10 October, 2025 12:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડેનિમ જૉર્ટ્સ
ફૅશન સાઇકલ હંમેશાં ગોળ ફરતી રહે છે ત્યારે ટ્રેડિશનલ શૉર્ટ્સ કરતાં સહેજ લાંબી અને રિલૅક્સ ફિટ ધરાવતી જૉર્ટ્સ અત્યારે ફરી એક વાર સ્ટ્રીટ-સ્ટાઇલમાં છવાઈ ગઈ છે. આઉટડેટેડ ગણાતા આ પીસને સેલિબ્રિટીઝ અને ફૅશન-ઇન્ફ્લુઅન્સર્સ જે રીતે સ્ટાઇલ કરી રહ્યાં છે એનાથી સાબિત થાય છે કે આ માત્ર એક ફૅશનનું ચલણ નથી પરંતુ આરામ અને સ્ટાઇલનો પર્ફેક્ટ સંગમ છે. આ ટ્રેન્ડી પીસને તમે કેવા પ્રસંગોએ અને કેવી રીતે પહેરીને ફૅશન ગેમમાં ‘શૉર્ટ’કટ લઈ શકો છો એની સ્ટાઇલિંગ ટિપ્સ જાણી લો.
ક્યાં પહેરી શકાય?
ડેનિમ જૉર્ટ્સ મુખ્યત્વે કૅઝ્યુઅલ ફૅશનનો ભાગ છે તેથી મિત્રો સાથે ફરવા જવું હોય, મૂવી જોવા જવું હોય ત્યારે તથા બીચ વેકેશન્સ, પાર્કમાં પિકનિક અથવા કોઈ અનૌપચારિક પ્રવૃત્તિઓ માટે પહેરી શકાય. મ્યુઝિક ફેસ્ટિવલમાં કમ્ફર્ટેબલ અને સ્ટાઇલિશ લુક અપનાવવા માટે ઘણા લોકો આવાં આઉટફિટ્સ પહેરવાનું પસંદ કરતા હોય છે. ડેનિમ જૉર્ટ્સ કોઈ પણ ફૉર્મલ, સેમી-ફૉર્મલ અથવા ઑફિશ્યલ પ્રસંગો જેમ કે બિઝનેસ મીટિંગ, ફૉર્મલ ડિનર, લગ્ન કે પૂજાપાઠ જેવા ધાર્મિક પ્રસંગોમાં પહેરવી યોગ્ય નથી.
સ્ટાઇલિંગ ટિપ્સ
ક્રૉપ ટૉપ્સ અને ટૅન્ક ટૉપ્સ સાથે ડેનિમ જૉર્ટ્સને પેર કરી શકાય. હાઈ-વેસ્ટ લૂઝ ફિટ જૉર્ટ્સ સાથે પોલો શર્ટ્સ અને લૂઝ ફિટ હૂડી પણ સારા લાગે છે. તમારા લુકને બૅલૅન્સ કરીને કૅઝ્યુઅલ ફૅશનના ગોલ્સ સેટ કરી શકો છો.
બૉડી-ફિટ ઇનર સાથે ઓવરસાઇઝ્ડ શર્ટ પણ જૉર્ટ્સ સાથે પહેરશો તો વ્યવસ્થિત લુક મળશે. શક્ય હોય ત્યાં સુધી જૉર્ટ્સ હાઈ વેસ્ટ જ પહેરવી. એ તમારી બૉડીને સારી રીતે ડિફાઇન કરી શકશે.
કૅઝ્યુઅલ લુકને એલિવેટેડ બનાવવો હોય તો ડેનિમ જૉર્ટ્સ સાથે ફૉર્મલ બ્લેઝર પેર કરશો તો હાઈ-લો ફૅશન લુક મળશે. આ ઉપરાંત ડેનિમ-ઑન-ડેનિમ લુક પણ અપનાવી શકાય. એમાં ડેનિમ જૉર્ટ્સના શેડનું અથવા જુદા શેડનું ડેનિમ જૅકેટ પહેરી શકાય.
ફુટવેઅરની વાત કરીએ તો વાઇટ સ્નીકર્સ, લોફર્સ, સ્ટ્રૅપી હીલ્સ અથવા બ્લૉક હીલ્સ સાથે પેર કરીને ડ્રેસ-અપ કરી શકાય છે.
ઍક્સેસરીઝમાં તમે સ્ટેટમેન્ટ બેલ્ટ્સ પહેરી શકો. સાથે મેટલની વૉચ, સનગ્લાસિસ, બ્રેસલેટ, હૅટ જેવી ઍક્સેસરીઝ તમારા કૅઝ્યુઅલ લુકને વધુ સ્માર્ટ બનાવશે.