ચોમાસામાં ક્રૉપ્ડ ટ્રાઉઝર્સ આપશે પૅન્ટ ભીનાં થવાની ઝંઝટમાંથી છુટકારો

17 July, 2026 01:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મેન્સ ફૅશનમાં અત્યારે ઘણી વર્સેટિલિટી આવી ગઈ છે ત્યારે મૉન્સૂન ફૅશનમાં કમ્ફર્ટેબલ અને સ્ટાઇલિશ લુક આપતાં ક્રૉપ્ડ ટ્રાઉઝર્સ બહુ ચર્ચામાં છે. આવાં ટ્રાઉઝર્સ કેવી રીતે ડેઇલી વેઅરમાં અપનાવી શકાય એની આ રહી સ્ટાઇલ-ગાઇડ

પ્રતીકાત્મક તસવીર

મેન્સ ફૅશનમાં અત્યારે ઘણી વર્સેટિલિટી આવી ગઈ છે ત્યારે મૉન્સૂન ફૅશનમાં કમ્ફર્ટેબલ અને સ્ટાઇલિશ લુક આપતાં ક્રૉપ્ડ ટ્રાઉઝર્સ બહુ ચર્ચામાં છે. આવાં ટ્રાઉઝર્સ કેવી રીતે ડેઇલી વેઅરમાં અપનાવી શકાય એની આ રહી સ્ટાઇલ-ગાઇડ

વરસાદની ઋતુમાં કપડાં ભીનાં થાય છે ત્યારે બહુ ઇરિટેશન થવા લાગે છે. આવા સમયે લોકો એવાં કપડાં શોધતા હોય છે જે લુકમાં સ્ટાઇલિશ હોવાની સાથે પહેરવામાં પણ કમ્ફર્ટેબલ અને પ્રૅક્ટિકલ હોય. ખાસ કરીને પુરુષો માટે પૅન્ટની લંબાઈ માથાનો દુખાવો બની જાય છે. ફુલ લેન્ગ્થ કે લાંબાં ટ્રાઉઝર્સ પહેરીને બહાર નીકળતાં જ એનો નીચેનો ભાગ ભીનો અને ખરાબ થઈ જાય છે. આ પ્રૉબ્લેમના સ્માર્ટ સૉલ્યુશન તરીકે આજકાલ ક્રૉપ્ડ ટ્રાઉઝર્સ સ્ટાઇલિશ વિકલ્પ તરીકે પૉપ્યુલર થયાં છે. 
ક્રૉપ્ડ ટ્રાઉઝર્સની લંબાઈ સામાન્ય પૅન્ટ કરતાં થોડી ઓછી એટલે કે ઍન્કલ સુધીની હોય છે. તમે જ્યારે વરસાદમાં રસ્તા પરથી પસાર થાઓ ત્યારે પૅન્ટ નીચેથી ગંદું થવાનો કે પલળવાનો ભય રહેતો નથી. આજની કન્ટેમ્પરરી મેન્સ ફૅશનમાં આ લુક કૅઝ્યુઅલ જ નહીં, સેમી-ફૉર્મલ તરીકે પણ લોકપ્રિય થઈ રહ્યો છે.

કેવી રીતે કરશો સ્ટાઇલ?

