28 June, 2025 06:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પર્સનાલિટીને એન્હૅન્સ કરતાં પરફ્યુમ વ્યક્તિના અંગત સ્વભાવને દર્શાવે છે. અઢળક સુગંધ અને ક્વૉલિટીવાળાં સેંકડો પરફ્યુમ માર્કેટમાં જોવા મળે છે, પણ જ્યારે આપણે એ ખરીદવા જઈએ છીએ ત્યારે એની બૉટલ પર EDT, EDP અને EDC લખેલું જોવા મળે છે. આ અંગ્રેજી અક્ષરો શું ઇન્ડિકેટ કરે છે અને એનાં ફુલ ફૉર્મ અને અર્થ શું થાય છે એ વિશે મોટા ભાગના લોકોને ખબર નહીં હોય, પણ જો એ સમજી જશો તો પરફ્યુમની પસંદગી કરવામાં બહુ જ મદદરૂપ સાબિત થશે.
EDT એટલે Eau de Toilette (ઓ દો ત્વાલેત), EDP એટલે Eau de Parfum (ઓ દો પરફ્યુમ) અને EDC એટલે Eau de Cologn (ઓ દો કોલોન). આ ત્રણેય પરફ્યુમના પ્રકાર છે અને નામ ફ્રેન્ચ ભાષાનાં છે. નોંધનીય છે કે પરફ્યુમ બનાવવાની કલા મુખ્યત્વે ફ્રાન્સથી શરૂ થઈ હતી અને અત્યારે આખી દુનિયામાં એની પૉપ્યુલારિટી છે. આ ત્રણેય પ્રકારનાં પરફ્યુમ એ દર્શાવે છે કે પરફ્યુમમાં ફ્રૅગ્રન્સ ઑઇલનું પ્રમાણ કેટલું છે. એનું પ્રમાણ જેટલું વધારે હશે એટલો લાંબો સમય સુધી એ ટકી રહેશે.
EDT: EDT પરફ્યુમનો સૌથી સામાન્ય અને લોકપ્રિય પ્રકાર છે. એ લખાય ટૉઇલેટ છે, પણ બોલાય ત્વાલેત છે. અહીં ટૉઇલેટનો અર્થ સ્નાન પછી વપરાતી સુગંધ અથવા શૃંગાર માટેનું પાણી થાય છે. એમાં એસેન્શિયલ ઑઇલ એટલે કે સુગંધિત તેલનું પ્રમાણ પાંચ ટકાથી ૧૫ ટકા વચ્ચે હોવાથી એને લગાવ્યા બાદ ચારથી છ કલાક સુધી રહે છે અને એની સુગંધ રિફ્રેશિંગ અને હળવીફૂલ હોય છે. ડેઇલી યુઝ માટે આવા પ્રકારનાં પરફ્યુમ સારાં કહેવાય. એની ઇફેક્ટ લૉન્ગ-લાસ્ટિંગ હોવાથી ઑફિસ અને કૉલેજમાં જતા લોકો એનો ઉપયોગ કરી શકે.
EDP: EDT કરતાં પણ લાંબા સમય સુધી ટકે એવા પરફ્યુમનો પ્રકાર છે EDP. એમાં ફ્રૅગ્રન્સનું લેવલ ૧૫થી ૨૦ ટકા જેટલું હોવાથી એ સૌથી સ્ટ્રૉન્ગ પરફ્યુમ હોય છે. એની સુગંધ ૧૨ કલાક સુધી ટકી શકે છે. તેથી આવા પ્રકારનાં પરફ્યુમ ઇવેન્ટ્સ અને પાર્ટીમાં જવું હોય તો વાપરી શકાય છે. ઘણા લોકોને દિવસ દરમિયાન ફરી વાર પરફ્યુમ સ્પ્રે ન કરવું હોય અને આખો દિવસ ફ્રેશનેસ જાળવી રાખવી હોય એ લોકો આવાં પરફ્યુમની પસંદગી કરે છે.
EDC: જે પરફ્યુમની બૉટલમાં EDC લખ્યું હોય છે એવાં પરફ્યુમમાં ફ્રૅગ્રન્સનું પ્રમાણ બેથી પાંચ ટકા જ હોય છે, તેથી એની સુગંધ લાંબો સમય સુધી ટકતી નથી અને બહુ જલદી ઊડી જાય છે. આવાં પરફ્યુમને ઘડી-ઘડી લગાવવું પડે છે. અન્ય પરફ્યુમની સરખામણીમાં આ પરફ્યુમ સસ્તાં મળે છે પણ એની શુદ્ધતાનું સ્તર બહુ જ ઓછું હોય છે. જેમને ફક્ત ઓકેઝનલી પરફ્યુમ લગાવવાનું પસંદ હોય એ લોકો આ પ્રકારનાં પરફ્યુમ ખરીદી શકે છે, પણ ડેઇલી યુઝ માટે EDT અને EDP આ બન્ને પ્રકારનાં પરફ્યુમને વાપરી શકાય છે.