25 February, 2026 01:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જો કોઈ ઍક્સેસરી સોશ્યલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહી છે તો એ છે ઇઅર કફ્સ
ફૅશન વર્લ્ડમાં ત્યારે શેનો ટ્રેન્ડ પાછો આવશે એ કહેવું મુશ્કેલ છે પણ અત્યારે જો કોઈ ઍક્સેસરી સોશ્યલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહી છે તો એ છે ઇઅર કફ્સ. એક સમયે માત્ર પશ્ચિમી દેશો પૂરતો મર્યાદિત ગણાતો આ ટ્રેન્ડ આજે બૉલીવુડથી લઈને સામાન્ય યુવતીઓમાં નવું ઑબ્સેશન બની ગયો છે. કાન વિંધાવ્યા વગર પણ પહેરી શકાતાં અને આખા કાનને આવરી લેતાં આ ઘરેણાં અત્યારે સ્ટાઇલ સ્ટેટમેન્ટ બની ગયાં છે. સોનમ કપૂર હોય કે આલિયા ભટ્ટ, દરેક સેલિબ્રિટી અત્યારે રેડ કાર્પેટ પર ઇઅર કફ્સમાં જોવા મળે છે.
આજના સમયમાં લોકો એફર્ટલેસ ફૅશન પસંદ કરે છે. ઇઅર કફ્સ આ માપદંડમાં એકદમ ફિટ બેસે છે. જે યુવતીઓને કાન વિંધાવવા ન ગમે પણ કાનના ઉપરના ભાગમાં જ્વેલરી પહેરવી હોય તો તેમના માટે આ ઑપ્શન બહુ સારો છે. ઇઅર કફ્સ બહુ જ વર્સટાઇલ ઍક્સેસરી છે. એ જીન્સ-ટૉપ સાથે જેટલા કૂલ લાગે છે એટલા જ ગ્રેસફુલ સાડી કે લેહંગા સાથે લાગે છે. આ જ્વેલરી તમારા લુકને ઇન્સ્ટન્ટ ચેન્જ કરી નાખે છે. તમે ગમેતેવાં સાદાં કપડાં પહેર્યાં હોય પણ કાનમાં એક સ્ટેટમેન્ટ ઇઅર કફ પહેરી લો એટલે તમારો આખો લુક ‘બેઝિક’માંથી બોલ્ડ બની જાય છે.
ધ સિંગલ સ્ટેટમેન્ટ : સેલેબ્સ ઘણી વાર માત્ર એક જ કાનમાં મોટો અને આકર્ષક ઇઅર કફ પહેરે છે અને બીજા કાનને ખાલી રાખે છે અથવા નાનું સ્ટડ પહેરે છે. આ લુક ‘અનઈવન’ હોવા છતાં વધારે મૉડર્ન લાગે છે.
હેરસ્ટાઇલનું મહત્ત્વ : જો તમે ઇઅર કફ પહેર્યા હોય તો વાળ ખુલ્લા રાખવાને બદલે એક સાઇડ પિન કરો અથવા સ્લિક બન વાળો. જો કાન ઢંકાયેલા રહેશે તો ઇઅર કફની સુંદરતા દબાઈ જશે.
બૅલૅન્સ કરો : જો તમારા ઇઅર કફ હેવી સ્ટોન્સ કે ફેધરવાળા છે તો ગળામાં કંઈ જ ન પહેરો અને કાનના કફને હાઇલાઇટ થવા દો.
ઇઅર કફ્સ દેખાવમાં સુંદર હોય છે પણ જો એનું ફિટિંગ બરાબર ન હોય તો એ કાનમાં દુખાવો કરી શકે છે અથવા પડી જવાનો ડર રહે છે. હંમેશાં ‘ઍડ્જસ્ટેબલ’ કફ્સ પસંદ કરો જેને તમે તમારા કાનના આકાર મુજબ દબાવીને ફિટ કરી શકો. લાઇટવેઇટ મટીરિયલને પ્રાયોરિટી આપો જેથી લાંબો સમય પહેરી શકાય.
કૉર્પોરેટ લુક પર સિંગલ ડાયમન્ડ લાઇન અથવા મોતીવાળા પાતળા કફ્સ બહુ સારા લાગશે. ઑફિસ મીટિંગ્સ માટે આ પ્રકારના ઇઅર કફ્સ તમારા લુકને ક્લાસિક અને સૉફિસ્ટિકેટેડ બનાવશે.
નાસટઆઉટ કે પાર્ટી માટે જવું હોય તો ચેઇન ડ્રૉપ્સ, સ્પાઇક્સ કે મેટલિક કફ્સ જેમાં મલ્ટિપલ લેયર્સ હોય એવા ઇઅર કફ્સની પસંદગી કરશો તો તમારી પર્સનાલિટીને એ વધુ બોલ્ડ દેખાડશે.
ટ્રેડિશનલ વેઅર પર ઝુમકા સ્ટાઇલ ઇઅર કફ્સ અથવા મોર-પોપટની ડિઝાઇનવાળા ટેમ્પલ જ્વેલરી કફ્સ સ્ટાઇલ કરી શકાય. આવા કફ્સ તમારા લુકને નાજુક અને નમણો દેખાડશે.
પ્લેન ગોલ્ડ કે સિલ્વરના હગી કફ્સ જે કાનની ધાર પર ચિપકેલા રહે એવા કફ્સ કૅઝયુઅલ લુક માટે મસ્ત લાગે. જેને મિનિમલિસ્ટિક ફૅશન ગમે તે આવા પ્રકારના કફ્સ તેમના કલેક્શનમાં ઍડ કરી શકે.