03 June, 2026 12:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડોનટ શેપ ફ્લાવર વાઝ
આજકાલ ડોનટ શેપનાં ફ્લાવર વાઝ એની યુનિક ડિઝાઇન અને મૉડર્ન લુકને કારણે બધે જોવા મળી રહ્યાં છે. આ વાઝનું સૌથી મોટું આકર્ષણ એનો યુનિક શેપ છે. સામાન્ય ફ્લાવર વાઝની જેમ એનો સીધો આકાર નથી હોતો. એને કારણે એ માત્ર ફૂલ રાખવાનું સાધન નથી રહેતું પણ એક સુંદર ડેકોર સ્ટેટમેન્ટ પીસ બની જાય છે.
સિરૅમિક કે ક્લેમાંથી બનતાં આ વાઝ મોટા ભાગે ચળકતાં હોવાને બદલે એકદમ મેટ ફિનિશ અને ન્યુટ્રલ કલર્સમાં આવે છે. ઑફ વાઇટ, બેજ, સૉફ્ટ ગ્રે અને ટેરાકોટા જેવા એસ્થેટિક રંગો ઘરના વાતાવરણને એક અલગ જ શાંતિ, સૉફિસ્ટિકેશન અને ગ્રેસ આપે છે.
આ વાઝની અસલી સુંદરતા એ છે કે એમાં ફૂલોનો મોટો ગુચ્છો ભરવાની જરૂર નથી હોતી. ઘણા લોકો એમાં તાજાં ફૂલોને બદલે સુકાયેલા કુદરતી છોડ, પામ લીવ્ઝ અથવા પૅમ્પાસ ગ્રાસ (સૉફ્ટ રૂ જેવું દેખાતું લાંબું ઘાસ)ની માત્ર બે-ત્રણ સળી રાખવાનું વધુ પસંદ કરે છે, જે મિનિમલ ડેકોરનાં વાઇબ્સ સાથે પર્ફેક્ટ્લી મૅચ થાય છે.
માર્કેટમાં ટ્વિસ્ટ ડોનટ વાઝ પણ મળે છે. સામાન્ય ડોનટ વાઝ પ્લેન અને સપાટ ગોળ હોય છે, જ્યારે ટ્વિસ્ટ વાઝમાં ગોળાકાર ભાગને વચ્ચેથી એક કે બે વળાંક આપવામાં આવ્યા હોય છે.
ક્યાં રાખશો? : ડોનટ શેપ વાઝની સૌથી સારી વાત એ છે કે એ વર્સેટાઇલ છે. એટલે કે એ ઘરના લગભગ દરેક ખૂણે ખૂબ જ સહજતાથી ફિટ થઈ જાય છે. લિવિંગરૂમના ટેબલની મધ્યમાં બે-ત્રણ મૅગેઝિન એકબીજા પર આડાં ગોઠવીને એના પર આ વાઝ મૂકવાથી ટેબલ ઇન્સ્ટન્ટ આકર્ષક લાગે છે. ટીવીની આસપાસની ખાલી જગ્યાને આધુનિક લુક આપવા માટે આ બેસ્ટ છે. બેડરૂમમાં સાઇડ ટેબલ પર એને રાખવાથી રાત્રે સૂતી વખતે આંખોને સુકૂન આપે એવો મિનિમલ લુક ક્રીએટ કરે છે. એન્ટ્રન્સ કન્સોલ ટેબલ પર પણ એને રાખી શકો, જે ઘરમાં પ્રવેશતાં જ મહેમાનો પર પહેલી ઇમ્પ્રેશન જોરદાર પાડે છે. ઑફિસ-ડેસ્ક પર રાખો તો કામના ટેન્શન વચ્ચે ટેબલ પર થોડી ગ્રીનરી અને આર્ટિસ્ટિક વાઇબ્સ ઉમેરે છે.
કોઈ પણ એક ડોનટ વાઝ એકલું મૂકવાને બદલે બે અલગ-અલગ હાઇટનાં વાઝ જોડીમાં મૂકવાં. સાઇઝની અસમાનતા ડેકોરને વધુ ક્લાસી બતાવે છે.
આજકાલ લોકો ભારે, ભડકતા રંગો અને વધુ પડતી નકશીકામવાળી ચીજવસ્તુઓથી કંટાળ્યા છે. હવેનો ટ્રેન્ડ ઘરમાં ઓછો સામાન, વધુ ખાલી જગ્યા અને મનને શાંતિ આપે એવી સજાવટ તરફનો છે. ડોનટ વાઝ આ મિનિમલિસ્ટ ટ્રેન્ડને પર્ફેક્ટ્લી કૉમ્પ્લિમેન્ટ કરે છે. ડોનટ શેપ ફ્લાવર વાઝ માત્ર બદલાતો ટ્રેન્ડ નથી, એક ટાઇમલેસ આર્ટ પીસ છે. એની સરળ છતાં વળાંકવાળી ડિઝાઇન સ્પેસને આધુનિક, હળવી અને લક્ઝુરિયસ બનાવે છે.