ઉબટન લગાવો ચહેરો ચમકાવો

21 October, 2025 05:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ એક પારંપરિક આયુર્વેદિક બ્યુટી રેસિપી છે જેનો ઉપયોગ સેંકડો વર્ષોથી ત્વચાને સ્વસ્થ બનાવવા માટે કરવામાં આવે છે

પ્રતીકાત્મક તસવીર

આપણે ત્યાં વ્યક્તિની તમામ પ્રકારની જરૂરિયાતોનો ઉકેલ પ્રાચીન શાસ્ત્રોમાં અપાયો છે અને એની ઓછામાં ઓછી આડઅસર અને વધુમાં વધુ લાભ એ એનો મુખ્ય ફાયદો છે. આયુર્વેદના ગ્રંથોમાં જેનો ઉલ્લેખ છે એ ઉબટન પણ એવી જ એક રેસિપી છે જે તમારી ત્વચાને મુલાયમ અને ચમકદાર બનાવે છે. એનો ઉપયોગ કરવાથી ત્વચા પરના ડેડ સેલ્સ નીકળી જાય છે અને ચહેરો ગ્લોઇંગ બની જાય છે. બે ચમચી બેસન, એક ચપટી હળદર, એક ચમચી ચંદન પાઉડર, એક ચમચી દહીં અથવા કાચું દૂધ, એક ચમચી મધ અને થોડાં ટીપાં ગુલાબજળ એક વાટકીમાં નાખીને સરખી રીતે મિક્સ કરી પેસ્ટ જેવું બનાવી લો એટલે તમારું ઉબટન તૈયાર.

તૈયાર થયેલી પેસ્ટને લગાડતાં પહેલાં ચહેરાને સૌથી પહેલાં પાણીથી ધોઈને સાફ કરી નાખો. એ પછી ઉબટનને હળવા હાથેથી ચહેરા, ગરદનના ભાગમાં લગાવો. ૧૫-૨૦ મિનિટ સુધી આ પેસ્ટને ચહેરા પર એમ જ રહેવા દો. એ સૂકાઈ જાય પછી ચહેરો પાણીથી ધોઈ નાખો. ઉબટન હટાવ્યા પછી ચહેરા પર અલોવેરા જેલ અથવા ગુલાબજળ જરૂર લગાવો જેથી ત્વચાનું મૉઇશ્ચર જળવાઈ રહે.

આટલા લાભ માટે તૈયાર રહેજો

ઉબટનમાં વપરાતી દરેક સામગ્રીનો ત્વચા માટે પોતાનો ફાયદો છે. બેસન ત્વચા પરની ગંદકી અને વધારાનું ઑઇલ હટાવે, ડેડ સ્કિનને હટાવીને ત્વચાને મુલાયમ બનાવે તેમ જ ત્વચાની કાળાશને ઓછી કરવાનું કામ કરે છે.

હળદરમાં રહેલું કર્ક્યુમિન ત્વચામાં ચમક લાવે છે. એમાં રહેલા ઍન્ટિબૅક્ટેરિયલ અને ઍન્ટિઇન્ફ્લેમૅટરી ગુણો પિમ્પલ્સ અને દાગ-ધબ્બા હટાવે છે.

ચંદન ત્વચાને ઠંડક અને શાંતિ આપે છે. ચહેરા પર રૅશિસ કે ઇરિટેશન હોય તો ચંદન લગાવવાથી રાહત મળે છે.

દહીંમાં રહેલું લૅક્ટિક ઍસિડ ત્વચાને કુદરતી રીતે એક્સફોલિએટ કરે છે. ચહેરા પરના દાગ-ધબ્બા અને ટૅન હટાવવામાં મદદ કરે છે.

મધ નૅચરલ મૉઇશ્ચરાઇઝર તરીકે કામ કરે છે.

ગુલાબજળ સ્કિન ટોનરની જેમ કામ કરે છે. પોર્સને ટાઇટ કરે છે અને સ્કિનને ફ્રેશનેસ આપે છે.

skin care fashion fashion news life and style lifestyle news