02 November, 2026 05:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોલર LED લૅમ્પ
દિવાળીના દિવસોમાં ઘરને સજાવવાની પરંપરા છે, પણ આજના વ્યસ્ત સમયમાં રંગોળી બનાવવાનો કે હોમ ડેકોર માટેનો સમય દરેક પાસે હોતો નથી ત્યારે મંડલા આર્ટની ડિઝાઇનવાળા સોલર LED લૅમ્પ સમય અને મહેનત બન્નેની બચત કરીને આકર્ષક લુક આપે છે. દિવાળીની ખરીદી અને તૈયારીઓ માટે પૂરતો સમય કાઢવો મુશ્કેલ બને છે. રંગોળી લાંબો સમય ટકતી નથી અને રોજ એને સાફ કરવી કે નવી બનાવવી સમય માગી લે છે. આ સમસ્યાના ઉકેલરૂપે સોલર LED મંડલા આર્ટ લૅમ્પ ઉત્તમ વિકલ્પ સાબિત થઈ રહ્યા છે.
આવા લૅમ્પ ફાયદાકારક
સોલર પાવરવાળા આ લૅમ્પ માટે અલગથી વાયરિંગ કે વીજળીના બિલની ચિંતા રહેતી નથી. દિવસ દરમ્યાન સૂર્યપ્રકાશથી ચાર્જ થઈને રાત્રે પ્રકાશ આપે છે.
મંડલા આર્ટ એની જિયોમેટ્રિક અને ફ્લોરલ પૅટર્ન માટે જાણીતું છે. જ્યારે આ ડિઝાઇનમાંથી પ્રકાશ બહાર આવે છે ત્યારે દીવાલ કે ફ્લોર પર ખૂબ જ આકર્ષક પડછાયા અને પૅટર્ન ઊપસી આવે છે જે જોવામાં અદ્ભુત લાગે છે.
આ લૅમ્પ લાંબો સમય ટકે છે અને વારંવાર બદલવાની કે જાળવણી કરવાની જરૂર પડતી નથી.
ક્યાં રાખી શકાય?
બાલ્કનીની રેલિંગ પર સોલર LED સ્ટ્રિંગ લાઇટ્સ અથવા મંડલા આર્ટ લૅમ્પ ગોઠવીને એને આકર્ષક બનાવી શકાય છે. રાત્રે આ લાઇટ ચાલુ થવાથી ઘર બહારથી પણ ખૂબ સુંદર દેખાય છે.
લિવિંગરૂમની ખાલી દીવાલ પર સોલર પ્રોજેક્શન લૅમ્પ મૂકીને ત્યાં એક સુંદર ફેસ્ટિવ-વાઇબ ઊભી કરી શકાય છે.
ફ્લૅટના દરવાજા આગળના કૉમન પૅસેજ કે લૉબી એરિયામાં નાની જગ્યા હોય તો ત્યાં આ લૅમ્પ મૂકી શકાય છે, જેથી આવતા-જતા મહેમાનોનું સ્વાગત રોશનીથી થઈ શકે.