આ સીઝન માટે લિનન, પૉલિએસ્ટર બ્લેન્ડ અથવા લાઇટ-વેઇટ કૉટનમાંથી બનેલાં ક્રૉપ્ડ ટ્રાઉઝર્સ બેસ્ટ ઑપ્શન છે. આ ફૅબ્રિક્સ હવામાં રહેલા ભેજને કારણે ચીકણું થતું નથી, શરીરને આખો દિવસ કમ્ફર્ટ આપે છે અને જો વરસાદમાં ભીનું થઈ જાય તો પણ ખૂબ જ ઝડપથી સુકાઈ જાય છે. હેવી ડેનિમ કે જાડા કાપડનાં પૅન્ટ ચોમાસામાં ટાળવાં જોઈએ. ક્રૉપ્ડ ટ્રાઉઝર્સનો અસલી લુક તમારા ફુટવેઅરથી જ ખીલે છે, કારણ કે આ પૅન્ટમાં તમારી ઍન્કલ અને શૂઝ હાઇલાઇટ થાય છે. ચોમાસામાં આ ટ્રાઉઝર્સ સાથે વૉટરપ્રૂફ મટીરિયલમાંથી બનેલા ક્લાસી લોફર્સ, પ્રીમિયમ રબર સૅન્ડલ્સ અથવા સ્ટાઇલિશ વૉટરપ્રૂફ સ્નીકર્સ બેસ્ટ લુક આપે છે. એક ખાસ વાત યાદ રાખવી કે આ પૅન્ટ સાથે હંમેશાં નો-શો સૉક્સ જ પહેરવાં, જેથી ઍન્કલ એરિયા ક્લીન દેખાય. આ ટ્રાઉઝર્સ એટલાં વર્સેટાઇલ છે કે એને અલગ-અલગ અંદાજમાં પેર કરી શકાય છે. એકદમ કૂલ અને રિલૅક્સ્ડ લુક માટે તમે એને સૉલિડ કલરના રાઉન્ડ-નેક કે પોલો ટી-શર્ટ સાથે પહેરી શકો છો. જો તમારે થોડો ક્લાસી લુક જોઇતો હોય તો લાઇટ કલરના ફિટેડ કૅઝ્યુઅલ શર્ટને ટ્રાઉઝર્સમાં ઇન કરીને સાથે એક સરસ બેલ્ટ લગાવી શકો છો. ફિટિંગ હંમેશાં સ્લિમ અથવા રેગ્યુલર રાખવું. અતિશય લૂઝ કે બૅગી શર્ટ આ પૅન્ટ સાથે સારાં નથી લાગતાં. વાદળછાયા વાતાવરણમાં ડાર્ક અને અર્થિંગ કલર્સ જેમ કે નેવી બ્લુ, ઑલિવ ગ્રીન, ચારકોલ ગ્રે, ડાર્ક બેજ કે ખાખી કલરનાં ક્રૉપ્ડ ટ્રાઉઝર્સ પસંદ કરવા જોઈએ. આ કલર્સ પર કાદવ કે પાણીના ડાઘ જલદી દેખાતા નથી. એની સાથે ઉપર લાઇટ અથવા બ્રાઇટ કલરનાં શર્ટ-ટી-શર્ટ મૅચ કરીને તમે એક આકર્ષક કૉન્ટ્રાસ્ટ લુક ક્રીએટ કરી શકો છો. 

ક્યાં પહેરવાં?

તમારે કૅઝ્યુઅલ આઇટિંગ્સ હોય જેમ કે મિત્રો સાથે મળવાનું હોય, વીક-એન્ડ ગેટ-ટુગેધર હોય કે મૂવી ડેટ હોય - આવાં ટ્રાઉઝર્સ કૂલ અને રિલૅક્સ્ડ લુક આપે છે. મૉન્સૂનની સીઝનમાં રોડ-ટ્રિપ દરમ્યાન પણ આવાં ટ્રાઉઝર્સ પહેરી શકો છો. જો તમારી ઑફિસમાં સ્માર્ટ કૅઝ્યુઅલ અલાઉડ હોય અથવા તમે IT, મીડિયા કે ઍડ્વર્ટાઇઝિંગ જેવા ક્રીએટિવ ફીલ્ડમાં છો તો શર્ટ અને લોફર્સ સાથે એને આરામથી સેમી-ફૉર્મલ લુક આપીને પહેરી શકાય એમ છે. ડેટ કે ડિનર પર જવાનું હોય ત્યારે લાઇટ બ્રેઝર અથવા સરસ ફિટેડ શર્ટ સાથે સ્ટાઇલ કરવાથી સૉફેસ્ટિકેટેડ મૉડર્ન લુક અપનાવી શકાય.

ક્યાં ન પહેરાય?

કંપનીની હાઈ-પ્રોફાઇલ મીટિંગ કે બહુ ટ્રેડિશનલ કૉર્પોરેટ વાતાવરણમાં ક્રૉપ્ડ ટ્રાઉઝર્સ અનપ્રોફેશનલ લાગી શકે છે. આ ઉપરાંત ધાર્મિક સ્થળો કે પૂજાવિધિ દરમ્યાન આવાં 
પૅન્ટ્સ યોગ્ય લાગતાં નથી. રિસેપ્શન અથવા ફૉર્મલ વેડિંગ ફંક્શન જ્યાં ટક્સિડો કે પ્રૉપર થ્રી-પીસ સૂટ પહેરવાનો હોય ત્યાં આ લંબાઈવાળાં પૅન્ટ આઉટ ઑફ પ્લેસ લાગશે.
ઇન્ટરવ્યુ કે જ્યાં સુધી કંપની મૉડર્ન અને સેમી-ફૉર્મલ લુક સ્વીકારતી ન હોય ત્યાં સુધી ફર્સ્ટ ઇમ્પ્રેશન માટે ફુલ લેન્ગ્થ ટ્રાઉઝર્સ જ પસંદ કરવાં. 

lifestyle news life and style fashion news fashion tips