29 July, 2026 08:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મૉન્સૂનમાં પહેરો બ્રાઇટ ઍન્ડ બોલ્ડ કલર
ચોમાસામાં સ્ટાઇલિશ દેખાવા માટે માત્ર ટ્રેન્ડી આઉટફિટ્સ પસંદ કરવાં પૂરતાં નથી. એનો રંગ પણ એટલો જ મહત્ત્વનો હોય છે. ઘણા લોકો વરસાદમાં હળવા રંગનાં કપડાં પહેરી લે છે, પરંતુ કીચડના છાંટા અને ભીંજાયા પછી થતી ટ્રાન્સપરન્સીને કારણે આખો લુક બગડી જાય છે. એથી જ ફૅશન એક્સપર્ટ્સ ચોમાસામાં એવા બ્રાઇટ અને બોલ્ડ કલર પૅલેટ પસંદ કરવાની સલાહ આપે છે જે સ્ટાઇલની સાથે પ્રૅક્ટિકલ પણ હોય.
વાતાવરણ ઘણી વાર આસપાસના માહોલને થોડો નીરસ અને ડલ બનાવી દે છે. જોકે વાતાવરણ ગમે એટલું ડાર્ક હોય, તમારો લુક અને મૂડ એકદમ બ્રાઇટ અને વાઇબ્રન્ટ રહી શકે છે. ચોમાસામાં ડ્રેસિંગ કરતી વખતે સૌથી મોટો રોલ યોગ્ય કલર અને પ્રિન્ટ્સની પસંદગીનો છે. આ સીઝનમાં સફેદ, ક્રીમ કે પેસ્ટલ રંગો પહેરવાથી કીચડ કે માટીના છાંટાથી ડાઘ-ધબ્બા તરત જ ઊપસી આવે છે. એટલું જ નહીં, વરસાદમાં સહેજ પણ ભીંજાયા પછી આછાં કપડાં ટ્રાન્સપરન્ટ થઈ જવાનો પણ ડર રહે છે. આ પરિસ્થિતિથી બચવા અને આખો દિવસ ફ્રેશ દેખાવા માટે ચોમાસામાં કયા કલર્સ અને પ્રિન્ટ્સની પસંદગી કરવી એ ચાલો વિગતવાર જાણીએ.
વાતાવરણ અને મૂડને બ્રાઇટ બનાવતા રંગો આ વાદળછાયા હવામાનમાં ડલ કલર્સ છોડીને એવા શેડ્સ પસંદ કરવા જોઈએ જે કીચડના ડાઘ છુપાવે અને સાથે જ આંખોને ગમે એવો બ્રાઇટ લુક આપે. ચોમાસાના નીરસ દિવસોમાં પીળો કે મસ્ટર્ડ શેડ એકદમ સનશાઇન જેવો ચમકારો લાવે છે. આ કલર જોતાં જ મૂડ ઇન્સ્ટન્ટ્લી ફ્રેશ થઈ જાય છે અને ભીંજાયા પછી પણ ટ્રાન્સપરન્સીનો કોઈ ડર નથી રહેતો. ટેરાકોટા અને રસ્ટ ઑરેન્જ અત્યારે ખૂબ જ ટ્રેન્ડમાં છે. આ રંગો માત્ર રૉયલ વાઇબ્સ જ નથી આપતા, પણ રસ્તા પરના કીચડ
કે માટીના છાંટાને ખૂબીપૂર્વક છુપાવી દે છે. ઑફિસ કે ફૉર્મલ મીટિંગ્સ માટે નેવી બ્લુ, રૉયલ બ્લુ કે ડાર્ક ગ્રે કલર બેસ્ટ ઑપ્શન છે. એ ડાઘ-ધબ્બાને સંપૂર્ણપણે કવર કરી લે છે. બૉટલ ગ્રીન રંગ પ્રકૃતિના હરિયાળા વાતાવરણ સાથે અદ્ભુત રીતે મૅચ થાય છે. ચોમાસામાં ગ્લૅમરસ અને વાઇબ્રન્ટ લુક માટે હૉટ પિન્ક કે મજેન્ટા શેડ્સ ટ્રાય કરો. એક જ ડાર્ક પિન્ક કુરતી કે બોહો ક્રૉપ ટૉપ તમારા આખા લુકને એકદમ પૉપ-અપ બનાવી દેશે.
ચોમાસામાં પ્લેન કપડાં કરતાં પ્રિન્ટેડ ફૅબ્રિક્સ વધુ સુરક્ષિત અને સ્ટાઇલિશ સાબિત થાય છે. વાદળછાયા વાતાવરણમાં રંગબેરંગી ફૂલોવાળી મોટી પ્રિન્ટ્સ ખૂબ જ સુંદર, નૅચરલ અને ફ્રેશ વાઇબ્સ આપે છે. લાઇનિંગ, ચેક્સ કે ઍબ્સ્ટ્રૅક્ટ આર્ટવાળાં આઉટફિટ્સ ચોમાસા માટે પર્ફેક્ટ છે. આવી ડિઝાઇનનો સૌથી મોટો ફાયદો એ છે કે જો કીચડનો નાનો-મોટો છાંટો ઊડે તો એ પ્રિન્ટની ડિઝાઇનમાં ભળી જાય છે અને અલગથી દેખાતો નથી. ચોમાસામાં પોલકા ડૉટ્સ ખૂબ પહેરાય છે. આ પ્રિન્ટ્સ લુકને ટ્રેન્ડી બનાવવાની સાથે કીચડના ડાઘને સરળતાથી છુપાવી દે છે.
ચોમાસું માત્ર વરસાદથી બચવાનો સમય નથી, પણ સુંદર અને વાઇબ્રન્ટ રંગો ફ્લોન્ટ કરવાની શ્રેષ્ઠ તક છે. યોગ્ય ડાર્ક શેડ્સ અને સ્માર્ટ પ્રિન્ટ્સની પસંદગી કરીને તમે કીચડના ડાઘ કે કપડાં ટ્રાન્સપરન્ટ થવાના ડર વગર આખી સીઝનમાં એકદમ કમ્ફર્ટેબલ અને સ્ટાઇલિશ રહી શકો છો.