પુરુષોના ટ્રેડિશનલ ડ્રેસિંગમાં ખાસ શું ચાલે છે આજકાલ?

21 October, 2025 05:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હેવી ફૅબ્રિક સાથે હેવી વર્કવાળા પરંપરાગત પોશાકનો જમાનો ગયો. હવે કમ્ફર્ટેબલ, મિનિમલિસ્ટ અને સૉફ્ટ લુક આપે એવી મિનિમલ એમ્બ્રૉઇડરીવાળાં ફ્યુઝનવેઅર મેન્સ ફૅશનમાં ઇનથિંગ ગણાય છે

પુરુષોના ટ્રેડિશનલવેઅર

દિવાળી ભલે એના અંતિમ ચરણમાં હોય, પરંતુ ટ્રેડિશનલ વસ્ત્રો પહેરવાની સીઝન તો હજી શરૂ જ થઈ છે. લગ્નસરા માટે પુરુષોના ટ્રેડિશનલવેઅરમાં આજકાલ શું ચાલી રહ્યું છે એ જાણવું જરૂરી છે, કારણ કે દર વર્ષે એમાં એક નવો ટ્વિસ્ટ આવે છે. આ વર્ષે જૂની પરંપરાઓ અને આધુનિક લુક્સનો એક સુંદર ફ્યુઝન ટ્રેન્ડમાં છે. ક્લાસી અને યુનિક લુક દેખાય એ માટે આ સીઝનમાં કેવા ટ્રેન્ડ્સ ચાલી રહ્યા છે એ જાણી લો.

લેટેસ્ટ ટ્રેન્ડ અને પૅટર્ન્સ

ટાઇટ કે ચોંટેલાં કપડાંને બદલે હવે લૂઝ અને રિલૅક્સ ફિટિંગ ટ્રેન્ડમાં છે. આ ફિટિંગ આખો દિવસ આરામદાયક રહે છે અને એક અલગ જ રૉયલ લુક આપે છે. સાદા સ્ટ્રેટ કુરતાને બદલે હવે એસિમેટ્રિક કોઈ પણ આઉટફિટ કે ડિઝાઇનના બે ભાગ સમાંતર ન હોય એવા કુરતા બહુ લોકપ્રિય છે, જે પહેરનારને ડાયનૅમિક અને ફૅશનેબલ લુક આપે છે. આ ઉપરાંત અંગરખા પૅટર્નના કુરતા પણ ટ્રેડિશનલ હોવા છતાં મૉડર્ન અને ફ્યુઝન લુક માટે પસંદ કરવામાં આવી રહ્યા છે. હેવી જરી કે સીક્વન વર્કને બદલે ડીટેલિંગ પર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે. વર્ક અને એની પૅટર્ન્સની વાત કરીએ તો પુરુષોની ફૅશનમાં મિનિમલિસ્ટ એમ્બ્રૉઇડરીને વધુ પસંદ કરવામાં આવી રહી છે. આઉટફિટ પર માત્ર ગળાના ભાગે, કૉલર પર કે સ્લીવ્ઝ પર ટોન-ઑન-ટોન એટલે એક જ રંગના દોરાથી ચિકનકારી અથવા થ્રેડવર્ક કરેલું હોય એવું વર્ક બહુ ટ્રેન્ડમાં છે. આ ઉપરાંત ભારતીય પરંપરાગત હસ્તકળાને ફરીથી જીવંત કરવાના પ્રયાસાર્થે લોકો ખાદી સિલ્ક અને કાથા સ્ટિચ જેવી પરંપરાગત કારીગરીવાળા ફૅબ્રિક અ‌ને અજરખ પ્રિન્ટ્સ જેવી પ્રિન્ટિંગ પૅટર્ન્સ અને વર્કની માગ વધી રહી છે.

