21 April, 2026 04:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બોરિંગ શર્ટને આપો ક્રીએટિવ ટ્વિસ્ટ
ઇન્સ્ટાગ્રામ રીલ્સથી લઈને ફૅશન-બ્લૉગ્સ સુધી અત્યારે એક નાનકડી પણ પ્રભાવશાળી ઍક્સેસરી વાઇરલ થઈ રહી છે - ક્રોશે બટન ઍક્સેસરી. એ માત્ર એક ડેકોરેશન નથી, તમારી આર્ટિસ્ટિક પર્સનાલિટીનું રિફ્લેક્શન પણ છે...
ફૅશનવર્લ્ડમાં એસ્થેટિક્સનો ક્રેઝ છે. કંઈક એવું જે આંખોને ગમે અને દેખાવમાં ક્લાસી હોય. તમે પણ તમારા કબાટમાં રહેલાં બેઝિક સફેદ કે પેસ્ટલ કલરનાં શર્ટ્સ જોઈને કંટાળ્યા હો તો ક્રોશે બટન ઍક્સેસરી તમારા માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. એ સિમ્પલ લુકને પણ એક હાઈ-એન્ડ ડિઝાઇનર આઉટફિટ જેવી ફીલિંગ આપે છે. ફૅશન હંમેશાં લાઉડ હોવી જરૂરી નથી. ક્યારેક એ ક્રોશે જેટલી સૉફ્ટ અને આર્ટિસ્ટિક પણ હોઈ શકે. ક્રોશે એટલે કે ગૂંથણકામ, એ વર્ષો જૂની કળા છે જે અગાઉ માત્ર સ્વેટર કે શાલ પૂરતી મર્યાદિત હતી, પરંતુ આજે આ આર્ટ-ફૉર્મ કન્ટેમ્પરરી ફૅશનમાં જોરદાર કમબૅક કરી રહ્યું છે. તમે જ્યારે તમારા રેગ્યુલર કૉટન કે લિનન શર્ટનાં બટન પર હાથથી ગૂંથેલાં રંગબેરંગી ફ્લાવર્સ કે પૅટર્ન લગાવો છો ત્યારે એ શર્ટની આખી પર્સનાલિટી બદલાઈ જાય છે. એ તમારા આઉટફિટમાં એક સૉફ્ટનેસ અને આર્ટિસ્ટિક વાઇબ ઉમેરે છે. ઉનાળામાં રેશમી કે ઊનને બદલે કૉટનના દોરાથી બનેલી ઍક્સેસરીઝ વધુ પસંદ કરવામાં આવે છે કારણ કે એ હળવી અને ક્લાસી લાગે છે. વચ્ચે નાનાં મોતી કે સિક્કા ટાંકવાનો ટ્રેન્ડ પણ વધી રહ્યો છે જે એને થોડો લક્ઝરી લુક આપે છે. સૉફ્ટ લુક માટે પેસ્ટલ કલર્સ જેમ કે લૅવન્ડર, મિન્ટ ગ્રીન, બેબી પિન્ક અને બોલ્ડ લુક માટે કાળા, ઇલેક્ટ્રિક બ્લુ કે નિયોન કલર્સના દોરા ટ્રેન્ડમાં છે.
સ્ટાઇલ-સેન્સમાં શું રોલ પ્લે કરે?
આ ઍક્સેસરીની સૌથી મોટી ખાસિયત એ છે કે એ રિમૂવેબલ હોય છે. તમે એક જ ક્રોશે પૅચને અલગ-અલગ શર્ટ કે કુરતા પર વાપરી શકો છો. આ તમારી સ્માર્ટ શૉપર અને ક્રીએટિવ ડ્રેસર તરીકેની ઇમેજ ઊભી કરે છે. તમે પર્યાવરણને અનુકૂળ અને હૅન્ડમેડ વસ્તુઓને મહત્ત્વ આપો છો. એ ‘સ્લો ફૅશન’ને પ્રોત્સાહન આપે છે જે આજના સમયમાં ખૂબ જ કૂલ ગણાય છે. જો તમે સફેદ કે ન્યુડ કલરનાં કપડાં પહેરવાના શોખીન હો તો વાઇબ્રન્ટ કલરની ક્રોશે બટન ઍક્સેસરી તમારા લુકમાં એક કલર પૉપ ઉમેરે છે જે જોનારની આંખોને તરત જ આકર્ષે છે. પ્લેન ફૅબ્રિક પર ઊન કે દોરાનું ગૂંથણ એક અલગ ટેક્સ્ચર ઊભું કરે છે. લેયરિંગની માઇક્રો-ઇફેક્ટિવ રીત છે.
ટ્રેન્ડિંગ ડિઝાઇન્સ અને પૅટર્ન
અત્યારે ફ્લાવર બ્લૂમ્સની પૅટર્ન બહુ ટ્રેન્ડમાં છે. એમાં નાનાં ગુલાબ, સનફ્લાવર કે ડેઝી જેવાં ફૂલો ગૂંથવામાં આવે છે. સફેદ શર્ટ પર લાલ કે પીળા રંગનાં ક્રોશે ફૂલો અત્યારે ખૂબ જ ટ્રેન્ડમાં છે. એ આઉટફિટને એકદમ ફ્રેશ લુક આપે છે.
મિનિએચર ફ્રૂટ્સની પૅટર્ન બહુ પસંદ કરવામાં આવી રહી છે. ખાસ કરીને ક્યુટ અને ફન્કી લુક માટે લોકો નાનાં સ્ટ્રોબેરી, ચેરી, લીંબુ કે તરબૂચની સ્લાઇસ જેવી ડિઝાઇન્સ પસંદ કરી રહ્યા છે. આ પ્રકારની ઍક્સેસરી વેકેશનવેઅર કે કૅઝ્યુઅલ ડે-આઉટ માટે બેસ્ટ છે.
મલ્ટિ-લેયર્ડ 3D ઇફેક્ટ પૅટર્નવાળી બટન ઍક્સેસરી બહુ ડિમાન્ડમાં છે. એમાં પાંખડીઓ બહારની તરફ ઊપસેલી હોય છે જે શર્ટને રિચ ટેક્સ્ચર આપે છે.