28 February, 2026 03:22 PM IST | Mumbai | Darshini Vashi
બૅલસ્ટા
પૅશન અને આવડત માણસને ગમેતેવી પરિસ્થિતિની વચ્ચે પણ પોતાનો મુકામ હાંસલ કરવામાં મદદ કરે છે, જેનું ઉદાહરણ આપણે મુંબઈમાં ડગલે ને પગલે જોઈએ છીએ. પરંતુ બાંદરાના કાર્ટર રોડ પર જોવા મળેલું ઉદાહરણ ખરેખર કાબિલે તારીફ કહી શકાય એવું છે. એક સામાન્ય ઘરનો માણસ પોતાનું સ્કૂટર લઈને બાંદરાની ગલીમાં નીકળી પડે છે અને જ્યારે તે તેનું સ્કૂટર ઊભું રાખે છે અને એમાંથી કૉફીનો પટારો ખોલે છે ત્યારે જોનાર લોકો નવાઈ જ પામી જાય છે.
સ્કૂટરવાલી કૉફી તરીકે ઓળખાતા કૉફીના આ સ્કૂટર-સ્ટૉલનું નામ ‘બૅલસ્ટા’ છે. સ્કૂટરવાલી કૉફીની સમગ્ર કહાણી શું છે એ વિશે બૅલસ્ટાના ઓનર સૂરજકુમાર કહે છે, ‘હું કૉફીની ટોચની બ્રૅન્ડ સાથે ઘણાં વર્ષ સુધી કામ કરી ચૂક્યો છું એટલે મને તમામ પ્રકારની કૉફી બનાવતાં આવડે છે અને કૉફી બનાવવાનાં મશીન પણ મેં વસાવી લીધાં છે. કૉફી શૉપમાં કામ કર્યા બાદ મને થયું કે મારામાં આવડત છે તો પછી મારે પણ કંઈક કરવું જોઈએ એટલે થોડું રિસ્ક લીધું અને પોતાનો જ કૉફી બનાવવાનો વ્યવસાય શરૂ કરી દીધો. સ્કૂટરની અંદર જ મેં એવી વ્યવસ્થા કરી છે જેમાં હું મારો કૉફી બનાવવાનો સામાન, ગ્લાસ, સાધનો રાખી શકું. બીજું એ કે હું તમામ કૉફી ગ્રાહકોની નજરની સામે બનાવીને કૅફે કરતાં અડધા ભાવમાં વેચું છું.’
માચા અને આઇસ સ્પૅનિશ લાતે
કૉફીની વરાઇટીની વાત કરીએ તો અહીં કૅપુચીનોથી લઈને માચા, સ્પૅનિશ લાતે, વિયેટામિશ શૅકેરાટો સુધીની અનેક વરાઇટી મળે છે. સાંજે ૭.૩૦ પછી સૂરજ તેનું સ્કૂટર લઈને નીકળે છે. જે રીતે કૅફેમાં પ્રૉર્પર લિડ સાથેના ગ્લાસમાં કૉફી સર્વ કરવામાં આવે છે બસ, એવી જ રીતે અહીં સર્વ કરવામાં આવે છે. સાથે ગ્લાસ પર આભાર વ્યક્ત કરતો મેસેજ પણ લખાયેલો હોય છે. બસ, ફરક એટલો જ છે કે આ ઍર-કન્ડિશનર તેમ જ હાઇફાઇ ઇન્ટીરિયર અને સિટિંગ વગરની ઓપન કૅફે છે.
ક્યાં મળશે? : બૅલસ્ટા, કાર્ટર રોડ, ખાઉગલી, બાંદરા