27 March, 2025 04:32 PM IST | Mumbai | Sameera Dekhaiya Patrawala
પ્રતીકાત્મક તસવીર
આજકાલ સ્કિન રીસેટનો ટ્રેન્ડ ઝડપથી લોકપ્રિયતા મેળવી રહ્યો છે. આ પદ્ધતિ એકદમ સરળ છે. કેટલાક સમયગાળા માટે તમામ સ્કિનકૅર પ્રોડક્ટ્સનો ઉપયોગ બંધ કરી દેવાનો અને તમારી ત્વચાને શ્વાસ લેવાનો પૂરતો સમય આપવાનો જેથી થોડા દિવસના વિરામને અંતે જ્યારે ફરી એ પ્રોડક્ટ વાપરવામાં આવે તો એને નવી આરોગ્યપ્રદ ત્વચા સાથે કામ કરવા મળે. પરંતુ શું ખરેખર આ રીત અસરકારક છે કે સૌંદર્યશોખીનો માટે વધુ એક સ્કિનકૅર સ્ટન્ટ જ છે? ચાલો જાણીએ સ્કિન રીસેટની આ પદ્ધતિથી તમારી ત્વચાને લાભ મળશે કે નહીં.
સ્કિન રીસેટ એટલે શું?
આજકાલ સ્કિનકૅર રૂટીન બહુબધી પ્રોડક્ટ્સ વાપરીને કરવામાં આવે છે જેમાં ક્લેન્ઝર્સ, એક્સફોલિએટર્સ, સિરમ્સ અને રેટિનૉલ કે ઍસિડ જેવા સક્રિય ઘટકોવાળી પ્રોડક્ટ્સ વપરાય છે. અંતે આપણું સ્કિનકૅર રૂટીન એક મલ્ટિ-સ્ટેપ સ્કિનકૅર રૂટીનમાં પરિણમે છે જે ઘણી વાર ત્વચાને વધુ સંવેદનશીલ અને નબળી બનાવી શકે છે. તેથી થોડા સમય માટે ત્વચાને બ્રેક આપવો જરૂરી બની જાય છે. આ વિશે જણાવતાં કૉસ્મેટોલૉજિસ્ટ ડૉ. આલિયા દેશમુખ કહે છે, ‘સ્કિન રીસેટ, જેને સ્કિનકૅર ફાસ્ટિંગ પણ કહેવાય છે, એ આમ તો કોઈ રૉકેટ સાયન્સ નથી પણ સાવ જ સીધીસાદી પદ્ધતિ છે. આ પદ્ધતિમાં કેટલાક દિવસોથી લઈને અઠવાડિયા સુધી તમારી ત્વચાની સંભાળ માટે વપરાતી મોટા ભાગની પ્રોડક્ટ્સનો ઉપયોગ બંધ કરવાનો હોય છે. આમ કરીને મૂળે તો ત્વચાને પોતાના કુદરતી તેલનું ઉત્પાદન સંતુલિત કરવા અને વધારે પ્રોડક્ટ્સના ઉપયોગથી થતી સંવેદનશીલતાને ઘટાડવા માટે એક તક આપવામાં આવે છે.’
સ્કિનકૅર ટ્રેન્ડ્સ બાબતે ચોખવટ કરતાં ડૉ. આલિયા આગળ કહે છે, ‘ઇન્ફ્લુઅન્સર્સને જોઈને લોકો જ્યારે પોતાની પ્રોડક્ટ સિલેક્ટ કરે છે ત્યારે ઘણી વાર મુસીબતમાં મુકાય છે. આવા અનેક ટ્રેન્ડ્સને જોઈને લોકોને લાગે છે કે તેમનું એક ચોક્કસ સ્કિનકૅર રૂટીન હોવું જ જોઈએ. ઘણી વાર બહુ બધી સ્કિનકૅર પ્રોડક્ટ્સ વાપરવાથી ત્વચાને શ્વાસ લેવાની જગ્યા જ બાકી નથી રહેતી જે ત્વચાના રક્ષણાત્મક કવચને ખરાબ કરે છે અને એનાથી ફોડલી, ડાઘ, લાલાશ કે ખીલ જેવાં રીઍક્શન આવે. ત્વચાને ક્લીનિંગ અને સનસ્ક્રીન સિવાય કશું નથી જોઈતું.’
કેવી રીતે કરવું?
