ઘરમાં માનસિક શાંતિ આપે છે આ ઇન્ટીરિયર ટ્રેન્ડ

01 July, 2026 03:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્નેક પ્લાન્ટ, મની પ્લાન્ટ, એરેકા પામ જેવા ઇન્ડોર છોડ ઘરની અંદરની હવાને શુદ્ધ કરે છે અને ઑક્સિજનનું પ્રમાણ વધારે છે.

ઘરમાં માનસિક શાંતિ આપે છે આ ઇન્ટીરિયર ટ્રેન્ડ

હેક્ટિક લાઇફસ્ટાઇલને કારણે હવે લોકો પોતાના ઘરમાં એવો માહોલ ઇચ્છે છે જ્યાં તેમને માનસિક શાંતિ મળે. અત્યારે બાયોફિલિક ઇન્ટીરિયર આ જરૂરિયાતમાં બંધબેસતો કન્સેપ્ટ છે. આ માત્ર એક ટ્રેન્ડ નથી, એ આપણને પ્રકૃતિની નજીક લાવવાનું સચોટ માધ્યમ છે ત્યારે એને અપનાવવાથી કઈ રીતે આપણા ઘરનું વાતાવરણ અને મેન્ટલ વેલ-બીઇંગ સુધરે છે એ જાણીએ.

બાયોફિલિક ડિઝાઇન એટલે?

બાયોફિલિયા એ ગ્રીક શબ્દ છે. બાયો એટલે જીવન અથવા પ્રકૃતિ અને ફિલિયા એટલે પ્રેમ અથવા આકર્ષણ. શબ્દનો સરળ અર્થ થાય છે કુદરત પ્રત્યેનો પ્રેમ. બાયોફિલિક ઇન્ટીરિયર ડિઝાઇન એટલે ઘરની સજાવટમાં કુદરતી તત્ત્વોનો એવી રીતે ઉપયોગ કરવો જેથી ઘરની અંદર પણ પ્રકૃતિ જેવો અહેસાસ થાય. આમાં માત્ર ઇન્ડોર પ્લાન્ટ્સ મૂકવા પૂરતું મર્યાદિત નથી; પરંતુ કુદરતી પ્રકાશ, હવા, લાકડું, પથ્થર અને પાણીના સ્રોતોનો સ્માર્ટ ઉપયોગ કરીને ઘરને જીવંત બનાવવાનો આખો એક અભિગમ છે.

માનસિક સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર

સ્ટ્રેસમાં ઘટાડો : રિસર્ચ મુજબ જ્યારે આપણે લીલોતરી અથવા કુદરતી તત્ત્વોની આસપાસ હોઈએ છીએ ત્યારે આપણા શરીરમાં સ્ટ્રેસ હૉર્મોનનું સ્તર ઘટે છે. ઑફિસથી થાકીને આવ્યા પછી પ્રકૃતિના સ્પર્શવાળા ઘરમાં પ્રવેશતાં જ મન હળવું થઈ જાય છે.

રિફ્રેશિંગ : જે ઘરમાં સૂર્યપ્રકાશ અને છોડ વધુ હોય છે ત્યાં રહેતા લોકોનો મૂડ સારો રહે છે. કુદરતી વાતાવરણ ડિપ્રેશનનાં લક્ષણોને ઘટાડવામાં અને સકારાત્મક ઊર્જા વધારવામાં મદદ કરે છે.

પ્રોડક્ટિવિટીમાં વધારો : જો તમે વર્ક ફ્રૉમ હોમ કરો છો તો તમારા હોમ-ઑફિસ સ્પેસમાં બાયોફિલિક ટચ આપવાથી તમારી કામ કરવાની ક્ષમતા અને ક્રીએટિવિટી વધે છે અને સુધરે પણ છે.

ઘરના વાતાવરણને કેવી રીતે સુધારે છે?

સ્નેક પ્લાન્ટ, મની પ્લાન્ટ, એરેકા પામ જેવા ઇન્ડોર છોડ ઘરની અંદરની હવાને શુદ્ધ કરે છે અને ઑક્સિજનનું પ્રમાણ વધારે છે.

બાયોફિલિક ડિઝાઇન મોટાં બારી-બારણાં પર ભાર મૂકે છે, જેથી ઘરમાં મહત્તમ સૂર્યપ્રકાશ આવી શકે. આનાથી વિટામિન D તો મળે જ છે, સાથે જ ઘરની ઊર્જા પણ બદલાઈ જાય છે.

પ્લાસ્ટિક કે સિન્થેટિકની વસ્તુઓની જગ્યાએ લાકડું, વાંસ, પથ્થર અને ક્લે આર્ટિકલ્સનો ઉપયોગ કરવાથી ઘરને હૂંફાળો લુક મળે છે.

આ ઇન્ટીરિયરને કેવી રીતે અપ્લાય કરશો?

