31 August, 2026 03:17 PM IST | Mumbai | Kajal Rampariya
ફૅશનમાં થેરપી કે થેરપીમાં ફૅશન?
કોઈ મહત્ત્વની મીટિંગ, એક્ઝામ કે પ્રેઝન્ટેશન પહેલાં તમારા ધબકારા વધી ગયા હોય, હાથ કાંપવા લાગ્યા હોય અને મનમાં વિચારોનો વંટોળ શરૂ થઈ ગયો હોય ત્યારે અજાણતાં જ હાથની ઘડિયાળ ફેરવવા લાગીએ છીએ, પેનની કૅપ ખોલ-બંધ કરીએ છીએ કે આંગળીઓ સાથે રમવા લાગીએ છીએ. આ કશું જ નવું નથી પણ ઍન્ગ્ઝાયટીના સમયે મનને શાંત કરવાનો આપણા મગજનો એક કુદરતી પ્રયાસ છે. આ જ માનવસહજ ટેવને પકડીને યંગસ્ટર્સે ઍન્ટિ-ઍન્ગ્ઝાયટી જ્વેલરીનો નવો રસ્તો શોધ્યો છે. દેખાવમાં અત્યંત ટ્રેન્ડી, ક્યુટ અને આકર્ષક લાગતી આ જ્વેલરી, જેમ કે આંગળીથી સતત ગોળ ફરી શકે એવી રિંગ્સ, સ્પર્શતી વખતે અલગ ટેક્સ્ચર આપતાં ટેક્ટાઇલ બ્રેસલેટ્સ અને ફિજેટ પેન્ડન્ટ્સ અત્યારે ટ્રેન્ડમાં છે. આ જ્વેલરી પહેરવાથી તનાવ ઓછો થઈ જાય છે એવો દાવો કરવામાં આવે છે, પણ શું ખરેખર એક નાનકડી વીંટી કે બ્રેસલેટ મનને શાંત કરવામાં મદદરૂપ થઈ શકે? શું આ જ્વેલરી માનસિક ચિંતા દૂર કરવાનો કોઈ કાયમી ઇલાજ છે કે પછી માત્ર બ્રૅન્ડ્સની માર્કેટિંગ સ્ટ્રૅટેજી? આ વિશે વાડિયા હૉસ્પિટલમાં કાર્યરત અનુભવી સાઇકોલૉજિસ્ટ હિના શેઠ પાસેથી જાણીએ.
ઍન્ટિ-ઍન્ગ્ઝાયટી જ્વેલરી જેને સામાન્ય ભાષામાં ફિજેટ જ્વેલરી કે માઇન્ડફુલનેસ જ્વેલરી કહેવાય છે એ એવી રીતે ડિઝાઇન કરવામાં આવેલી ઍક્સેસરીઝ છે જે જોવામાં મિનિમલિસ્ટિક અને સુંદર લાગે છે પરંતુ એની અંદર વિશિષ્ટ મેકૅનિકલ ફીચર્સ હોય છે. જેમ કે સ્પિનર રિંગ્સમાં અંદર સ્થિર બૅન્ડ હોય છે, પણ એની ઉપર ગોળ ફરી શકે એવું મેટાલિક લેયર હોય છે. ચિંતા કે ગભરામણ વખતે આંગળીના અંગૂઠા વડે એને ગોળ-ગોળ ફેરવી શકાય છે. બીડ રિંગ્સ અને બ્રેસલેટ્સમાં ધાતુ કે કાચના નાના મણકા હોય છે જેને દોરા કે વાયર પર આગળ-પાછળ ખસેડી અથવા ફેરવી શકાય છે. નળાકાર અથવા નાની વાંસળી જેવાં પેન્ડન્ટ્સમાં ચોક્કસ માપનું છિદ્ર હોય છે જેને બ્રીધિંગ પેન્ડન્ટ્સ કહેવાય છે. એનો ઉપયોગ ઊંડા શ્વાસ લઈને ધીમેથી બહાર કાઢવાની બ્રીધિંગ એક્સરસાઇઝ માટે થાય છે. આ ઉપરાંત એવી કડીઓ કે ખરબચડી સપાટી ધરાવતી રિંગ્સ હોય છે જેમને માત્ર સ્પર્શ કરવાથી મનને શાંતિનો અનુભવ થાય. આ બધી જ જ્વેલરી અત્યારે જેન-ઝીની પહેલી પસંદ બની રહી છે.
