મચ્છરોથી બચવામાં મદદરૂપ બનશે આ મૉસ્કિટો રેપેલન્ટ પ્લાન્ટ્સ

06 August, 2026 05:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઘરની બાલ્કનીમાં કે ગાર્ડનમાં કેટલાક સુગંધિત છોડ વાવીને માત્ર હરિયાળી તો વધે જ છે સાથે કુદરતી સુગંધથી મચ્છરોને દૂર રાખવામાં પણ મદદ મળી શકે છે

મચ્છરોથી બચવામાં મદદરૂપ બનશે આ મૉસ્કિટો રેપેલન્ટ પ્લાન્ટ્સ

ચોમાસું આવતાં જ ચારે તરફ હરિયાળી અને ઠંડક છવાઈ જાય છે, પરંતુ એની સાથે એક મોટી મુશ્કેલી પણ આવે છે - મચ્છરોનો ઉપદ્રવ. વરસાદનું પાણી ભરાવાને કારણે ડેન્ગી, મલેરિયા અને ચિકનગુનિયા જેવા ખતરનાક રોગો ફેલાવતા મચ્છરો ઝડપથી વધવા લાગે છે. મચ્છરોથી બચવા માટે સામાન્ય રીતે ઘરમાં કેમિકલયુક્ત કૉઇલ, લિક્વિડ સ્પ્રે કે મચ્છર અગરબત્તીનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે આ કેમિકલ્સ ખાસ કરીને નાનાં બાળકો, વૃદ્ધો અને શ્વાસની તકલીફવાળા લોકો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. એનાથી શ્વાસ લેવામાં તકલીફ કે ઍલર્જી જેવી સમસ્યાઓ ઊભી થાય છે. જો તમે આ કેમિકલ્સથી બચીને કુદરતી અને સ્માર્ટ રીતે મચ્છરોને દૂર રાખવા માગતા હો તો મૉસ્કિટો રેપેલન્ટ પ્લાન્ટ્સ તમારા માટે શ્રેષ્ઠ અને સુરક્ષિત વિકલ્પ છે. 

સિટ્રોનેલા :

સિટ્રોનેલા મચ્છરોને દૂર રાખવા માટે સૌથી વધુ જાણીતો અને શક્તિશાળી છોડ છે. આપણે બજારમાં મચ્છર ભગાડવાનું જે ઑઇલ, ક્રીમ કે સ્પ્રે ખરીદીએ છીએ એમાં મોટા ભાગે આ જ છોડના તેલનો ઉપયોગ થાય છે. એની તીવ્ર સુગંધ મચ્છરોની સૂંઘવાની ક્ષમતાને નબળી પાડી દે છે જેનાથી મચ્છરો માણસની હાજરી અનુભવી શકતા નથી અને દૂર રહે છે. 

લેમન ગ્રાસ :

લેમન ગ્રાસ દેખાવમાં સિટ્રોનેલા જેવો જ ઘાસ આકારનો છોડ છે, પરંતુ એમાં લીંબુ જેવી મીઠી સોડમ હોય છે. એની લીંબુ જેવી કુદરતી સુગંધ મચ્છરોને ગમતી નથી એટલે એ મચ્છરોને આસપાસ આવતા અટકાવે છે. 

તુલસી :

તુલસી દરેક ભારતીય ઘરમાં સહેલાઈથી મળી રહેતો છોડ છે. ધાર્મિક અને ઔષધીય મહત્ત્વ સાથે એ એક ઉત્તમ કુદરતી મૉસ્કિટો રેપેલન્ટ પણ છે. તુલસીનાં પાંદડાંમાં ચોક્કસ પ્રકારનું એસેન્શિયલ ઑઇલ હોય છે. આ પાંદડાંમાંથી આવતી કુદરતી વાસ મચ્છર અને અન્ય નાનાં જીવજંતુઓને દૂર રાખવામાં મદદ કરે છે.

ગલગોટો :

ગલગોટાનાં પીળાં અને નારંગી રંગનાં ફૂલો માત્ર ઘરની સુંદરતા નથી વધારતાં, એ જંતુનાશક ગુણો પણ ધરાવે છે. ગલગોટાના છોડ અને એનાં ફૂલોમાંથી નીકળતી વિશિષ્ટ ગંધ મચ્છરો ઉપરાંત બગીચાના અન્ય નુકસાનકારક કીટકોને પણ દૂર રાખે છે.

 ફુદીનો :

ફુદીનો એની તાજી સુગંધ અને ઠંડક માટે જાણીતો છે. ફુદીનાના પાનમાં મેન્થોલ રહેલું હોય છે. આ તીવ્ર ગંધ મચ્છરોને જરાય પસંદ નથી હોતી. ફુદીનાનાં પાનને પાણીમાં ઉકાળી, એને ઠંડું કરીને ઘરમાં સ્પ્રે તરીકે છંટકાવ કરવાથી પણ મચ્છરો દૂર રહે છે.

છોડનો વધુ સારો ઉપયોગ કરવા માટે ધ્યાનમાં રાખો

છોડનાં પાંદડાંને હળવાં મસળવાથી એમાં રહેલા કુદરતી તેલની સુગંધ વધુ સારી રીતે બહાર આવે છે.
 છોડને બારી, દરવાજા, બાલ્કની અથવા બેસવાની જગ્યાની નજીક રાખો જેથી હવાની સાથે એની સુગંધ ફેલાય.
 હવાની દિશા ધ્યાનમાં રાખીને છોડ ગોઠવો જેથી સુગંધનો ફાયદો વધુ સારી રીતે મળી શકે.
 છોડને પૂરતો સૂર્યપ્રકાશ અને યોગ્ય પ્રમાણમાં પાણી આપો.
 સૂકાં પાંદડાં અને વધારાની ડાળીઓ સમયસર દૂર કરતા રહો જેથી છોડ સ્વસ્થ રહે.
 માત્ર મૉસ્કિટો રેપેલન્ટ પ્લાન્ટ્સ પર આધાર રાખશો નહીં.
 ઘરની આસપાસ કે કૂંડાની પ્લેટમાં પાણી ભરાવા ન દો, કારણ કે એમાં મચ્છરો ઈંડાં મૂકે છે.

lifestyle news life and style home decor fashion news fashion