31 August, 2026 03:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાઇડ લેગ પછી હવે બૅરલ લેગ પૅન્ટનો દબદબો
ડેનિમ ફૅશનની દુનિયામાં દર થોડાં વર્ષે એક એવો બદલાવ આવે છે જે આખા ટ્રેન્ડને નવો વળાંક આપે છે. એક દાયકા સુધી સુપરસ્કિની જીન્સનો દબદબો રહ્યો જે શરીર સાથે ચોંટી રહેતું અને શાર્પ લુક આપતું હતું. ત્યાર બાદ રિલૅક્સ્ડ અને સ્ટ્રીટ-સ્ટાઇલ ફેવરિટ વાઇડ લેગ અને બૅગી જીન્સનો યુગ આવ્યો જેણે આરામને પ્રાથમિકતા આપી. હવે ડેનિમ ફૅશનમાં જે નવો કટ સૌથી વધુ ટ્રેન્ડ કરી રહ્યો છે એ છે બૅરલ લેગ પૅન્ટ. વિન્ટેજ એલિગન્સ અને આધુનિક સ્ટ્રીટવેઅરનું આ ફ્યુઝન સામાન્ય દેખાતા રોજિંદા આઉટફિટને પણ ઇન્સ્ટન્ટ્લી રનવે-ઇન્સ્પાયર્ડ હાઈ-ફૅશન લુકમાં ફેરવી નાખે છે.
બૅરલ લેગ પૅન્ટની સૌથી મોટી ઓળખ એની વિશિષ્ટ બનાવટ અને આર્કિટેક્ચરલ સિલુએટ છે. આ પૅન્ટ કમર અને પેલ્વિક ભાગ પરથી એકદમ ફિટ બેસે છે, પરંતુ નીચે તરફ જતાં જાંઘ અને ઘૂંટણ પાસે બહારની તરફ ગોળાકાર વળાંક લઈને પહોળું થઈ જાય છે. ત્યાર બાદ ઘૂંટી એટલે કે ઍન્કલ પાસે પહોંચતાં જ એ ફરી અંદરની તરફ સાંકડું થઈ જાય છે. આ વળાંકવાળા આકારને કારણે જ એને બૅરલ જીન્સ તરીકે ઓળખવામાં આવે છે. પહેલી નજરે આ કટ કદાચ થોડો વધારે બોલ્ડ કે અસામાન્ય લાગે, પરંતુ પહેર્યા પછી એ શરીરને ખૂબ જ સંતુલિત અને આકર્ષક લુક આપે છે.
આ ટ્રેન્ડની લોકપ્રિયતાનું મુખ્ય કારણ કમ્ફર્ટ અને હાઈ-ફૅશન સ્ટાઇલનું પર્ફેક્ટ કૉમ્બિનેશન છે. સ્કિની જીન્સમાં ઘણી વાર મૂવમેન્ટની મુશ્કેલી રહેતી અને વાઇડ લેગ જીન્સમાં શરીરનો શેપ ઢંકાઈ જતો હતો. બૅરલ કટ એક સંતુલન પૂરું પાડે છે. એ પગને હલનચલન માટે પૂરતી જગ્યા આપે છે અને સાથે જ ટૅપર્ડ ઍન્કલને કારણે કપડામાં ચોક્કસ આકાર જાળવી રાખે છે. એ ૧૯૮૦ અને ૧૯૯૦ના દાયકાના રેટ્રો-કલ્ચરની યાદ અપાવે છે, જ્યારે આજના ફૅશનજગત માટે ફ્રેશ અને આધુનિક સ્ટેટમેન્ટ પૂરું પાડે છે.
આ પ્રકારના બોલ્ડ પૅન્ટને સ્ટાઇલ કરતી વખતે શરીરના ઉપરના ભાગના આઉટફિટ સાથે સંતુલન જાળવવું ખૂબ મહત્ત્વનું બની રહે છે. પૅન્ટનો નીચેનો ભાગ પહોળો હોવાથી ઉપર સ્લિમ-ફિટ ટૉપ્સ, બેઝિક બૉડીસૂટ અથવા ક્રૉપ ટી-શર્ટ સૌથી શ્રેષ્ઠ દેખાય છે. જો ઢીલું શર્ટ કે ઓવરસાઇઝ્ડ ટી-શર્ટ પહેરવું હોય તો એને અંદર ટક-ઇન કરવાથી વેસ્ટલાઇન સ્પષ્ટ થાય છે અને શરીર વધારે સ્લિમ દેખાય છે. ઑફિસ કે સ્માર્ટ-કૅઝ્યુઅલ લુક માટે એને સ્ટ્રક્ચર્ડ બ્લેઝર અથવા ક્રૉપ્ડ જૅકેટ સાથે પેર કરી શકાય છે, જે ખૂબ જ પાવરફુલ અને એલિગન્ટ વાઇબ આપે છે.
બૅરલ લેગ પૅન્ટનો ઘેરાવો ઘૂંટણ પાસે મોટો અને ઘૂંટી પાસે સાંકડો હોવાથી એને સંતુલિત કરવા યોગ્ય ફુટવેઅરનું સિલેક્શન મહત્ત્વનું છે. ઈવનિંગ પાર્ટી કે ફૉર્મલ લુક માટે પૉઇન્ટેડ હીલ્સ પગને લાંબા અને આકર્ષક બતાવે છે, જ્યારે ઑફિસ કે સ્માર્ટ મીટિંગ માટે લોફર્સ સૉફિસ્ટિકેટેડ ટચ આપે છે. કૅઝ્યુઅલ અને આરામદાયક લુક માટે સ્લિક બૅલે ફ્લૅટ્સ અથવા રેટ્રો સ્નીકર્સ શ્રેષ્ઠ વિકલ્પ છે. એ પૅન્ટના બોલ્ડ કટ સાથે પર્ફેક્ટ મૅચ થઈને લુકને મૉડર્ન બનાવે છે.