કલરની પસંદગી બદલાઈ

લાલ, મરૂન કે ગોલ્ડ જેવા કલર્સ જ ફેસ્ટિવ વાઇબ આપશે એવું માનવામાં આવતું હતું. જોકે હવે કલરની પસંદગીમાં ઘણા ફેરફાર થયા છે. ફેસ્ટિવ સીઝનમાં પાઉડર બ્લુ, મિન્ટ ગ્રીન, બ્લશ પિન્ક જેવા સૉફ્ટ પેસ્ટલ કલર્સને પ્રાધાન્ય આપી રહ્યા છે. આ ઉપરાંત મોચા બ્રાઉન અને બેજ જેવા અર્ધી ટોન પણ ક્લાસી લુક માટે પસંદ કરવામાં આવે છે. જો તમારો સ્કિનટોન ગોરો હોય તો બર્ગન્ડી અને એમરલ્ડ ગ્રીન જેવા વાઇબ્રન્ટ શેડ્સ પણ બહુ મસ્ત લાગશે.

સ્ટાઇલિંગ ટિપ્સ

નૉર્મલ પાયજામા પહેરવાને બદલે ફ્લોઈ ધોતી સાથે એસિમેટ્રિકલ કટ કુરતો તમારા લુકને બોલ્ડ અને ફૅશનેબલ બનાવશે. આ ઉપરાંત સ્લિમ ફિટ સિગારેટ ટ્રાઉઝર્સ પણ તમારા લુકને મૉડર્ન બનાવે છે.

લાંબી સ્ટ્રક્ચર્ડ શેરવાની જે ટ્રેન્ચ કોટ જેવી દેખાય છે, એને ક્લાસિક ધોતી સાથે પહેરવાથી રૉયલ અને ડ્રામેટિક લુક મળે છે, પણ આવો લુક એ જ પુરુષોને સારો લાગશે જેની હાઇટ અને ફિઝિક સારાં હોય.

સાદા કુરતા સાથે લેયરિંગ તરીકે મોદી જૅકેટનો ટ્રેન્ડ આમ તો સદાબહાર છે. આ ઉપરાંત કુરતાને જોધપુરી જૅકેટ સાથે પહેરવાથી પણ ઇન્ડો-વેસ્ટર્ન લુક મળે છે.

યુવતીઓની જેમ યુવકોના સ્ટાઇલિંગમાં ઍક્સેસરીઝ મહત્ત્વનો ભાગ ભજવે છે. સિમ્પલ કુરતા પર એક સ્ટાઇલિશ મેટાલિક બ્રોચ કે ડિઝાઇનર લેપલ પિન તમારા લુકને કમ્પ્લીટ બનાવશે. આ ઉપરાંત સાદા કુરતા પર કૉન્ટ્રાસ્ટ કલરનો વેલ્વેટ કે સિલ્ક જેવા રિચ ફૅબ્રિકનો દુપટ્ટો તમારા લુકને ગ્રેસફુલ બનાવશે.

ફૂટવેઅરમાં મોજડીને બદલે આઉટફિટના કલર સાથે મૅચ થતાં એમ્બ્રૉઇડરીવાળાં સ્લિપ ઑન-લોફર્સ અથવા કોલ્હાપુરી પહેરો. લુકને રૉયલ બનાવવા માટે વેલ્વેટ ફૅબ્રિકના નેહરુ જૅકેટ કે સ્ટોલનો ઉપયોગ કરો. વેલ્વેટનો લુક હંમેશાં પૉશ હોય છે.

જો તમારે ઇન્ડો-વેસ્ટર્ન લુક જોઈતો હોય તો કુરતા અને પાયજામા પર ટ્રેડિશનલ જૅકેટને બદલે સારી રીતે સિવાયેલું બ્લેઝર કે વેસ્ટકોટ પહેરી જુઓ. પ્લેન કુરતાને ડેનિમ જીન્સ અને ક્લીન સ્નીકર્સ સાથે પહેરીને એક આકર્ષક અને આરામદાયક `કૅઝ્યુઅલ-ફેસ્ટિવ` લુક ક્રીએટ કરી શકાય છે. 

diwali fashion fashion news life and style lifestyle news