તમારી સ્કિનને ઉંમર કરતાં વધારે યંગ દેખાડવી છે?

11 August, 2025 01:57 PM IST  |  Mumbai | Kajal Rampariya

કોઈ પ્રકારની સર્જરી કે કેમિકલનો ઉપયોગ કર્યા વગર ત્વચા સંબંધિત અઢળક સમસ્યાઓથી છુટકારો મેળવવો હોય તો એક્સોસોમ ટ્રીટમેન્ટ કરવાની સલાહ નિષ્ણાતો આપે છે

પ્રતીકાત્મક તસવીર

ઉંમર વધવી એ નૅચરલ પ્રોસેસ છે, પણ ખરાબ લાઇફસ્ટાઇલ અને વધી રહેલા સ્ટ્રેસને લીધે સ્કિન ઉંમર કરતાં વધુ મોટી અને મૅચ્યોર દેખાવા લાગે છે. પછી પિગમેન્ટેશન અને કરચલીઓને લીધે સુંદરતા ઓછી થઈ જાય છે. અર્લી ફોર્ટીઝ અને લેટ થર્ટીઝમાં આ પ્રૉબ્લેમ થવો બહુ જ કૉમન થઈ ગયું છે. આમ તો ઘણા લોકો સર્જરી અને કેમિકલયુક્ત પ્રોડક્ટ્સ અને ટ્રીટમેન્ટની મદદથી એજિંગ પ્રોસેસને રોકતા હોય છે, પણ જો નૅચરલી આ પ્રોસેસને સ્લો કરવી હોય તો સાયન્ટિફિક મેથડથી બનેલી એક્સોસોમ ટ્રીટમેન્ટ બેસ્ટ છે એવું ડર્મેટોલૉજિસ્ટ કહે છે. શા માટે બેસ્ટ છે અને કઈ રીતે એ કામ કરે છે ​એ વિશે અનુભવી ડર્મેટોલૉજિસ્ટ આકાંક્ષા સંઘવી પાસેથી જાણીએ અને સમજીએ તેમના પોતાના જ શબ્દોમાં..

શું છે એક્સોસોમ ટ્રીટમેન્ટ?

છેલ્લા કેટલાક સમયથી બઝવર્ડ બનેલી એક્સોસોમ
સ્કિન-ટ્રીટમેન્ટને એક થેરપી તરીકે પણ જોવામાં આવે છે. એની મદદથી ચહેરાના પિગમેન્ટેશન, ઍક્ને સ્કાર્સ, કંઈ ઈજા પહોંચી હોય એ ડાઘ, કરચલીઓ, ફાઇન લાઇન્સ અને રિંકલ્સ દૂર થઈ જશે અને ત્વચા ઉંમર કરતાં વધુ યંગ દેખાશે. સર‍ળ ભાષામાં સમજાવીએ તો એક્સોસોમ્સ એ શરીરના કોષોમાં ઉપલબ્ધ નાના પણ પાવરફુલ મેસેન્જર હોય છે, જે ગ્રોથ-ફૅક્ટર અને પ્રોટીનથી ભરપૂર હોય છે. એ સ્કિન-ડૅમેજને રિપેર કરે છે અને સાથે ચહેરાની ડલનેસને દૂર કરીને ગ્લોઇંગ અને યુથફુલ બનાવે છે. આપણી સ્કિન ઘણા લેયર્સની બનેલી હોય છે, જેમાં મહત્ત્વનો ભાગ છે સ્કિન બૅરિયર લેયર. આ લેયર સ્કિનને બહારથી આવતા બૅક્ટેરિયા અને પ્રદૂષણથી પ્રોટેક્ટ કરે છે. ઘણી બ્યુટી-પ્રોડક્ટ્સ એવી હોય છે જે આ બૅરિયરને પાર કરીને પેનિટ્રેટ કરતી નથી તેથી એક્સોસોમને સ્કિનમાં ઇન્સર્ટ કરવા માટે માઇક્રોનીડલિંગ રેડિયો ફ્રીક્વન્સી ટ્રીટમેન્ટનો ઉપયોગ થાય છે, જે ત્વચા માટે ઉપયોગી કોલૅજન અને ઇલાસ્ટિન પ્રોડક્શનને બૂસ્ટ કરે છે. આ બન્ને સ્ટ્રક્ચરલ પ્રોટીન છે જે સ્કિનને યંગ રાખવાની સાથે રિપેર કરે, સ્કિન સેન્સિટિવિટીને દૂર કરે, ત્વચામાં આવતી રેડનેસ અને પિગમેન્ટેશનને ઓછું કરીને વધુ ક્લીન ઍન્ડ ક્લિયર બનાવે. એ શરીરમાં સેલ્સનું ટર્નઓવર ઇમ્પ્રૂવ કરે જેથી તમારી ડલ સ્કિન રિવાઇવ થઈ શકે છે. રિંકલ દૂર થાય અને સ્કિન નૅચરલી ફ્લૉલેસ અને ઈવન લાગે.

