બન્નેનો સમાવેશ થાય છે. પુરુષો તેમને ફૉલો કરે છે ધોતી પહેરવા માટેની ઇન્સ્પિરેશન લેવા માટે અને સ્ત્રીઓ તેમને ફૉલો કરે છે ધોતીના અવનવા ડ્રેપ્સ શીખવા માટે. પ્રફુલ આ પેજ પર ધોતી કઈ રીતે ડ્રેપ કરવી એના ટ્યુટોરિયલ વિડિયો પોસ્ટ કરે છે અને લોકો એ ફૉલો કરી જાતે ધોતી પહેરતાં શીખે છે. પ્રફુલ પાસે ભારતના દરેક પ્રદેશના દરેક ટેક્સટાઇલની ધોતી છે. નંબર્સમાં વાત કરીએ તો તેમના વૉર્ડરોબમાં ૫૦૦થી એ વધુ ધોતી છે જેમાંથી હાલમાં તેઓ ધોતી નંબર ૨૮૬ પર છે. તેઓ કહે છે, ‘ભારતમાં જે રીતે દર ૧૦-૧૨ કિલોમીટરના અંતરે બોલી અને લહેકો બદલાય એ જ રીતે ધોતી પહેરવાની ઢબમાં પણ ડિફરન્સ દેખાઈ આવશે. કોઈ પણ નવી સ્ટાઇલથી ધોતી પહેરેલી વ્યક્તિ મને દેખાય એટલે હું તેમની પાસે જતો અને મને એ ડ્રેપ શીખવવાની રિક્વેસ્ટ કરતો, જે આજેય હું કરું છું. એકલા મહારાષ્ટ્રની જ વાત કરીએ તો ખેડૂત, પશુપાલન કરતી વ્યક્તિ, જમીનદાર, પંડિત આ બધાની ધોતી ડ્રેપ કરવાની સ્ટાઇલ જુદી અને આગવી હોય છે. ગુજરાતમાં પુરોહિતો અને રબારી બન્નેની ધોતીમાં તફાવત હોય છે. એ જ રીતે સાઉથમાં પણ અનેક પ્રકારે આ વસ્ત્ર પહેરવામાં આવે છે. બધે જ ફૅબ્રિક્સમાં પણ તફાવત હોય છે, જેના લીધે એ યુનિક બને છે. નામ પણ જુદાં છે. ધોતી, વેસ્ટી, મર્દાની, ધોતર, ચાદરા વગેરે. મને એક વ્યક્તિ પાસેથી જાણવા મળ્યું છે કે ખજૂરાહોની મૂર્તિઓમાં જ આશરે ૪૦૦ ટાઇપની ધોતી ડ્રેપિંગ સ્ટાઇલ જોવા મળે છે. જો એ વાત સાચી હોય તો વિચારો કે ભારતના ઇતિહાસમાં ધોતીને કેટલું મહત્ત્વ હશે! જે આપણે આજે વેસ્ટર્નાઇઝેશનના ચક્કરમાં ભૂલી ગયા છીએ.’

ફેવરિટ ધોતી

આજે મિસ્ટર મકવાણા ગોવામાં દરરોજ બૉટમ વેઅર તરીકે ધોતી જ પહેરે છે. પછી ટૉપમાં ટી-શર્ટ હોય, શર્ટ, ડેનિમ કે લેધરનું જૅકેટ કે પછી ફૉર્મલ કોટ. દરેક રંગની અને વેસ્ટર્ન વેઅરને પણ મહાત આપે એવી ધોતી તેમની પાસે છે. જોકે ૫૦૦થીયે વધુના કલેક્શનમાંથી તેમની ફેવરિટ કઈ છે એ પૂછતાં તેઓ કહે છે, ‘સૉફ્ટ મસલિનનું સફેદ કાપડ અને આપણી સૌથી બેઝિક ડ્રેપ દરરોજ પહેરવા માટે મારો પહેલો પ્રેફરન્સ છે. એ સિવાય પ્રસંગ પ્રમાણે હું ફૅબ્રિક અને ડ્રેપ પસંદ કરુ છું.’

ધોતી વિશે અવેરનેસ

ધોતી ફક્ત વૃદ્ધો માટે કે ફક્ત ગામઠી લોકો માટે નથી એ જાગૃતિ પ્રફુલ લોકોમાં લાવવા માગે છે. જોકે આવો વિચાર આવ્યો કઈ રીતે એ વિશે તેઓ કહે છે, ‘મારા ભત્રીજાની સગાઈ હતી. મેં તેને કહ્યું કે સરસ ધોતી અને કુરતો પહેર. તેણે કહ્યું કે ‘નો. ધોતી ઇઝ ફૉર ઓલ્ડીઝ.’ અને ત્યારે મેં વિચાર્યું કે આ જનરેશનને શીખવાડવું પડશે કે નો, ધોતી ઇઝ નૉટ ફૉર ઓલ્ડીઝ. ઇટ્સ અ ક્લાસિક ઍન્ડ ફૉર ઑલ. કોઈકે શરૂઆત કરવી પડશે અને મેં જાતે જ મારા ફેવરિટ પરિધાન માટે લોકોમાં જાગૃતિ લાવવા માટે પ્રયોસો શરૂ કર્યા અને એ ફળ્યા છે. મારો એક ફૉલોઅર જર્મનીનો છે અને રોજ મને તેણે પહેરેલી ધોતીના ફોટો પણ મોકલે છે. કેટલાય યંગ પુરુષો મારા ટ્યુટોરિયલ જોઈને ધોતી પહેરતાં શીખી રહ્યા છે અને એ જ મારી સફળતા છે.’

મિસ્ટર મકવાણાની ટિપ્સ

જો તમને ધોતી પહેરવાનો એક્સ્પીરિયન્સ ન હોય તો તમારી સૌથી પહેલી ધોતી સૉફ્ટ મસલિનની જ હોવી જોઈએ. ચાર-પાંચ વાર આ ચાર મીટરના કાપડને ધોઈ, એમાંથી સ્ટાર્ચ કાઢો અને પછી એ ડ્રેપ કરો. 

કોઈ પણ કડક ફૅબ્રિક કે સિલ્કની ધોતી પહેલી વાર પહેરવા માટે પસંદ ન કરવી. એની ડ્રેપ બેસશે નહીં અને તમને ધોતી આરામદાયક નહીં લાગે. 

શરૂઆતમાં દિવસમાં બે-ચાર કલાક માટે પહેરવી અને ત્યાર બાદ ફાવટ આવે પછી વધુ સમય માટે ધોતી પહેરો. વીક-એન્ડ્સમાં પણ ટ્રાય કરી શકાય. અહીં બધું જ તમારી ઇચ્છાશક્તિ પર આધાર રાખે છે. જો ધોતી પહેરવાની મનથી ઇચ્છા હોય તો એ રોજેરોજ પહેરવી પણ શક્ય છે. 

ખજૂરાહોની મૂર્તિઓમાં જ આશરે ૪૦૦ ટાઇપની ધોતી ડ્રેપિંગ સ્ટાઇલ જોવા મળે છે. જો એ વાત સાચી હોય તો વિચારો કે ભારતના ઇતિહાસમાં ધોતીનું કેટલું મહત્ત્વ હશે! આપણે આજે વેસ્ટર્નાઇઝેશનના ચક્કરમાં એ ભૂલી ગયા છીએ : પ્રફુલ મકવાણા

columnists fashion fashion news culture news