કોઈ વ્યક્તિ જ્યારે તનાવ અથવા ગભરામણની સ્થિતિમાં સ્પિનર રિંગ ફેરવે છે, બ્રેસલેટના મણકા ખસેડે છે અથવા પેન્ડન્ટને સ્પર્શ કરે છે ત્યારે તેનું ધ્યાન ચિંતાજનક વિચારોમાંથી થોડા સમય માટે વર્તમાન ક્ષણ તરફ વળે છે. સાઇકોલૉજીમાં આ પ્રક્રિયાને ઘણી વાર ગ્રાઉન્ડિંગ અથવા ટેક્ટાઇલ સ્ટિમ્યુલેશન સાથે જોડવામાં આવે છે. હાથની પુનરાવર્તિત અને સરળ હિલચાલ મગજને એક નાનું કેન્દ્રબિંદુ આપે છે, જેને કારણે સતત ચાલતા વિચારોનો પ્રવાહ થોડો ધીમો પડી શકે છે. જો વ્યક્તિ દર વખતે આ જ્વેલરીનો ઉપયોગ કરતી વખતે ઊંડા શ્વાસ લેવાની કે પોતાનું ધ્યાન શ્વાસ પર કેન્દ્રિત કરવાની ટેવ પાડે તો સમય જતાં મગજ આ સ્પર્શને શાંતિ અને સંયમ સાથે જોડવા લાગે છે. કેટલાક લોકો એવું પણ માને છે કે આવી જ્વેલરી શરીરની વેગસ નર્વને સીધી ઉત્તેજિત કરે છે, પરંતુ હાલમાં આ વિશે પૂરતા વૈજ્ઞાનિક પુરાવા ઉપલબ્ધ નથી. વાસ્તવમાં આવી જ્વેલરી મુખ્યત્વે એક કોપિંગ ટૂલ તરીકે કામ કરે છે જે વ્યક્તિને ચિંતાના વમળમાંથી બહાર લાવીને થોડા સમય માટે પોતાને સ્થિર કરવામાં મદદરૂપ થઈ શકે છે.
ઍન્ટિ-ઍન્ગ્ઝાયટી જ્વેલરી એ વન-સ્ટૉપ સૉલ્યુશન નથી અને એને ક્યારેય કાયમી ઇલાજ માનવો જોઈએ નહીં. ચિંતા ઉત્પન્ન થવાનાં કારણો ઘણી વાર બહુ ઊંડાં હોય છે જેમાં બાયોલૉજિકલ, સાઇકોલૉજિકલ અને એન્વાયર્નમેન્ટલ કારણો સામેલ હોય છે. માત્ર એક ઘરેણું કે ધાતુનો ટુકડો આટલાં બધાં કારણોનો ઉકેલ લાવી શકે નહીં. આ જ્વેલરી વ્યક્તિને એ ક્ષણે શાંત થવા અને તેની લાગણીઓને કન્ટ્રોલ કરવામાં મદદરૂપ થઈ શકે છે, પણ એ મૂળ સમસ્યાને દૂર કરતી નથી. એ માત્ર કામચલાઉ રાહત માટે જ અસરકારક સાબિત થઈ શકે છે.
સમસ્યા જ્વેલરીમાં નથી, પણ આપણો એના પ્રત્યેનો અતિશય વિશ્વાસ જોખમી બની શકે છે. જો કોઈ વ્યક્તિ એવું માનવા લાગે કે હું આ રિંગ ફેરવ્યા વગર કે આ બ્રેસલેટ પહેર્યા વગર શાંત રહી જ શકું નહીં તો તે પોતાની અંદર રહેલી સહનશક્તિ અને માનસિક ક્ષમતા કરતાં એક બાહ્ય વસ્તુ પર વધુ ભરોસો મૂકવા લાગે છે. સાઇકોલૉજીની ભાષામાં એને સેફ્ટી બિહેવિયર કહેવાય છે. આ ટેવ થોડા સમય માટે ભલે રાહત આપે, લાંબા ગાળે ઍન્ગ્ઝાયટી ફેસ કરવામાં અડચણ ઊભી કરે છે.
આપણે એ સમજવું ખૂબ જરૂરી છે કે કોપિંગ અને ટ્રીટમેન્ટ બન્ને સાવ અલગ બાબતો છે. જ્વેલરી માત્ર કોપિંગનું માધ્યમ છે. જો તમને વારંવાર ચિંતા થતી હોય, પૅનિક અટૅક્સ આવતા હોય અથવા એની અસર તમારા રોજિંદા કામ, અભ્યાસ કે સંબંધો પર પડી રહી હોય તો પ્રોફેશનલ મદદ લેવી જરૂરી છે. કૉગ્નિટિવ બિહેવિયર થેરપી જેવી થેરપી મગજના વિચારોની પૅટર્ન બદલવામાં મદદરૂપ થઈ શકે છે. આ ઉપરાંત મેડિટેશન, પૂરતી ઊંઘ, પૌષ્ટિક આહાર અને નિયમિત કસરત જેવા લાઇફસ્ટાઇલ ચેન્જિસ પણ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે.