09 April, 2026 08:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હેર ફૅશનનો રિવર્સ ટ્રેન્ડ
ટ્રેડિશનલ ટિયારા અને ક્રાઉનની વ્યાખ્યા બદલાઈ રહી છે, ઓપન હેરસ્ટાઇલમાં પાછળથી વાળને હાઇલાઇટ કરતી આ ઍક્સેસરી અત્યારે સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે...
હેર ઍક્સેસરીમાં બૅક હેર ક્રાઉન ટૉક ઑફ ધ ટાઉન બન્યો છે. સામાન્ય રીતે ક્રાઉન એટલે એવી ઍક્સેસરી જે ચહેરાની ઉપરના ભાગે સ્ટાઇલ કરવામાં આવે છે, પણ આ કન્સેપ્ટને ટોટલી અલગ રીતે પ્રેઝન્ટ કરવામાં આવ્યો છે. પાછળથી સ્ટાઇલ કરવામાં આવેલો આ ક્રાઉન એ લોકો માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે જેઓ મિનિમલિઝમમાં માને છે છતાં રૉયલ અને કન્ટેમ્પરરી લુક જોઈતો હોય છે. પહેલાં આ ક્રાઉન ચહેરાની ફ્રેમ સેટ કરવા માટે પહેરાતા હતા, પરંતુ બૅક હેર ક્રાઉન વાળની પાછળની ડિઝાઇન કે હેરસ્ટાઇલને હાઇલાઇટ કરવા માટે થાય છે. વાળ ખુલ્લા રાખ્યા હોય ત્યારે આ ઍક્સેસરી વાળની લંબાઈ અને એની સુંદરતામાં વધારો કરે છે. સોશ્યલ મીડિયા પર આ ટ્રેન્ડ એટલો લોકપ્રિય થયો છે કે બ્રાઇડલ લુકથી લઈને કૅઝ્યુઅલ આઉટિંગ સુધી એની બોલબાલા વધી છે. આ માત્ર એક ઍક્સેસરી નથી પણ તમારી હેરસ્ટાઇલને જોવાની નવી દૃષ્ટિ છે. જો તમે પણ રૂટીન હેરસ્ટાઇલથી કંટાળ્યા હો તો આ વખતે ક્રાઉનને આગળથી ઉતારીને પાછળ લગાવી જુઓ. તમારી સુંદરતામાં ચાર ચાંદ લાગી જશે.
કેવી ડિઝાઇન્સ છે ટ્રેન્ડમાં?
ફ્લોરલ મેટાલિક ક્રાઉન: ગોલ્ડ, સિલ્વર કે રોઝ ગોલ્ડમાં નાજુક પાંદડાં, વેલ અને ફૂલોની ડિઝાઇનના ક્રાઉન થોડા ડેલિકેટ હોય છે અને વાળના આકાર મુજબ સેટ થઈ જાય છે. જો તમે ડે-લાઇટ ફંક્શનમાં જઈ રહ્યા હો અને સૉફ્ટ, રોમૅન્ટિક પરી જેવો લુક ઇચ્છતા હો તો ફ્લોરલ મેટાલિક ક્રાઉન બેસ્ટ ચૉઇસ છે. એ પેસ્ટલ કલરના ડ્રેસ કે શિફોનની સાડી સાથે પણ મસ્ત લાગે છે.
પર્લ અને સ્ટોનસ્ટડેડ ક્રાઉન : જેમને લગ્નપ્રસંગ કે રિસેપ્શન માટે હેવી લુક જોઈએ છે તેમને નાનાં-મોટાં મોતી અને ચમકતા સ્ટોનનું કૉમ્બિનેશન ધરાવતા બૅક હેર ક્રાઉન્સ સરસ લાગશે. ઘણી ડિઝાઇનમાં કુંદનવર્ક પણ જોવા મળે છે. તમે જ્યારે વાળ ખુલ્લા રાખીને આ ક્રાઉન લગાવો છો ત્યારે એ પાછળથી એકદમ રિચ અને લક્ઝુરિયસ વાઇબ્સ આપે છે. એ ડાર્ક કલરનાં આઉટફિટ્સ પર વધુ ઉઠાવ આપે છે.
