03 December, 2025 11:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
તમારી જીવનશૈલી ખૂબ તનાવયુક્ત હોય, નીંદર પૂરી થતી ન હોય અને સ્ક્રીન ટાઇમ અને પ્રદૂષણને કારણે આંખોની નીચે કાળાં કૂંડાળાં હોય તો એ ખૂબ સામાન્ય સમસ્યા બની ચૂકી છે. કેટલાક લોકો આઇ ક્રીમ્સ, ઘરગથ્થુ ઉપાય અને અન્ડ આઇ પૅચિસનો ઉપયોગ કરે છે, પણ એ વધુ અસરકારક હોતાં નથી. એવામાં એક નવો કૉસ્મેટિક ટ્રેન્ડ ઝડપથી લોકપ્રિય થઈ રહ્યો છે.
કાર્બનડાયૉક્સાઇડ ઇન્જેક્શન્સ, જેને મેડિકલની ભાષામાં કાર્બોક્સિથેરપી કહેવામાં આવે છે. ભારતમાં પણ આ ટ્રીટમેન્ટ ડિમાન્ડમાં છે કારણ કે ડાર્ક સર્કલ દૂર કરવામાં એને ખૂબ પ્રભાવશાળી માનવામાં આવે છે.
કાર્બોક્સિથેરપી એક કૉસ્મેટિક પ્રોસીજર છે જેમાં મેડિકલ ગ્રેડ કાર્બનડાયૉક્સાઇડ ગૅસને સ્કિનની નીચે ઇન્જેક્ટ કરવામાં આવે છે. જેવો કાર્બનડાયૉક્સાઇડ ટિશ્યુમાં જાય છે, બૉડી એ એરિયામાં વધુ ઑક્સિજન અને બ્લડ સપ્લાય મોકલવા લાગે છે. આ નૅચરલ રિસ્પૉન્સથી બ્લડ-સર્ક્યુલેશન સુધરે છે, કોલૅજનનું પ્રોડક્શન વધે છે, સ્કિન વધારે ટાઇટ અને હેલ્ધી દેખાય છે. આંખોની નીચેની ત્વચા ખૂબ પાતળી હોય છે ત્યાં આ ટ્રીટમેન્ટ બ્લડ ફ્લો વધારવામાં મદદ કરે છે, જેનાથી ડાર્ક સર્કલ ઝાંખાં પડવા લાગે છે.
ભારતીય ત્વચામાં સ્વાભાવિક રૂપથી મેલૅનિન વધુ હોય છે. એ જ કારણે આંખોની નીચે કાળા ઘેરા બનવાની સમસ્યા વધુ દેખાય છે. કાર્બોક્સિ ટ્રીટમેન્ટ સીધી એ કારણો પર અસર નાખે છે જેમ કે નબળું બ્લડ-સર્ક્યુલેશન, પાતળી થતી સ્કિન અને લિમ્ફેટિક કન્જેશન (તરલના જમાવની સમસ્યા). આ ઉપચાર બધી સમસ્યાના કારણોને સુધારીને આંખોની નીચેની ત્વચાને તાજગી અને ચમક આપે છે.
આ ટ્રીટમેન્ટમાં કેટલો સમય લાગે અને અંદાજિત ખર્ચ કેટલો થાય એની વાત કરીએ તો એક સેશન ૧૫થી ૩૦ મિનિટનું હોય છે અને એમાં વધારે દુખાવો થતો નથી. સામાન્ય રીતે ૪-૮ સેશનની જરૂર પડતી હોય છે. જો કાળાં કૂંડાળાં વધુ હોય તો વધારે સેશનની પણ જરૂર પડી શકે. દરેક સેશન વચ્ચે એક-બે અઠવાડિયાંનો ગૅપ હોય છે. એક સેશનની ફી બેથી પાંચ હજાર થાય છે. આ ફી પણ એરિયાવાઇઝ અને ડર્મેટોલૉજિસ્ટના એક્સ્પીરિયન્સ મુજબ ઓછી-વધુ હોઈ શકે.