ડ્રેપ દુપટ્ટા અને બેલ્ટ છે દીપાવલિનો ટ્રેન્ડી લુક

29 October, 2021 02:09 PM IST  |  Mumbai | Varsha Chitaliya

કફતાન, પલાઝો, ક્રૉપ્ડ પૅન્ટ જેવા મૉડર્ન આઉટફિટ્સ સાથેઇન્ડિયન દુપટ્ટાનું કૉમ્બિનેશન કરી નવી ફ્રેશ સ્ટાઇલમાં આ ફે​સ્ટિવ સીઝનને સેલિબ્રેટ કરો

ડ્રેપ દુપટ્ટા અને બેલ્ટ છે દીપાવલિનો ટ્રેન્ડી લુક

ગયા વર્ષે દિવાળીની ઉજવણી ફીકી રહી હોવાથી આ વખતે નાના-મોટા સૌકોઈનો શૉપિંગ મૂડ બની ગયો છે. ઇન્સ્ટાગ્રામ તસવીરો અને ફૅશન બ્લૉગર્સને ફૉલો કરતી ફૅશન પરસ્ત યુવાપેઢી દરેક સીઝનમાં ઇનોવેટિવ આઇડિયાઝ સાથે હટકે એક્સપરિમેન્ટ કરવામાં માને છે. જોકે વેસ્ટર્ન કલ્ચર‌થી ઇન્સ્પાયર્ડ આજની યંગ ગર્લ્સ ગમેતેટલી મૉડર્ન થઈ જાય, ફેસ્ટિવ સીઝનમાં તેઓ સ્ટાઇલની સાથે ટ્રેડિશનલ લુક પસંદ કરે છે. એટલે જ ફૅશન જગતમાં ઇન્ડો-વેસ્ટર્ન સ્ટાઇલિંગ ઑલટાઇમ પૉપ્યુલર છે. અહીં આપેલા ટ્રેન્ડી ઇન્ડો- વેસ્ટર્ન આઇડિયાઝમાંથી તમારા માટે બેસ્ટ પસંદ કરી હટકે સ્ટાઇલમાં દીપાવલિ સેલિબ્રેટ કરો.
લેટેસ્ટ ટ્રેન્ડ
ટ્રેન્ડિંગ, સ્ટા​ઇલિંગ અને પૉકેટ-ફ્રેન્ડ્લી ડ્રેસિસ યંગ ગર્લ્સને અટ્રૅક્ટ કરે છે એમ જણાવતાં કાંદિવલીનાં ફૅશન-ડિઝાઇનર ઉન્નતિ ગાંધી કહે છે, ‘દિવાળીની ખરીદીમાં આ વખતે રહી ગયેલી કસર પૂરી કરી નાખવી છે એવો માઇન્ડસેટ જોવા મળે છે. પોતાની મેન્ટલ પીસ માટે લોકો શૉપિંગ તરફ વળ્યા છે તેથી પૉકેટ-ફ્રેન્ડ્લી વર્ડ બહુ મહત્ત્વ રાખે છે. ડિઝાઇનર એથ્નિક અટાયર કરતાં બજેટમાં ફિટ બેસે એવા ટ્રેન્ડી ડ્રેસિસની માગ વધુ છે. પલાઝો, નૅરો બૉટમ પૅન્ટ અને ક્રૉપ ટૉપ મોટા ભાગે બધી ગર્લ્સ પાસે હોય છે. 
અત્યારે ઍન્કલ લૅન્ગ્થ કરતાં થોડાં ઉપર પહેરી શકાય એવાં ક્રૉપ પૅન્ટ, સિગારેટ પૅન્ટ, શૉર્ટ કુરતા અને કફતાન ડિમાન્ડમાં છે. અહીં તમે ઇન્ડિયન દુપટ્ટાને ડ્રેપ કરી તેમ જ બેલ્ટ પહેરીને નવી સ્ટાઇલ ઇન્ટ્રોડ્યુસ કરી શકો છો. લેટેસ્ટ ટ્રેન્ડ સાથે ઇન્ડિયન આઉટફિટ્સનું કૉમ્બિનેશન ગૉર્જિયસ લુક આપે છે. સ્મૉલ ગેધરિંગ અથવા કાર્ડ પાર્ટી (દીપાવલિ ઇન્વિટેશન) માટે પર્ફેક્ટ ચૉઇસ છે.’
સ્ટાઇલિંગ કઈ રીતે?
ડ્રેસિંગના આઇડિયાઝ શૅર કરતાં તેઓ કહે છે, ‘કફતાન સૌથી કમ્ફર્ટેબલ ડ્રેસ હોવાથી યંગ ગર્લ્સની પહેલી પસંદ છે. એને ત્રણ સ્ટાઇલમાં પહેરી શકાય. કફતાનને ઍઝ ઇટ ઇઝ પહેરી ઉપર બેલ્ટ બાંધવાથી બ્યુટ‌િફુલ લાગે છે. મમ્મી અને ડૉટર બન્ને માટે બેસ્ટ સ્ટાઇલિંગ છે. એની સાથે સિગારેટ અથવા નૅરો બૉટમ પૅન્ટ પહેરી શકાય. કફતાન સાથે દુપટ્ટાને ડ્રેપ કરીને અથવા તો દુપટ્ટાને જૅકેટ સ્ટાઇલમાં પહેરવાથી હટકે લાગશે. વાસ્તવમાં દુપટ્ટાને એની ઓરિજિનલ સ્ટાઇલમાં પહેરવો આઉટ ઑફ ફૅશન ગણાય છે. તમે એને જુદી-જુદી સ્ટાઇલમાં પહેરો અથવા કબાટમાં ગડી કરીને મૂકી દો. સ્ટ્રેટ કાઉલ કુરતાની નીચે પૅન્ટ સાથે દુપટ્ટાને ટ્વિસ્ટ કરી નવી સ્ટાઇલ અપનાવો. દુપટ્ટાની જેમ બેલ્ટ પણ મોસ્ટ પૉપ્યુલર અને ટ્રેન્ડી છે. આ બન્નેનું કૉમ્બિનેશન ડ્રામેટિક લુક આપે છે.’
મસ્ટ નીડેડ
ફેસ્ટિવ સીઝનમાં ટ્રેન્ડિંગ અને ફૅશનેબલ દેખાવા તમારા વૉર્ડરોબમાં શું હોવું જોઈએ? ઉન્નતિ કહે છે, ‘ગુજરાતી વિમેન હોય કે યંગ ગર્લ્સ, તેમના કલેક્શનમાં પટોળાની ડિઝાઇનના અટાયર ખાસ હોવા જોઈએ. આ એવી પ્રિન્ટ છે જેની ફૅશન ક્યારેય જવાની નથી. ફ્લોરલ પ્રિન્ટ પણ મોસ્ટ પૉપ્યુલર છે. અત્યારે કૉન્ટ્રાસ્ટનો જમાનો છે તેથી મૅચિંગની ચિંતા કરવાની જરૂર નથી. એમરલ્ડ ગ્રીન, માયકોન્સ બ્લુ, ઍડોબ, આઇસ બ્લુ, ફશિઆ ફેડોરા ​પિન્ક (રાણી કલર જેવો ડાર્ક), વાઇન, ફાયર રેડ, ફિરોટ પ‌િન્ક, એમેથિસ્ટ, બ્લશ પિન્ક, બટર ક્રીમ, ગ્રે, ઇલ્યુમિનેટિંગ યલો, મિન્ટ ગ્રીન, લૅવેન્ડર પેસ્ટલ, પર્પલ રોઝ તેમ જ ઑલટાઇમ ફેવરિટ ગોલ્ડન ઍન્ડ સિલ્વર કલર્સ તમારા કલેક્શનમાં હોવા જોઈએ. દુપટ્ટાને ડ્રેપ કરવા માટે જુદી-જુદી સ્ટાઇલના બેલ્ટ ઇઝ મસ્ટ. કુરતા પર બેલ્ટ પહેરવાની ફૅશન ખૂબ ચાલી છે. ડિફરન્ટ સ્ટાઇલિંગ માટે તમારી પાસે જરદોશી, પર્લ, ટેશેલ્સ અને મિરર બેલ્ટનું કલેક્શન હોવું જોઈએ. તમારા આઇડિયાઝ અને ક્રીએટિવિટીને ડ્રેસિંગમાં યુઝ કરી દીપાવલિ એન્જૉય કરો. અને હા, સ્ટાઇલિંગ કરવામાં ફૅશન બ્લન્ડર ન થાય એનું પણ ધ્યાન રાખશો.’