મિનિમલિસ્ટિક વાયર ડિઝાઇન ક્રાઉન : અત્યારે લેસ ઇઝ મોરની ફૅશન છે ત્યારે પાતળા ગોલ્ડ કે પ્લૅટિનિયમ ફિનિશિંગવાળા વાયરમાં થોડા-થોડા અંતરે નાના ડાયમન્ડ ટાંકેલા હોય છે. એ દેખાવમાં નાજુક લાગે છે અને દૂરથી જોતાં એવું લાગે છે કે વાળમાં તારા ચમકી રહ્યા હોય. જે યુવતીઓને ક્લાસિક દેખાવું છે તેમના માટે આ પર્ફેક્ટ ચૉઇસ છે.
બોહો સ્ટાઇલ ક્રાઉન : જો તમે વેકેશન પર છો અથવા કોઈ મ્યુઝિક ઇવેન્ટમાં જઈ રહ્યા છો તો બોહો ક્રાઉન ટ્રાય કરવા જેવો છે. એમાં નૅચરલ વસ્તુઓ જેવી કે નાનાં પીંછાં, કોડી અને રંગબેરંગી દોરાઓનું કામ હોય છે. એ થોડો રસ્ટિક અને આર્ટિસ્ટિક લુક આપે છે. શૉર્ટ્સ, મૅક્સી ડ્રેસ કે ઇન્ડો-વેસ્ટર્ન ફ્યુઝન સાથે આ ક્રાઉન તમારી પર્સનાલિટીને એક અલગ જ આકર્ષણ આપે છે.
સ્ટાઇલ કેવી રીતે કરશો?
જો તમે ટ્રેડિશનલ આઉટફિટ પર બૅક હેર ક્રાઉન પહેરવા માગતા હો તો લાંબા ચોટલામાં ઉપરના ભાગે ક્રાઉન પહેરીને ફૂલો અથવા નાની પિન લગાવી શકાય.
જો તમે જીન્સ-ટૉપ કે વન-પીસ ડ્રેસ પહેર્યો હોય તો ઉપરના અડધા વાળ લઈને નાની પોનીટેલ કે બન બનાવો અને ત્યાં સ્લિક મેટાલિક ક્રાઉન લગાવો. એ તમને બોહો-ચિક લુક આપશે.
જો તમે વાળમાં હળવા કર્લ્સ કે વેવ્સ કર્યા હોય તો માથાના મધ્ય ભાગમાં પાછળની તરફ એક નાજુક ફ્લોરલ કે મેટાલિક ક્રાઉન મૂકવાથી લુક તરત જ એલિગન્ટ બની જાય છે. એ વાળને વેરવિખેર થતા અટકાવે છે અને વ્યવસ્થિત છતાં ફ્રી-સ્પિરિટેડ વાઇબ આપે છે.
ઓપન હેરમાં જ્યારે તમે આ ક્રાઉન પહેરો છો ત્યારે એ વાળનાં બે લેયર વચ્ચે એક સુંદર વિભાજન-રેખા જેવું કામ કરે છે. એ ખાસ કરીને ડે-વેડિંગ કે ગાર્ડન-પાર્ટીમાં ખૂબ જ આકર્ષક લાગે છે.
જો વાળ એકદમ સિલ્કી અને ખુલ્લા હોય તો ક્રાઉન લપસી ન જાય એ માટે એને સાઇડમાંથી બે નાની બૉબી પિન્સથી સિક્યૉર કરી લેવું. કન્ટેમ્પરરી ફૅશનમાં અત્યારે મિનિમલ હેરસ્ટાઇલનો ટ્રેન્ડ છે અને ખુલ્લા વાળ પર નાનું બૅક ક્રાઉન એ મિનિમલિઝમનું ઉત્તમ ઉદાહરણ છે.