23 February, 2026 03:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
અત્યારે વધી રહેલા પૉલ્યુશન અને લાઇફસ્ટાઇલમાં વધતા સ્ટ્રેસની સાથે કેમિકલયુક્ત પ્રોડક્ટ્સના વધુપડતા વપરાશને કારણે સ્કિનનું રક્ષણાત્મક કવચ એટલે કે સ્કિન બૅરિયર દૂર થઈ જાય છે. જ્યારે ચહેરો નિસ્તેજ લાગે અથવા બળતરા થાય ત્યારે આપણે ઘણી વાર એક્સફોલિએશન એટલે કે સ્ક્રબિંગ કરીને ડેડ સ્કિન સેલ્સને હટાવવાનો પ્રયાસ કરીએ છીએ, પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે ડૅમેજ થયેલી ત્વચા માટે વધુપડતું સ્ક્રબિંગ ફાયદાને બદલે નુકસાન કરી શકે છે. આવી સ્થિતિમાં ત્વચાને રિપેર કરવા માટે મૉઇશ્ચરાઇઝિંગ સૌથી પાવરફુલ હથિયાર છે.
આપણી ત્વચાનું ઉપરનું લેયર ત્વચાની ઢાલ જેવું કામ કરે છે જે ભેજને અંદર રાખે છે અને બૅક્ટેરિયાને અંદર પ્રવેશવા દેતું નથી. કોઈ પણ પ્રોડક્ટ લગાવતાંની સાથે બળતરા થવી અથવા લાલાશ આવવી, ત્વચા એક્સ્ટ્રા સેન્સિટિવ બની જવી, ઝીણી કરચલીઓ અને ખંજવાળ આવવી આ લક્ષણો દેખાય તો સમજી જવું કે તમારી સ્કિનનું રક્ષણાત્મક કવચ ડૅમેજ થયું છે.
ઘણા લોકો માને છે કે સ્ક્રબ કરવાથી ત્વચા ચમકશે, પણ જો તમારી સ્કિન પહેલેથી જ ડૅમેજ્ડ હોય તો સ્ક્રબિંગ એને વધુ છોલી નાખે છે. તેથી મૉઇશ્ચરાઇઝિંગ જરૂરી છે. એ ત્વચામાં પાણીનું સ્તર જાળવી રાખે છે જે સેલ્સને રિપેર થવામાં મદદ કરે છે. મૉઇશ્ચરાઇઝર લગાવવાથી એ ત્વચા પર એક રક્ષણાત્મક પડ બનાવે છે, જેથી બહારની ગંદકી અંદર ન જાય અને અંદરનો ભેજ ઊડી ન જાય. હાયોલ્યુરોનિક ઍસિડ અને સેરામાઇડ્સયુક્ત મૉઇશ્ચરાઇઝર ત્વચાના તૂટેલા કોષોને ફરી રિપેર કરવાનું કામ કરે છે.
જો તમારી ત્વચા ડૅમેજ થઈ હોય તો આ રૂટીન ફૉલો કરો. પહેલાં જેન્ટલ અને માઇલ્ડ ફેસવૉશથી મોઢું ધુઓ. જો સાબુ વાપરશો તો ત્વચાનું મૉઇશ્ચર છીનવાઈ જશે. પછી ભીની ત્વચા પર જ મૉઇશ્ચરાઇઝર લગાવો. એનાથી ભેજ ત્વચામાં લૉક થઈ જશે. ઘરની બહાર નીકળો એટલે SPF 30+ અચૂક લગાવો. સૂર્યનાં કિરણો ડૅમેજ્ડ ત્વચાને વધુ ખરાબ કરે છે. થોડા દિવસો માટે સ્ક્રબ કરવાનું બંધ કરો જેથી ત્વચા હીલ થઈ શકે.