નૅચરલ લાઇટ્સ : બાયોફિલિક ડિઝાઇનનો સૌથી પહેલો નિયમ એ છે કે ઘરમાં કૃત્રિમ લાઇટો કરતાં સૂર્યપ્રકાશને વધુ સ્થાન મળવું જોઈએ. આ માટે તમારી બારીઓ પાસે એવી વસ્તુઓ ન ગોઠવો જે રોશનીને રોકે. બારીઓ પર ભારે અને ડાર્ક પડદાની જગ્યાએ વાઇટ કે લાઇટ કલરના લિનન અથવા કૉટનના પડદા લગાવો, જેથી ઘરમાં સૉફ્ટ નૅચરલ લાઇટ ફિલ્ટર થઈને આવે. સવારે અને સાંજના સમયે ઘરનાં બારી-બારણાં ખુલ્લાં રાખો જેથી તાજી હવા આવી શકે. આનાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે.

ટેક્સ્ચર અને મટીરિયલ્સની પસંદગી : બાયોફિલિક ડિઝાઇનમાં પ્લાસ્ટિક, સ્ટીલ કે ગ્લોસી સર્ફેસનો ઉપયોગ ઘટાડીને કુદરતી વસ્તુઓનો સ્પર્શ વધારવામાં આવે છે. લિવિંગરૂમ અથવા બેડરૂમમાં ઑર્ગેનિક શેપ અને અનપૉલિશ્ડ અથવા રૉ લુક ધરાવતા લાકડાના ફર્નિચરનો ઉપયોગ કરો. વાંસની ચૅર કે હિંડોળા આ લુક માટે બેસ્ટ છે. દીવાલો પર કેમિકલવાળા પેઇન્ટ્સને બદલે લાઇમ વૉશ, ક્લે પ્લાસ્ટર અથવા પથ્થરનું ક્લેડિંગ કરાવી શકાય, જે ઘરને રૉ લુક આપે છે. ફૅબ્રિકની વાત કરીએ તો સોફાનાં કવર, બેડશીટ્સ અને કુશન માટે ખાદી, કૉટન કે વુલ જેવું નૅચરલ ફૅબ્રિક્સ પસંદ કરો.

ઇન્ડોર પ્લાન્ટ્સનું લેયરિંગ : માત્ર એક ખૂણામાં કૂંડું મૂકી દેવાથી બાયોફિલિક લુક નથી આવતો. એના માટે પ્લાન્ટ લેયરિંગ કરવું પડે છે. જો ઘરમાં જગ્યા ઓછી હોય તો હૉલની કોઈ એક દીવાલ પર આખું વર્ટિકલ ગાર્ડન બનાવી શકાય. લિવિંગરૂમના ખૂણામાં ઊંચા છોડ જેમ કે ફિડલ લીફ ફિગ અથવા મૉન્સ્ટેરા મૂકો, જ્યારે સેન્ટર ટેબલ કે ટીવી-યુનિટ પર નાના સક્યુલન્ટ્સ અથવા બોન્સાઈ મૂકો. બાલ્કની અથવા રસોડાની બારી પાસે મનીપ્લાન્ટ કે બૉસ્ટન ફર્ન જેવા વેલાવાળા છોડ લટકાવો. એ આંખોને ખૂબ શાંતિ આપે છે.

ઑર્ગેનિક કલર પૅલેટ : ઘરની દીવાલો અને સજાવટના રંગો સીધા પ્રકૃતિમાંથી પ્રેરિત હોવા જોઈએ. ટેરાકોટા, સૅન્ડ અને બેજ કલર બેઝ તરીકે વાપરો. વિઝ્યુઅલ રિલૅક્સેશન માટે ઑલિવ ગ્રીન, ફૉરેસ્ટ ગ્રીન, સ્કાય બ્લુ અને હળવા પીળા રંગના શેડ્સનો ઍક્સેન્ટ કલર તરીકે ઉપયોગ કરો.

સેન્સરી કનેક્શન : બાયોફિલિક ડિઝાઇન માત્ર જોવાની નહીં, અનુભવવાની વસ્તુ છે. ઘરના ઈશાન ખૂણામાં અથવા લિવિંગરૂમમાં એક નાનો ઇન્ડોર વૉટર ફાઉન્ટેન મૂકો. વહેતા પાણીનો ધીમો અવાજ ઘરમાં પૉઝિટિવ વાઇબ્સ લાવે છે અને મેડિટેશન જેવું કામ કરે છે. રૂમ-ફ્રેશનરનું કેમિકલ સ્પ્રે વાપરવાને બદલે લૅવન્ડર, લેમનગ્રાસ, ચંદનનું નૅચરલ એસેન્શિયલ ઑઇલ અને ડિફ્યુઝરનો ઉપયોગ કરો.

fashion fashion news columnists gujarati mid day lifestyle news life and style