06 February, 2026 01:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સામાન્ય રીતે મેકઅપનો ઉપયોગ ખામીઓ છુપાવવા કે પરંપરાગત સુંદરતા દેખાડવા માટે થતો હોય છે, પરંતુ ડોપમીન મેકઅપ
કલર-થેરપી પર આધારિત છે. એમાં એવા બ્રાઇટ કલર્સ, ચમક અને ગ્રાફિક લાઇનર્સનો ઉપયોગ કરવામાં આવે છે જે જોતાં જ મન પ્રફુલ્લિત થઈ જાય છે. એ માત્ર બહારનો દેખાવ નથી, પણ તમારી મૂડ-બૂસ્ટર પ્રવૃત્તિ છે.
લોકોમાં માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધી છે. લોકો હવે દુનિયાને ગમે તેવા નહીં પણ પોતાની જાતને ગમે તેવા રંગો પસંદ કરી રહ્યા છે. સોશ્યલ મીડિયા પર ‘ગેટ રેડી વિથ મી’ વિડિયોમાં યુવાનો નિયમો તોડીને અવનવા પ્રયોગો કરી રહ્યા છે.
ડોપમીન મેકઅપમાં રંગોનો ઉપયોગ કોઈ ખાસ નિયમ મુજબ નહીં પણ કલર-થેરપી અને ક્રીએટિવિટીના આધારે કરવામાં આવે છે. આ મેકઅપમાં એવા રંગો પસંદ કરવામાં આવે છે જે સામાન્ય રીતે આપણે રોજિંદા જીવનમાં વાપરતાં ડરતા હોઈએ છીએ.
આમાં ચહેરાના કોઈ એક ભાગ પર એક જ તેજસ્વી રંગનો ઉપયોગ થાય છે. જેમ કે તમે ઇલેક્ટ્રિક બ્લુ પસંદ કરો તો માત્ર આંખો પર એ જ રંગના લાઇનર અથવા શૅડો લગાવવામાં આવે છે. આ એક બોલ્ડ અને ક્લીન લુક આપે છે.
આમાં વિરોધી રંગોનો મેળ કરવામાં આવે છે. જેમ કે આંખો પર પીળો આઇશૅડો અને એની સાથે પર્પલ લાઇનર. આંખના અંદરના ખૂણે નિયૉન ગ્રીન અને બહારના ભાગમાં પિન્ક. આવા વિરોધાભાસી રંગો મગજને તરત ઉત્તેજિત કરે છે અને જોનારને પણ ફ્રેશ ફીલ કરાવે છે.
ડોપમીન મેકઅપમાં કાળી લાઇનરને બદલે નિયૉન લાઇનર્સનો ઉપયોગ થાય છે. માત્ર પાંપણની ઉપર જ નહીં પણ આખા આઇલિડ પર અવનવા આકારો બનાવવામાં આવે છે. ઘણી વાર બે કે ત્રણ અલગ-અલગ રંગની લાઇનર એકસાથે વાપરીને રેન્બો જેવી અસર ઊભી કરવામાં આવે છે.
આમાં આંખો પર અલગ-અલગ રંગોને એવી રીતે બ્લેન્ડ કરવામાં આવે છે કે એ કૅન્વસ પરના વૉટરકલર પેઇન્ટિંગ જેવું લાગે. એમાં કોઈ શાર્પ લાઇન્સ હોતી નથી, બસ રંગો એકબીજામાં ભળી ગયેલા હોય છે.
ગાલ પર હળવા પિન્કને બદલે ઑરેન્જ કે પીચ રંગના તેજસ્વી બ્લશનો ઉપયોગ થાય છે જે ચહેરાને વધુ લાઇવલી બનાવે છે. લિપસ્ટિકમાં પણ હૉટ પિન્ક, બ્રાઇટ રેડ કે કોરલ જેવા રંગો પસંદ કરવામાં આવે છે. ઘણી વાર ઉપરના અને નીચેના હોઠ પર અલગ શેડ્સ પણ વાપરવામાં આવે છે.
રંગોની સાથે આમાં સ્ટિકર્સ, પર્લ્સ, ગ્લિટર અને સ્ટોન્સનો ઉપયોગ કરીને ચહેરાને સજાવવામાં આવે છે. આનાથી મેકઅપમાં રમતિયાળ તત્ત્વ ઉમેરાય છે.
ડોપમીન મેકઅપ દેખાવમાં જેટલો કલરફુલ લાગે છે એને લગાવવામાં એટલી જ સાવચેતી જરૂરી છે. જો આ મેકઅપ યોગ્ય રીતે કરવામાં ન આવે તો એ સુંદર દેખાવાને બદલે અજીબ લાગી શકે છે. જો તમે આંખો પર બ્રાઇટ કલર્સ જેમ કે ઇલેક્ટ્રિક બ્લુ કે નિયૉન પિન્કનો ઉપયોગ કર્યો હોય તો હોઠ અને ગાલ પર મેકઅપને હળવો રાખો. જો ચહેરાના બધા ભાગો પર બ્રાઇટ કલર્સ હશે તો લુક ખૂબ જ ડાર્ક અને અસ્તવ્યસ્ત લાગશે. મેકઅપ પહેલાં મૉઇશ્ચરાઇઝર અને પ્રાઇમરનો ઉપયોગ અચૂક કરો જેથી બરાબર ફિનિશિંગ આવે. બધા બ્રાઇટ કલર્સ દરેક સ્કિન-ટોન પર સારા નથી લાગતા. ઘઉંવર્ણી ત્વચા માટે ઇલેક્ટ્રિક બ્લુ, પર્પલ અને મૅન્ડેરિન ઑરેન્જ ખૂબ સુંદર લાગે છે. ગોરી ત્વચા માટે પેસ્ટલ કલર્સ, પિન્ક અને સ્કાય બ્લુ વધુ શોભે છે. જો તમે બે રંગ વાપરતા હો તો એની વચ્ચેની લાઇન દેખાવી ન જોઈએ. યોગ્ય બ્રશનો ઉપયોગ કરીને એને સારી રીતે મિક્સ કરો. બ્રાઇટ અને ગ્લિટરવાળો લુક પાર્ટી કે આઉટિંગ માટે યોગ્ય છે પણ જો તમે ઑફિસ કે કોઈ પ્રોફેશનલ મીટિંગમાં જતા હો તો માત્ર એક નાનો કલર પૉપ જેમ કે રંગીન કાજલ અને લાઇનર પૂરતું છે.