22 October, 2026 12:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
દર વર્ષે દિવાળી નજીક આવે એટલે ઘરના રિનોવેશનનું કામ નીકળતું હોય છે. જો આખું ઘર રિનોવેટ ન થઈ શકે એમ હોય તો રંગકામ કરીને લુક ચેન્જ કરી દેવામાં આવે છે. જો તમે આ દિવાળીએ ઘરને માત્ર ચમકાવવા નથી માગતા પણ એને સૉફ્ટ લક્ઝરી અને ઑર્ગેનિક ફીલ આપવા માગો છો તો ફ્લૅટ પેઇન્ટ્સથી આગળ વધીને ટેક્સ્ચર પેઇન્ટ્સ અને સિમેન્ટ ફિનિશ જેવા નૅચરલ ઑપ્શન્સ ટ્રાય કરવા જેવા છે.
સૉફ્ટ લક્ઝરી એટલે?
સાદા પ્લાસ્ટિક પેઇન્ટમાં દીવાલ સપાટ લાગે છે. એની સરખામણીએ ટેક્સ્ચર પેઇન્ટ દીવાલને ડ્રામેટિક બનાવે છે. દીવાલ પર પડતો પ્રકાશ જ્યારે ટેક્સ્ચર સાથે સંપર્કમાં આવે ત્યારે ઘરમાં વૉર્મ અને પ્રીમિયમ વાતાવરણ ઊભું થાય છે. આજના મૉડર્ન ઇન્ટીરિયર ટ્રેન્ડમાં ચાલી રહેલો લેસ ઇઝ મોરનો કન્સેપ્ટ ઘરને આર્ટિફિશ્યલ ચમક આપવાને બદલે સોબર, ટાઇમલેસ અને નૅચરલ લુક આપે છે.
કેવો પેઇન્ટ કરાવવો જોઈએ?
સિમેન્ટ ફિનિશ : મૉડર્ન અને મિનિમલિસ્ટિક ઘર માટે સિમેન્ટ ટેક્સ્ચર શ્રેષ્ઠ વિકલ્પ છે. આ ફિનિશ ઘરને એક અનોખો ઇન્ડસ્ટ્રિયલ છતાં આલીશાન લુક આપે છે. લાઇટ ગ્રે કે બેજ શેડમાં સિમેન્ટ ફિનિશ દીવાલને કુદરતી અને રૉયલ બનાવે છે. લાઇટ ગ્રે, ચારકોલ ગ્રે અથવા સૅન્ડ બેજ કલર્સની વૉલ તમારા ઘરને એસ્થેટિક લુક આપશે. આવી વૉલ લિવિંગરૂમ અથવા મૉડર્ન સ્ટડીરૂમ માટે બેસ્ટ છે.
લાઇમ વૉશ અને ક્લે ફિનિશ : નેચરલ ચૂનો અને ક્લેમાંથી બનતા આ પેઇન્ટ્સ ટકાઉ અને ૧૦૦ ટકા ઇકો-ફ્રેન્ડ્લી છે. એ દીવાલને એક શાહી અને નૅચરલ મેટ ફિનિશ આપે છે. બેડરૂમ અને ડાઇનિંગ એરિયામાં આવા ટેક્સ્ચરની વૉલ સારી લાગશે, કારણ કે એ આંખોને ઠંડક આપે છે. આમાં તમે સૉફ્ટ આઇવરી, ટેરાકોટા અને મટીરિયરલ વાઇટ કલર્સ જેવા કલર ઑપ્શન્સ અપનાવી શકો છો.
વેનેશિયન પ્લાસ્ટર : જો તમને માર્બલ કે કુદરતી પથ્થર જેવો ચમકદાર અને ડાયમેન્શનલ લુક જોઈતો હોય તો વેનેશિયન પ્લાસ્ટર બેસ્ટ છે. એને હાથથી ઘસીને પૉલિશ કરવામાં આવે છે જેથી એમાં કાચ જેવી સુંવાળી અને રૉયલ ચમક આવે છે. ગોલ્ડન અન્ડરટોન સાથેના ન્યુટ્રલ શેડ્સ અથવા પર્લ વાઇટ કલર્સ અપનાવીને એન્ટ્રન્સ એરિયામાં અથવા લિવિંગરૂમની મેઇન દીવાલ પર કરી શકાય.
એનાથી કેવો લુક આવે?
સાદો કલર દીવાલને ફ્લૅટ કે સપાટ બતાવે છે, જ્યારે ટેક્સ્ચર પેઇન્ટ દીવાલને ટેક્સ્ચરલ કૅરૅક્ટર આપે છે. રૂમની લાઇટ કે સૂર્યપ્રકાશ જ્યારે આ ટેક્સ્ચર્ડ દીવાલ પર પડે છે ત્યારે લાઇટ અને શૅડોની એક ખૂબ જ આહલાદક ઇફેક્ટ બને છે, જે જોવામાં અત્યંત પ્રીમિયમ લાગે છે. આ ફિનિશ ઘરમાં એવું વાતાવરણ ઊભું કરે છે જાણે તમે કોઈ નૅચરલ રિસૉર્ટ કે મૉડર્ન આર્ટ ગૅલરીમાં બેઠા હો.
શા માટે છે ખાસ?
ક્યારેય આઉટ ઑફ ફૅશન ન થાય : બ્રાઇટ કે પ્લાસ્ટિક પેઇન્ટ્સ થોડા સમય પછી જૂનો લાગવા માંડે છે અથવા આંખોને ખૂંચે છે, જ્યારે ઑર્ગેનિક ટેક્સ્ચર અને બેજ કે સિમેન્ટ શેડ્સ એવરગ્રીન રહે છે.
દીવાલની અસમાનતા અને ખામીઓ છુપાવે છે : જૂની કે અસમાન દીવાલો પર જો
પ્લાસ્ટિક પેઇન્ટ કરીએ તો અસમાનતા વધુ દેખાય છે. ટેક્સ્ચર ફિનિશ દીવાલની નાની-મોટી ક્રૅક્સ અને ખામીઓને સહજ રીતે છુપાવી દે છે. વધારે ટકાઉ અને મેઇન્ટેનન્સ-ફ્રી : ટેક્સ્ચર પેઇન્ટ્સ સામાન્ય પેઇન્ટ કરતાં વધુ મજબૂત હોય છે. એના પર ધૂળ-મેલ જલદી દેખાતાં નથી અને એને સાફ કરવો પણ સરળ છે.
પૉઝિટિવ વાઇબ્સ : કુદરતી શેડ્સ અને નૅચરલ ટેક્સ્ચર ઘરના વાતાવરણને શાંતિપૂર્ણ બનાવે છે, જે દિવાળીની સકારાત્મક ઊર્જા સાથે સુસંગત રહે છે.