કમ્ફર્ટ કિંગ ક્રૉક્સનું મેકઓવર એથ્નિક સ્ટાઇલમાં નવો ચાર્મ ઍડ કરશે

26 November, 2025 12:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વર્ષોથી કમ્ફર્ટ ફુટવેઅર તરીકે જાણીતાં ક્રૉક્સને આ વખતે વેડિંગ ફંક્શન્સ અને પાર્ટીઝમાં પહેરીને જઈ શકાય એ માટે કસ્ટમાઇઝ‍્ડ ઑપ્શન્સ માર્કેટમાં આવવા લાગ્યા છે

ક્રૉક્સ

મેન્સ ફૅશનની ફુટવેઅરની દુનિયામાં સૌથી આરામદાયક ગણાતાં ક્રૉક્સ હવે ચોમાસા પૂરતાં જ નથી રહ્યાં, એનું મેકઓવર થતાં હવે એ પાર્ટી અને ફંક્શન્સની રોનક બની રહ્યાં છે. એને પોતાની રીતે કસ્ટમાઇઝ કરીને ચાર્મ્સ પણ ઍડ કરી શકાય. અત્યારે માર્કેટમાં એવી સ્ટાઇલનાં ક્રૉક્સ આવ્યાં છે જે તમને તહેવારોની સીઝનની સાથે વે​ડિંગ ફંક્શન્સ અને પાર્ટીમાં તમારા લુકને પ્રો બનાવવાનું કામ કરશે.

સ્ટડેડ ક્રૉક્સ

મેટલિક સ્ટડનું ડીટેલિંગ ધરાવતાં ક્રૉક્સ ફૅશન-ફૉર્વર્ડ ટ્‌વિસ્ટ આપે છે. આવાં ક્રૉક્સ કૉકટેલ નાઇટ્સ, ફેસ્ટિવ ડિનરમાં મસ્ત લાગશે. નાઇટ વેડિંગ ફંક્શન્સમાં વધારે પડતાં ભપકાદાર ન લાગે એવો સટલ લુક આપશે. આવાં ક્રૉક્સનું મટીરિયલ ઇકોફ્રેન્ડ્‌લી છે. એને ક્રૉપ્ડ ટ્રાઉઝર્સ, ન્યુટ્રલ શર્ટ અને લેયર્ડ સિલ્વર જ્વેલરી સાથે સ્ટાઇલ કરીને ઓછી મહેનતે ટ્રેન્ડી લુક મેળવી શકાય.

ક્લાસિક ક્રૉક્સ

ક્લાસિક ક્રૉક્સ અત્યારે ઑફસીઝન પણ બહુ ચાલી રહ્યાં છે. હવે રસ્ટ કલર એટલે બ્રાઉન માટી જેવા કલરનાં ક્રૉક્સ બહુ આવી રહ્યાં છે. આવા કલરનાં ક્રૉક્સને તહેવારો, પૂજાપ્રસંગે અને નાઇટ-પાર્ટી જેવા બધા જ પ્રસંગે પહેરી શકાય છે. પહેરવામાં હળવાં અને કમ્ફર્ટ આપે એવાં હોવાથી હરવા-ફરવા માટે પણ એનો યુઝ કરી શકાય છે. આવાં ક્રૉક્સને સફેદ લિનન પૅન્ટ, ક્યુબન શર્ટ અને ક્રૉસ બૉડી બૅગ સાથે સહેલાઈથી સ્ટાઇલ કરી શકાય. આમાં બ્લૅક કલર પણ આવે. મેન્સ ફુટવેઅરમાં બ્લૅક કલર ટાઇમલેસ અને વર્સેટાઇલ લુક આપે છે. પાર્ટીમાં હોસ્ટ તરીકેની ભૂમિકા ભજવતા હો અથવા પૂજાપ્રસંગે કે વેડિંગ ફંક્શન્સ અટેન્ડ કરવાના હો તો કુરતા સેટની સાથે વેસ્ટર્ન લુકમાં આવાં ક્રૉક્સ બહુ મસ્ત લાગશે. જૉગર્સ સાથે મૉડર્ન લુક પર પણ ક્રૉક્સ પહેરી શકાય. એમાં પર્સનલાઇઝેશન કરવું હોય તો તમને ગમતાં ચાર્મ્સ ઉમેરીને તમારી પર્સનાલિટીને વધુ સારી રીતે ફ્લૉન્ટ કરી શકાય.