 લેટેસ્ટમાં ક્રૉપ્ડ અથવા સિગારેટ પૅન્ટ, શૉર્ટ કુરતા અને કફતાન ડિમાન્ડમાં છે. આ ડ્રેસિસમાં ઇન્ડિયન દુપટ્ટાને ટ્વિસ્ટ કરી જુદી-જુદી સ્ટાઇલમાં ડ્રેપ કરવાથી સ્ટાઇલિશ લાગે છે. દુપટ્ટાની જેમ વિવિધ પ્રકારના બેલ્ટ પણ મોસ્ટ પૉપ્યુલર ટ્રેન્ડ છે
ઉન્નતિ ગાંધી, ફૅશન-ડિઝાઇનર

કૂલિંગ ઇફેક્ટ 

સિલ્ક, ઑર્ગેન્ઝા અને જ્યૉર્જેટ ફૉલિંગ ફૅબ્રિક છે. શાઇનિંગ મટીરિયલ હોવાથી ફૅશન-ડિઝાઇનરો એનો જ વધુ ઉપયોગ કરે છે. ઉન્નતિના જણાવ્યા અનુસાર આ દિવાળીમાં મલમલના કાપડ જેવું શિમર ગ્લાસ ટિશ્યુ ફૅબ્રિક પણ ટ્રેન્ડમાં છે. ટિશ્યુનો યુઝ કરો પછી ડ્રેસ પર વર્ક, બૉર્ડર અથવા અન્ય કોઈ પણ પ્રકારનું એક્સ્ટ્રા કામ કરવાની જરૂર રહેતી નથી. સિમ્પલ લુકની સાથે કૂલિંગ ઇફેક્ટ આપતાં ફૅબ્રિક દરેક એજની વિમેનની ફર્સ્ટ ચૉઇસ છે.

fashion news fashion columnists