12 September, 2025 12:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આપણે ત્યાંનું હવામાન પરસેવા માટે પર્ફેક્ટ છે અને પરસેવા સાથે દુર્ગંધનું આવવું પણ ઘણા લોકો માટે સ્વાભાવિક છે. ડીઓડરન્ટનો ઉપયોગ હવે ઑલ સીઝન થવા માંડ્યો છે ત્યારે એ જાણવું જરૂરી છે કે સાચા ડીઓનો ઉપયોગ અન્ડરઆર્મ્સની ત્વચાને ઉપયોગી પણ નીવડી શકે છે. જોકે આજે આ મસ્ટ હૅવ પ્રોડક્ટ સાથે સંકળાયેલી કેટલીક ગેરમાન્યતાઓનો છેદ ઉડાવીએ.
બધાં ડીઓડરન્ટ અન્ડરઆર્મ્સની ત્વચાને કાળી પાડે?
ઘણા લોકો દાવો કરે છે કે ડીઓડરન્ટનો ઉપયોગ કરવાથી તેમના અન્ડરઆર્મ્સની ત્વચા કાળી થઈ ગઈ છે; પરંતુ હકીકત એ છે કે કાળા અન્ડરઆર્મ્સ સામાન્ય રીતે શેવિંગ, ખંજવાળ અથવા સ્કિનને લગતી કન્ડિશનનું પરિણામ હોઈ શકે છે. કેટલાક કિસ્સાઓમાં કાળા અન્ડરઆર્મ્સ વારસાગત પણ હોઈ શકે છે. બીજી વાત એ કે ડાર્ક સ્કિનટોન ધરાવતા લોકોને અન્ડરઆર્મ વિસ્તારમાં ડીઓ વગર પણ ત્વચા પર કાળાશ થવાની સંભાવના વધુ હોય છે. સેન્સિટિવ હોવાથી અન્ડરઆર્મ ત્વચાની યોગ્ય કાળજી લેવા માટે ત્વચાને હાઇડ્રેટેડ રાખવાના ગુણધર્મો હોય તેમજ આલ્કોહોલ અને પૅરાબેન્સ જેવાં બળતરા કરનારાં તત્ત્વો ન હોય એવાં ડીઓડરન્ટ વાપરવાં બેસ્ટ રહેશે.
ડીઓડરન્ટથી કપડાં પર ડાઘ રહી જાય?
સફેદ શર્ટ પર પીળા ડાઘ અને ઘેરા રંગના કપડાના અન્ડરઆર્મના ભાગમાં થોડાક ધબ્બા અથવા ડાઘ સામાન્ય છે. જોકે એના માટે તમારું ડીઓડરન્ટ સંપૂર્ણપણે જવાબદાર નથી. રંગ બદલવાનું કારણ સામાન્ય રીતે પરસેવામાં રહેલાં ખનિજો છે. એમાં પણ ખાસ કરીને સોડિયમ. એ જ્યારે ડીઓડરન્ટના સંપર્કમાં આવે છે ત્યારે એ કપડા પર પીળાશ પડતા ડાઘ રહી જાય છે. આને ટાળવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે ડીઓડરન્ટનો વધુપડતો ઉપયોગ ન કરવો અને કપડાં પહેરતાં પહેલાં લગાડેલા ડીઓડરન્ટને થોડી મિનિટો માટે સુકાવા દેવું.
નવી શેવ કરેલી ત્વચા પર બળતરા પેદા થવાનું કારણ ડીઓડરન્ટ છે?
શેવિંગ અન્ડરઆર્મ્સના વાળ દૂર કરવાની સૌથી ઝડપી રીતોમાંનું એક છે. જોકે નવી શેવ કરેલી ત્વચા પર ડીઓડરન્ટ સ્પ્રે કરવાથી ક્યારેક બળતરા થઈ શકે છે. પરંતુ આનું કારણ એ છે કે તમારી અન્ડરઆર્મની ત્વચા નાજુક હોય છે અને શેવિંગ કરવાથી વાળની સાથે ઉપરનું રક્ષણાત્મક સ્તર પણ દૂર થઈ જાય છે જેના કારણે એ સંવેદનશીલ બની જાય છે. આનો ઇલાજ એ છે કે જો તમે શેવિંગ કરતાં પહેલાં શેવિંગ ફોમ અથવા જેલનો ઉપયોગ કરીને અને ત્યાર બાદ આલ્કોહોલમુક્ત ડીઓડરન્ટનો ઉપયોગ કરીને આ બળતરાથી સરળતાથી બચી શકો છો.
ડીઓડરન્ટનો ઉપયોગ ત્વચાને ચીકણી બનાવે છે?
ઘણી સ્ત્રીઓ ફરિયાદ કરે છે કે ડીઓડરન્ટ્સ અને એમાં પણ ખાસ કરીને રોલ-ઑન લગાવ્યા પછી તેમના અન્ડરઆર્મ્સ ચીકણા થવા લાગે છે. જોકે તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આ માટે ડીઓડરન્ટ નહીં પણ એનું પ્રમાણ જવાબદાર છે. જો તમે વધુપડતો ઉપયોગ કરશો તો થોડી મિનિટો સુકાવા દીધા પછી પણ તમારા અન્ડરઆર્મ્સ ચોક્કસપણે ચીકણા લાગશે.