ફૅશનજગતમાં છવાઈ ચાંદબાલી જ્વેલરી

10 April, 2026 11:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બદલાતા સમય સાથે ગૉર્જિયસ લુક મેળવવા માત્ર ઇઅર-રિંગ્સ જ નહીં, ચાંદબાલી સ્ટાઇલના નેકલેસ અને ટીકા પણ મહિલાઓની પહેલી પસંદ બની રહ્યા છે

ચાંદબાલી જ્વેલરી

એથ્નિક ફૅશનમાં થોડો રૉયલ ટચ ઉમેરવો હોય તો મગજમાં સૌથી પહેલાં ચાંદબાલી જ્વેલરી આવશે. અર્ધચંદ્રાકાર આકારની મોગલ અને હૈદરાબાદી નિઝામી સંસ્કૃતિમાંથી આવેલી આ જ્વેલરી ભારતીય સ્ત્રીઓની ફેવરિટ રહી છે. જો તમે પણ ચાંદબાલી સ્ટાઇલની જ્વેલરીના શોખીન હો તો ફેસકટ અને આઉટફિટ મુજબ કેવી રીતે પર્ફેક્ટ પસંદગી કરવી એ આ સ્ટાઇલ-ગાઇડમાં જાણી લેજો.

ફેસના શેપના હિસાબે કરો પસંદગી

જો તમારો ચહેરો ગોળ હોય તો બહુ મોટી અને પહોળી ચાંદબાલી ટાળવી જોઈએ. એને બદલે વર્ટિકલ અથવા થોડી લાંબી હોય એવી ચાંદબાલી પસંદ કરો. એ તમારા ચહેરાને લાંબો અને શાર્પ લુક આપશે. ઓવલ ફેસ ધરાવતા લોકોને દરેક પ્રકારની ચાંદબાલી સૂટ થાય છે. તમે હેવી અને મલ્ટિ-લેયર ચાંદબાલી પણ ટ્રાય કરી શકો છો. સ્ક્વેર અને હાર્ટ શેપ ફેસકટ્સને સૉફ્ટ લુક આપવા માટે મોટી અને કર્વવાળી ક્લાસિક ચાંદબાલી મસ્ત લાગશે.

કેવી જ્વેલરી સૂટ થશે?

મોટા ભાગના લોકો માને છે કે ચાંદબાલી એટલે માત્ર કાનની બુટ્ટી. જોકે હવે ટ્રેન્ડ બદલાયો છે. તમે ચાંદબાલી પૅટર્નને અન્ય જ્વેલરીમાં પણ ફ્લોન્ટ કરી શકો છો. લગ્નપ્રસંગોમાં માત્ર એક હેવી ચાંદબાલી ડિઝાઇનનો માંગ-ટીકા પહેરવાથી ચહેરો ખીલી ઊઠે છે. આ આખો લુક એકદમ સેલિબ્રિટી જેવો લાગે છે. આજકાલ ચાંદબાલી આકારના પેન્ડન્ટવાળા ચૉકર અને લૉન્ગ હાર બહુ ટ્રેન્ડમાં છે. ખાસ કરીને પ્લેન સાડી કે અનારકલી ડ્રેસ સાથે આવા નેકલેસ આખા આઉટફિટને હાઇલાઇટ કરે છે.

ચાંદબાલી એવી જ્વેલેરી છે જે વર્ક અને ફૅબ્રિક સાથે મૅચ થાય તો જ એની સુંદરતા નીખરે છે. જો તમે શર્ટ વિથ સ્કર્ટ કે ક્રોપ ટૉપ પહેરતા હો તો ઑક્સિડાઇઝ્ડ ચાંદબાલી બેસ્ટ ઑપ્શન છે. એ તમારા મૉડર્ન લુકમાં ટ્રેડિશનલ સ્પાર્ક ઉમેરશે. રેશમી સાડી કે ભારે એમ્બ્રૉઇડરીવાળા લેહંગા સાથે કુંદન, મોતી અથવા મીનાકારી વર્કવાળી ચાંદબાલી પહેરવી જોઈએ. શરારા અને ઘરારા સાથે ચાંદબાલીનું કૉમ્બિનેશન મેડ ફૉર ઈચઅધર જેવું લાગે છે. આમાં તમે મોટી અને હેવી ચાંદબાલી પહેરીને ઇઅર-રિંગ્સને જ તમારા લુકનું સેન્ટર ઑફ અટ્રૅક્શન બનાવી શકો છો. ચાંદબાલી પોતે જ એક સ્ટેટમેન્ટ જ્વેલરી છે. જો તમે મોટી ચાંદબાલી પહેરતા હો તો ગળામાં કંઈ ન પહેરવું અથવા એકદમ પાતળી ચેઇન પહેરવી જેથી તમારો લુક મેસી ન લાગે.

fashion fashion news life and style lifestyle news columnists