હવે કમર પર દેખાશે ચંકી બેલ્ટનો જાદુ

20 February, 2026 04:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તમારા આઉટફિટમાં કંઈક ખૂટતું હોય એ‍વું લાગે છે? તો જવાબ છે સ્ટેટમેન્ટ બેલ્ટ. જૂની ફૅશન નવા અંદાજમાં પાછી આવી છે અને આ વખતે એ કમર પર જાદુ ચલાવવા તૈયાર છે

પ્રતિકાત્મક તસવીર

ફૅશન વિશે એક વાત હંમેશાં કહેવાય છે કે અહીં કંઈ જ કાયમી નથી હોતું, સિવાય કે ફૅશનનું ફરીથી આવવું. ૯૦ના દાયકાની એ બોલ્ડ અને બિન્દાસ ફૅશન, જેમાં મોટા બકલ્સ અને પહોળા બેલ્ટનો દબદબો હતો એ ફરી એક વાર ચમકી રહ્યો છે. જો તમે હજી પણ પાતળા અને સાદા બેલ્ટ પહેરી રહ્યા હો તો હવે સમય છે થોડા ચંકી અને મૅક્સિમલિસ્ટ બનવાનો.

થોડા સમય પહેલાં ટેલિવિઝન સ્ટાર અને ફૅશન દિવા ક્રિસ્ટલ ડિસોઝાએ તેના દુબઈ વેકેશનના ફોટા સોશ્યલ મીડિયા પર શૅર કર્યા હતા જેમાં તેની સ્ટાઇલે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. ક્રિસ્ટલે સિમ્પલ આઉટફિટ સાથે જે રીતે વાઇડ વેસ્ટ બેલ્ટ પહેર્યો હતો એનાથી સાબિત થાય છે કે એક સારો બેલ્ટ તામારા આખા લુકને ઝીરોથી હીરો બનાવી શકે છે. માત્ર ક્રિસ્ટલ જ નહીં પણ હવે ઘણા લોકો જીન્સ હોય કે વન-પીસ ડ્રેસ, એના પર મોટા અને અનોખા બકલવાળા બેલ્ટ પહેરવાનું પસંદ કરી રહી છે.

આજના સમયમાં દરેક વ્યક્તિ સુડોળ કમર દેખાડવા માગે છે. ચંકી બેલ્ટ માત્ર સ્ટાઇલ જ નથી આપતા પણ એ તમારી કમરને હાઇલાઇટ કરીને આખા શરીરને એક સરસ શેપ આપે છે. ૯૦ના દાયકાની એ મેમરીઝ જેમાં ચેઇન બેલ્ટ, મોટા મેટાલિક બકલ્સ, લેધરના પહોળા પટ્ટાઓ હતા એ હવે મૉડર્ન ટચ સાથે પાછા આવ્યા છે.  

સ્ટાઇલિંગ ટિપ્સ

જો તમે પણ ક્રિસ્ટલ જેવો બોલ્ડ લુક ઇચ્છતા હો તો ફૅશન એક્સપર્ટ્સની આ વાતો ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે.

બૅલૅન્સિંગ - જો તમારો બેલ્ટ ઘણો મોટો અને હેવી હોય તો તમારાં કપડાં એકદમ સાદાં અને પ્રિન્ટ વગરનાં રાખવાં. આનાથી બેલ્ટ ઊઠીને આવશે.

ડેનિમને આપો બોલ્ડ અંદાજ - લેધરનો પહોળો બેલ્ટ અને ડેનિમનું કૉમ્બિનેશન તમને એક મૉડર્ન કાઉબૉય લુક આપે છે જે કૅઝ્યુઅલ હોવા છતાં અલગ દેખાય છે.

ડ્રેસ પર સ્ટેટમેન્ટ બેલ્ટ - લૂઝ અથવા ફ્લોઇ ડ્રેસ પર પહોળો બેલ્ટ પહેરવાથી કમર હાઇલાઇટ થાય છે અને આખો લુક વધુ સ્ટ્રક્ચર્ડ લાગે છે.

બૉડી-ટાઇપ મુજબ પસંદગી - જેમની હાઇટ ઓછી છે તેમણે બહુ પહોળા બેલ્ટ ટાળવા જોઈએ, કારણ કે એ તમારા શરીરના બાંધાને નાનો બતાવી શકે છે.

મોકા પ્રમાણે સ્ટાઇલ - ડે આઉટ માટે લેધર અથવા સિમ્પલ બકલવાળો બેલ્ટ પસંદ કરો, જ્યારે નાઇટ પાર્ટી માટે ચેઇન અથવા મેટાલિક સ્ટાઇલ વધુ યોગ્ય રહેશે.

મિક્સ ઍન્ડ મૅચ - પાર્ટી માટે મેટાલિક ચેઇન બેલ્ટ બેસ્ટ છે, જ્યારે ઑફિસમાં બ્લેઝરની ઉપર પાતળો પણ સ્ટેટમેન્ટ બકલવાળો બેલ્ટ પહેરી શકાય છે.

રંગોની પસંદગી - બ્લૅક, બ્રાઉન અને ટૅન જેવા ક્લાસિક શેડ્સ સેફ ઑપ્શન છે, જ્યારે રેડ, મેટાલિક, ગોલ્ડ કે સિલ્વર જેવા બોલ્ડ કલર્સ તમારા લુકને તરત સ્ટેટમેન્ટ બનાવી શકે છે.

fashion news fashion columnists lifestyle news life and style