રંગોની જાદુભરી જુગલબંધી નિખારશે તમારી દિવાળીને

30 October, 2024 05:33 PM IST  |  Mumbai | Heta Bhushan

દિવાળી રોશનીથી ઝગમગતો અને રંગોથી શોભતો ઉત્સવ છે. આમ તો દિવાળીના ડેકોરેશનમાં એવા રંગ વધુ વપરાય જેને આર્ટની દુનિયામાં વૉર્મ કલર્સ કહેવાય છે.

કલરફુલ થીમ ડેકોરેશન

દિવાળી રોશનીથી ઝગમગતો અને રંગોથી શોભતો ઉત્સવ છે. આમ તો દિવાળીના ડેકોરેશનમાં એવા રંગ વધુ વપરાય જેને આર્ટની દુનિયામાં વૉર્મ કલર્સ કહેવાય છે. આ વૉર્મ કલર્સ એટલે લાલ, લીલો, પીળો, કેસરી વગેરે. આજે જાણીએ ટ્રેડિશનલ ન હોય એવા જરા જુદા પ્રકારના રંગોનું કૉમ્બિનેશન કઈ રીતે વાપરી શકાય

રંગો બધા જ સુંદર અને મનમોહક હોય છે અને દિવાળીમાં રંગસભર ડેકોરેશન સુંદર લાગે છે, પણ બધા જ રંગ એકસાથે યુઝ કરવા હોય તો બહુ કલાત્મક રીતે કરવા જેથી રંગોના ઢગલા ન લાગે, પણ રંગ ખીલી ઊઠે.

દિવાળી ડેકોરેશનમાં ઘર સજાવવા માટે ખાસ તોરણ, સાઇડ લટકણ, વૉલ પીસ, વૉલ લટકણ, ટી લાઇટ હોલ્ડર, રંગોળી, શુભ-લાભ, સાથિયા અને લક્ષ્મીજીનાં પગલાં નવાં ખરીદીને કે હૅન્ડમેડ બનાવીને લગાવવામાં આવે છે એમાં એક સુંદર કલર-સ્કીમ ફૉલો કરવામાં આવે તો ડેકોરેશન ખીલી ઊઠે છે. સફેદ રંગ ડેકોરેશનમાં બીજા રંગની સાથે ભળે છે ત્યારે ચાર ચાંદ લગાવી દે છે.

લાલ અને સફેદ

આ બે રંગોનું કૉમ્બિનેશન બહુ સુંદર લાગે છે. લાલ ગુલાબનાં ફૂલો અને સફેદ ફૂલોની રંગોળી, ખોટાં ફૂલની રંગોળી, ટી લાઇટ હોલ્ડર, મોતીની બંગડી, મોતી અને ખોટાં ગુલાબનાં ફૂલોનું લટકણ ઑલ ટાઇમ હિટ છે.

પીળો અને સફેદ 

યલો અને વાઇટ

આ કૉમ્બિનેશન એકદમ સરસ અને એલિગન્ટ લાગે છે. પીળાં ગલગોટાનાં ફૂલ અને સફેદ રંગનાં ફૂલોની રંગોળી મન મોહી લે છે. ખોટાં ફૂલની રંગોળી, લટકણ, ટી લાઇટ હોલ્ડરમાં સફેદ અને પીળા રંગનું કૉમ્બિનેશન બહુ સરસ જામે છે. પીળા અને સફેદ રંગની થીમમાં થોડો લાલ, લીલા અને કેસરી રંગનો ઉપયોગ પણ ઉઠાવ આપે છે.

ગુલાબી અને સફેદ

પિન્ક અને વાઇટ

આ કૉમ્બિનેશનમાં ગુલાબી કમળની કળીઓ અને સફેદ ખોટાં ફૂલનાં લટકણ બહુ સરસ જામે છે. એકલાં ગુલાબી ફોમ રોઝ ફ્લાવર અને મોતીના કૉમ્બિનેશનથી બનેલી રંગોળી અને ટી લાઇટ હોલ્ડર સેટ બહુ ફૅન્સી મૉડર્ન લુક આપે છે. ટેબલ ટૉપ પર ગુલાબની પાંદડીઓ, ટ્રેડિશનલ બરણીઓમાં ગુલાબી કમળ અને સફેદ ફૂલો અલગ જ ઉઠાવ આપે છે.

ગોલ્ડ અને રાની પિન્ક

રાની પિન્ક રંગનાં કમળ અને ગોલ્ડ સ્ટૅન્ડ, ગોલ્ડન ફ્લાવરવાઝમાં રાણી પિન્ક ફૂલો, ગોલ્ડન ડિશમાં રાની રંગના ટી લાઇટ હોલ્ડર કે ગ્લાસ કે ફાનસમાં દીવા બહુ યુનિક લાગે છે.

સફેદ અને ગ્રીન

સફેદ અને ગ્રીન કૉમ્બિનેશન નૅચરલ ડેકોર સાથે ઊઠે છે. સફેદ પડદા પર લીલી વેલ અને લાઇટ્સ સરસ લાગે છે. સફેદ ફૂલ અને લીલા પાનની રંગોળી પણ શોભે છે. રંગોળીમાં લીલા મગ અને સફેદ સાબુદાણાની રંગોળી પણ મનમોહક લાગે છે.

લાલ, પીળો, કેસરી અને સફેદ

આ પાંચ રંગનો સુમેળ નૅચરલ ગલગોટાનાં ફૂલો લીલા પાનના ડેકોરેશનમાં ખીલે છે. ખોટાં ફૂલોમાં પણ આ કૉમ્બિનેશનનાં તોરણ અને લટકણ ગ્રીન કે કેસરી બૅકડ્રૉપ સાથે કે સફેદ કે ક્રીમ કે ચટાઈના બૅકડ્રૉપ કે વૉલ પર સરસ લાગે છે.આ ટ્રેડિશનલ રંગો સાથે દીવાની રોશની દિવાળીને રળિયામણી અને સુંદર બનાવે છે. 

કલરફુલ થીમ

બધા વૉર્મ રંગો શુભ રંગ સાથે

મેઘધનુષના સાત રંગોની જેમ જો કલાત્મક રીતે બધા રંગનો ઉપયોગ કરવામાં આવે તો સાત રંગોની સરગમ પણ જામે છે. રંગીન એલિમેન્ટ્સ સાથે સફેદ ક્રીમ રંગનું બૅકડ્રૉપ, દીવાલ કે ચાદર જેવું કૉમ્બિનેશનમાં યુઝ કરવાથી બૅલૅન્સ જળવાય છે અને બધા રંગ ખીલે છે. સાદી સફેદ દીવાલ પર જુદા-જુદા રંગનાં મેઘધનુષી લટકણ ખીલે છે.

diwali festival life and style mumbai fashion