મૉન્સૂનમાં ફેવરિટ છે ડેનિમ સાથે ડેનિમ

08 July, 2022 12:40 PM IST  |  Mumbai | Aparna Shirish

બૉલીવુડની યંગ ઍક્ટ્રેસિસનો ફેવરિટ બનેલો આ ટ્રેન્ડ જો તમારે અપનાવવો હોય તો સ્ટાઇલિંગમાં શું ધ્યાન રાખવું એ જાણી લો

ડેનિમ સાથે ડેનિમ

એક જેવા બ્લુ રંગો કે પ્રિન્ટ્સ ટૉપ અને બૉટમ બન્નેમાં પહેરવી એ એક સમયે ફૅશનમાં થતી મોટી ભૂલોમાંની એક ગણવામાં આવતી હતી. જોકે આજે આ જ કન્સેપ્ટ કો-ઑર્ડ સેટ તરીકે હૉટ ટ્રેન્ડ બની ગયો છે. એવું જ કંઈ ડેનિમ સાથે ડેનિમ પહેરવા બાબતે છે. મૉન્સૂનમાં મમ્મીઓ ભલે જીન્સ પહેરવાની ના પાડતી હોય પણ જીન્સ પહેરવાની સૌથી વધુ મજા આ સીઝનમાં જ આવે છે ખરુંને! હાલમાં કિયારા અડવાણી હોય કે પછી જાહ્નવી કપૂર, બધા જ આ ડેનિમ ઑન ડેનિમનો ટ્રેન્ડ અપનાવી રહી છે. તો કઈ રીતે આ ટ્રેન્ડને રોજિંદા લુકમાં સ્ટાઇલ કરી શકાય એ જાણી લો.

જુદાં-જુદાં ફૅબ્રિક્સ ટ્રાય કરો | એક જ સરખું ફૅબ્રિક ટૉપ અને બૉટમ બન્નેમાં પહેરવાને બદલે જુદા શેડ્સ અને પ્રિન્ટ્સ સાથે એક્સપરિમેન્ટ કરી શકાય. કાળા ડેનિમ પૅન્ટ સાથે વૉશ્ડ ડેનિમનું જૅકેટ કે ટૉપ પહેરી શકાય. જોકે ટૉપ અને બૉટમ બન્નેમાં એક જ સરખું ડેનિમ ફૅબ્રિક પણ કો-ઑર્ડ આઉટફિટ જેવો લુક આપશે જે હાલ ટ્રેન્ડમાં છે. વૉશ્ડ આઉટ જીન્સ સાથે ડાર્ક જૅકેટ પણ સ્ટાઇલિશ લાગશે.

ઍક્સેસરીઝ મસ્ટ છે | ડેનિમ ઑન ડેનિમ ભલે સ્ટાઇલિશ લાગે અને ઓવરઑલ આ લુક પ્લેન અને સિમ્પલ લાગે છે. કલરની મૉનોટોની તોડવા માટે અહીં જરૂર હોય છે એક પૉપ કલર ઍક્સેસરીની. નિયૉન કલર્સની ચેઇન કે બ્રેસલેટ કે પછી શૂઝ પણ આ ઓવરઑલ ડેનિમવાળા લુક સાથે સારાં લાગશે. પણ ઍક્સેસરીઝની સાઇઝ અને લુક મિનિમલ હોવો 
જોઈએ. ઍક્સેસરીઝ કપડાંને ઓવરપાવર કરતી ન હોવી જોઈએ. આ લુક સાથે હિલ્સ કરતાં સ્નીકર્સ વધુ સારાં લાગશે.

કમ્ફર્ટ પહેલાં | જીન્સ પહેરાય જ છે કમ્ફર્ટ માટે. નિયમિતપણે જીન્સ પહેરતી યુવતીઓને ટ્રાઉઝર્સ કે કૉટન પૅન્ટ્સમાં એ આરામ નથી મળતો જે જીન્સ પહેરવાથી મળે છે. જ્યારે તમે ડેનિમ પર ડેનિમ પહેરતા હો ત્યારે પૅન્ટ બૉડી-ફિટિંગ હોય તો ટૉપ બૉડી-ટાઇટ પહેરવાનું ટાળવું. શર્ટ કે જૅકેટ થોડું ખૂલતું અને આરામદાયક પસંદ કરવું.

એક્સપરિમેન્ટ કરો

ઑલ ડેનિમનો અર્થ ફક્ત ડેનિમ જીન્સ અને જૅકેટ કે શર્ટ જ નથી. અર્થાત્ કે ડેનિમ ફક્ત જીન્સ સુધી મર્યાદિત નથી. ડેનિમનાં વનપીસ ડ્રેસિસ, ટ્યુનિક ટૉપ્સ તેમ જ શર્ટ ડ્રેસિસ પણ સારા લાગે છે. ડેનિમ સ્ટાઇલિશ અને કૅઝ્યુઅલ લુક આપે છે જે કૉલેજ ફૅશન તરીકે પર્ફેક્ટ છે. ડેનિમ ડ્રેસિસ માટે જાડું કાપડ પસંદ ન કરતાં કૉટન ડેનિમ કે સૉફ્ટ ડેનિમ પસંદ કરી શકાય. આ સિવાય ડેનિમમાં સ્કર્ટ અને જમ્પ સૂટનો પણ ઑપ્શન છે જે અપનાવી શકાય. 

columnists life and style fashion news