સ્કિન રીસેટ દરમિયાન મોટા ભાગના લોકો માત્ર ત્વચાની સફાઈ, આર્દ્રતા અને સનસ્ક્રીન સુધી તેમના રૂટીનને સીમિત રાખે છે. કેટલાક લોકો તો માત્ર પાણીથી ચહેરો ધોઈ લેવાની રીત અપનાવે છે. આ રીત ત્વચાને એના કુદરતી તેલનું ઉત્પાદન સંતુલિત કરવાની તક આપે છે અને અતિ-ઉત્સાહમાં વપરાયેલી પ્રોડક્ટ્સથી થતી નુકસાનીનું સમારકામ પણ કરે છે એવું જણાવતાં ડૉ. આલિયા કહે છે, ‘મોટા ભાગે ત્વચાને ક્યારે રીસેટની જરૂર છે એ જાણવા માટે એના પર ખંજવાળ આવે અથવા સૂકાપણું આવે તો સમજવું કે જે-તે પ્રસાધનોની ખરાબ અસર થઈ છે. જો તમે ઉનાળામાં હેવી બેઝ મૉઇશ્ચરાઇઝર વાપરતા હો તો ત્વચા પર ફોડકી આવશે ને લાઇટ બેઝ મૉઇશ્ચરાઇઝર શિયાળામાં વાપરશો તો ત્વચા ફાટશે. આવા સમયે સ્કિનકૅર રૂટીન ચેન્જ કરવું પડે. કોઈ પણ પ્રોડક્ટ એની અસરને આધારે ત્રણ સ્ટેપમાં મળે છે. માઇલ્ડ, મૉડરેટ અને સિવિયર. જો કોઈ પ્રોડક્ટ વાપર્યા પછી બંધ કરો છો તો પછી જો સિવિયર પ્રોડક્ટ વાપરવાના હો તો સ્કિન-ફાસ્ટિંગ દરમિયાન મૉડરેટ પ્રોડક્ટ વાપરો. આ રીતે જો મૉડરેટ વાપરવાના હો તો માઇલ્ડ પ્રોડક્ટ વાપરવી. એકસાથે જમ્પ ન કરવું. સ્કિન-ફાસ્ટિંગમાં અઠવાડિયાથી લઈને એક મહિનો સુધી ખાલી સનસ્ક્રીન પર રહી શકાય. મેકઅપ નથી લગાડતા તો ક્લેન્ઝર પણ જરૂરી નથી. ફક્ત ફેસવૉશ જરૂરી છે.
થોડો સમય આ રૂટીનથી તમારી ત્વચાને શ્વાસ લેવા મળશે. રાતે પણ કશું નહીં લગાડવાનું. આ દરમિયાન અને આ સિવાય પણ ABC એટલે કે ઍપલ, બીટરૂટ અને કૅરટ જૂસ ત્વચા માટે સારો પડે. આમળા જૂસ, ઑરેન્જ અથવા સ્વીટ લાઇમ પણ ત્વચા સારી કરવા માટે જરૂરી છે. ત્વચા માટે પેટની સફાઈ પણ એટલી જ મહત્ત્વની છે. એટલે જો કબજિયાત જેવી સમસ્યાઓ હોય તો ઇસબગુલ લેવું જોઈએ.’
શું સ્કિન રીસેટ ટ્રાય કરવું જોઈએ?
દરેક વખતે એકની એક પ્રોડક્ટ ન વાપરવા પર ભાર મૂકતાં ડૉ. આલિયા કહે છે, ‘થોડા-થોડા સમયે વૈકલ્પિક સૅરામાઇડ અને મૉઇશ્ચરાઇર વાપરવાં જોઈએ. એકનું એક વાપરીને જે સંતૃપ્તતા ઊભી થાય છે એને લીધે એ પ્રોડક્ટની અસર ઓછી થાય છે ને ક્યારેક ત્વચા રીઍક્ટ કરવાનું જ બંધ કરે. સેરામાઇડ અને મૉઇશ્ચરાઇઝરના વિકલ્પમાં હાયોલ્યુરૉનિક ઍસિડ વાપરી શકાય. સ્કિન રીસેટ એવા લોકો માટે ફાયદાકારક છે જે વધુ સ્કિનકૅર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતા હોય અને એના લીધે તેમની ત્વચાની સંવેદનશીલતા વધતી હોય. આ સિવાય વધુપડતાં તેજસ્વી ઘટકો જેવા કે રેટિનૉલ, ઍસિડ કે એક્સફોલિએટર્સનો વારંવાર ઉપયોગ કરતા હોય. આ સિવાય જેઓ ત્વચાને કુદરતી રીતે સંતુલિત થવાની તક આપવા માગતા હોય. મર્યાદિત સ્કિનકૅર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરીને પણ ત્વચાને આરોગ્યપ્રદ રાખી શકાય. જો તમને ખીલ, સંવેદનશીલતા અથવા ખરજવા જેવી સમસ્યાઓ હોય તો ત્વચાનિષ્ણાતની સલાહ લીધા વિના સ્કિન રીસેટ ન કરવી. આ કોઈ ચમત્કારી ઉપાય તો નથી પણ એક મહત્ત્વપૂર્ણ સંદેશ જરૂર છે કે ત્વચાની સંભાળમાં હંમેશાં ‘લેસ ઇઝ મોર (ઓછું વધુ સારું)’ વધુ અસરકારક સાબિત થાય છે.’