સ્માર્ટ ટિપ્સ

ક્રૉક્સને ફેસ્ટિવ લુક આપવાની બહુ સહેલી રીત છે. ગોલ્ડ કે સિલ્વર કલરના મેટલિક, ગ્લિટરવાળા અથવા મિરર-વર્કવાળાં ચાર્મ્સ ક્રૉક્સ પર લગાવો જે તમારી જ્વેલરી સાથે મૅચ થાય અને આખા લુકને સટલ બનાવે. થીમ આધારિત ચાર્મ્સ પણ મળે છે. નામના ફર્સ્ટ લેટરનાં ચાર્મ્સ લગાવી શકાય, આઇસક્રીમ ભાવતો હોય તો એનાં ચાર્મ્સ, મનપસંદ સ્થળ પૅરિસ હોય તો આઇફલ ટાવરનાં ચાર્મ્સ લગાવવાં. આ રીતે તમે કસ્ટમાઇઝ કરી શકો જેથી તમારો લુક વધારે સારી રીતે ડિફાઇન થઈ શકે.

ક્રૉક્સ સ્ટાઇલિશ દેખાય એ માટે ઍન્કલ લેન્ગ્થનાં ટ્રાઉઝર અથવા જૉગર્સ પહેરો. ધોતી કે પટિયાલા પહેરો તો એની પ્લીટ્સને એવી રીતે રાખો કે એ ક્રૉક્સને ઢાંકી ન દે.

ક્રૉક્સ સાથે મોજાં પહેરવાં ફૅશન-સ્ટેટમેન્ટ બની ગયું છે. તહેવારો કે વેડિંગ ફંક્શનમાં આ ટ્રેન્ડને અપનાવી શકાય. તમારા આઉટફિટના કોઈ એક રંગ, ધારો કે કુરતાના રંગ સાથે મૅચ થતા અથવા કૉન્ટ્રાસ્ટ કે વાઇબ્રન્ટ કલરનાં મોજાં પહેરો. મલમલ અથવા મર્સરાઇઝ કૉટન જેવાં સહજ અને પ્રીમિયમ ટેક્સચરવાળાં મોજાં ફેસ્ટિવ વાઇબ આપ છે.

કલર કો-ઑર્ડિનેશન હોવું બહુ જ જરૂરી છે. બ્લૅક ક્રૉક્સને બ્લૅક અથવા નેવી બ્લુ કુરતા સેટ સાથે પહેરશો તો મૉડર્ન લુક મળશે. જો તમારું આઉટફિટ ન્યુટ્રલ હશે જેમ કે સફેદ અથવા ક્રીમ કલરનું હશે તો રસ્ટ કલકનાં ક્રૉક્સ પહેરો. એ તમારા લુકને એન્હૅન્સ અને હાઇલાઇટ કરશે.

ક્રૉક્સનું ટેક્સચર રબરી હોય છે. એને બૅલૅન્સ કરવા આઉટફિટ્સમાં વિપરીત ટેક્સ્ચરનો ઉપયોગ કરો. સિલ્ક, વેલ્વેટ અથવા ખાદી જેવા રિચ ટેક્સ્ચરવાળા ફૅબ્રિકનાં કુરતા હાઈ-લૉ ફૅશનનો સારો લુક આપે છે. લગ્નપ્રસંગે કે પૂજાવિધિમાં જવું હોય તો ક્રૉક્સ સાથે હેવી પ્રિન્ટેડ અથવા એમ્બ્રૉઇડરીવાળા કુરતા પહેરી શકાય.

ઍક્સેસરીઝમાં બૅલૅન્સ રાખવું બહુ મહત્ત્વનું છે. સાંજના ફંક્શનમાં જવાનું હોય તો સ્ટાઇલિશ સનગ્લાસ અથવા કુરતાના ખિસ્સામાં કૉન્ટ્રાસ્ટ કલરનો પૉકેટ સ્ક્વેર સ્ટાઇલ કરી શકાય. ક્લાસિક ઘડિયાળ અથમા મેટલિક કફ કે બ્રેસ્લેટ પણ બહુ મસ્ત લાગશે. આઉટફિટ સાથે પ્રિન્ટેડ કે ભરતકામવાળો સ્ટોલ અથલા શૉલ સ્ટાઇલ કરવાથી લુક વધુ ફૉર્મલ અને ફેસ્ટિવ લાગે છે.

fashion fashion news life and style lifestyle news columnists