ટ્રીટમેન્ટમાં શું હોય?

એક્સોસોમ હ્યુમન સેલ્સમાંથી મળે છે. હું એવી લૅબના એક્સોસોમ વાપરું છું જેના મારી પાસે રિપોર્ટ્સ આવે છે અને એમાં મેન્શન કર્યું હોય છે કે એમાં હ્યુમન DNA હાજર નથી, ૧૦૦ ટકા એક્સોસોમ જ છે. આવા એક્સોસોમ સ્કિન-ટ્રીટમેન્ટ માટે સેફ અને બેસ્ટ માનવામાં આવે છે. એક્સોસોમ ટ્રીટમેન્ટ બેથી ત્રણ સેશન્સમાં થાય છે. એક પેન હોય છે એમાં માઇક્રોસ્કોપિક નીડલ હોય છે. એનો ઉપયોગ કરવા પહેલાં અમે સ્કિન પર નમ્બિંગ ક્રીમ લગાવીએ છીએ, પછી એ પેનથી આખા ચહેરા પર મસાજ કરીએ છીએ. આ દરમિયાન એક્સોસોમ સ્પ્રે કરીને સ્કિનમાં ઇન્સર્ટ કરીએ છીએ. નમ્બિંગ ક્રીમ લગાવી હોવાથી સ્કિન પર કોઈ પણ જાતનો દુખાવો થતો નથી. પ્રોસેસ થયા બાદ સ્કિન પિન્કિશ રેડ દેખાઈ શકે છે. આ પ્રોસેસ હીલ થતાં-થતાં સ્કિન હીલ થાય છે અને ડૅમેજને પણ રિપેર કરે છે. બેત્રણ દિવસ પછી સ્કિનમાં એક પ્રકારનો ગ્લો આવે છે તથા એ પ્લમ્પી, સ્મૂધ, હેલ્ધી દેખાય છે. એક્સોસોમનો ઉપયોગ હેરગ્રોથ માટે પણ થાય. સ્કૅલ્પની ઉપરના લેયરમાં ઇન્ફ્યુઝ કરીને ઍક્ટિવ હેરફૉલ ઓછો કરવામાં અને વાળને જાડા બનાવવામાં મદદ કરે છે. આવી ટ્રીટમેન્ટ ડર્મેટોલૉજિસ્ટ કે સ્કિન-એક્સપર્ટ પાસેથી જ કરાવવી.

કોણ અપનાવી શકે?

એક્સોસોમ ટ્રીટમેન્ટ બધા જ અપનાવી શકે છે. ખાસ કરીને અર્લી ફોર્ટીઝ કે લેટ થર્ટીઝમાં ઘણા લોકોને પ્રીમૅચ્યૉર એજિંગ પ્રોસેસ ચાલુ થઈ જાય છે. એનું મુખ્ય કારણ લાઇફસ્ટાઇલ અને સ્ટ્રેસ છે. બોટોક્સ, ફિલર્સ, થ્રેડિંગ કે લેઝર જેવી ટ્રીટમેન્ટ ન કરવી હોય અને નૅચરલી જ ત્વચા યંગ દેખાય એવી ઇચ્છા ધરાવતા લોકો એક્સોસોમ ટ્રીટમેન્ટ કરાવી શકે છે. જેને ઍક્ટિવ સ્કાર્સ હોય એ લોકો આ ટ્રીટમેન્ટ માટે એલિજિબલ નથી.

પોસ્ટ-સ્કિનકૅર

ટ્રીટમેન્ટ કરાવી લીધા પછી બેથી ત્રણ દિવસ સુધી બહુ જ ધ્યાન આપવાની જરૂર છે. ટ્રીટમેન્ટ બાદ સન-એક્સપોઝર, હાયોલ્યુરૉનિક એસિડ, સિલિસૅલિક ઍસિડ, AHA, BHA અને રેટિનોલ હોય એવી બ્યુટી પ્રોડક્ટ્સ, હાર્શ કેમિકલ હોય એવી સ્કિનકૅર પ્રોડક્ટ્સ યુઝ ન કરવી જોઈએ. જો વર્કઆઉટ કરતા હો તો સૌથી વધુ પરસેવો થાય એવી એક્સરસાઇઝ કરવાનું ટાળવું. સ્વિમિંગ ન કરવું અને હાઇડ્રેશન મેઇન્ટેન કરવું બહુ જ જરૂરી છે. ડર્મેટોલૉજિસ્ટ પોસ્ટ-કૅર માટે જે ક્રીમ આપે એ નિયમિત લગાવવી. ઍન્ટિ-એજિંગ માટે એક્સોસોમ ટ્રીટમેન્ટ વન્ડરફુલ ટ્રીટમેન્ટ છે અને લોકો હવે એને અપનાવી રહ્યા છે.

skin care beauty tips health tips life and style columnists gujarati mid day mumbai