12 September, 2025 12:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
V નેકલાઇન વન-પીસ (ડાબે), A-લાઇન ડ્રેસ (જમણે)
બૉલીવુડના કલાકારો જે ડ્રેસ પહેરે એ સ્ટાઇલ-સ્ટેટમેન્ટ બની જતા હોય છે. થોડા સમય પહેલાં બૉલીવુડ અને સાઉથની ફિલ્મોની અભિનેત્રી તમન્ના ભાટિયાએ એક ઇવેન્ટમાં પોલ્કા ડૉટ્સની પ્રિન્ટવાળો ડ્રેસ પહેર્યો હતો જે અત્યારે ફૅશનમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. બ્લૅક ઍન્ડ વાઇટ કલરનો હૉલ્ટર નેકવાળો ડ્રેસ અને એમાં પોલ્કા ડૉટ ડિઝાઇન ફ્રેશ અને ક્લાસિક દેખાતી હતી. ૧૯મી સદીમાં ફેમસ થયેલા પોલ્કા ડૉટસની ફૅશન આજે પણ ટ્રેન્ડમાં છે. આ સદાકાળ અને સદાબહાર ફૅશન આજના ટ્રેન્ડના હિસાબે કઈ રીતે સ્ટાઇલ કરવી જોઈએ અને આ પૅટર્નમાં કયા પ્રકારનાં આઉટફિટ્સ સૂટ થશે એ જાણીએ.
સ્ટાઇલ-ગાઇડ
આમ તો બ્લૅક ઍન્ડ વાઇટ પોલ્કા ડૉટ્સ એટલે કે વાઇટ બેઝ પર બ્લૅક અથવા બ્લૅક બેઝ પર વાઇટ પોલ્કા ડૉટ્સ ક્લાસિક કૉમ્બિનેશન છે. એને વન-પીસ કે ગાઉન ઉપરાંત જીન્સ સાથે ટૉપ કે શર્ટ તરીકે પહેરીને સ્ટાઇલ કરી શકાય છે. પ્લેન ટૉપ સાથે પોલ્કા ડૉટ્સવાળું સ્કર્ટ તમારા લુકને ક્યુટ બનાવશે.
પોલ્કા ડૉટ્સ પ્લેન બોલ્ડ હોય તો સિમ્પલ ઍક્સેસરીઝ સારી લાગશે. તમન્નાએ જે ડ્રેસ પહેર્યો છે એમાં પોલ્કા ડૉટ્સ બોલ્ડ દેખાય છે એટલે તેણે ઍક્સેસરીઝમાં ઇઅર-રિંગ્સ મિનિમલ ડિઝાઇનની રાખી છે. નાના પોલ્કા ડૉટ્સ હોય તો ગળામાં પેન્ડન્ટ અને ચેઇન, હાથમાં બ્રેસલેટ અને કાનમાં સ્ટડ સારાં લાગશે. આ સાથે સૉલિડ કલર્સનાં બૅગ અને શૂઝ પસંદ કરો તો લુક બૅલૅન્સ્ડ લાગશે.
પોલ્કા ડૉટ્સનાં કપડાં સાથે સૉલિડ કલરની હીલ્સ અથવા ફ્લૅટ્સ પહેરી શકાય. જો તમે વન-પીસ પહેરો છો તો ઠીક છે પણ કો-ઑર્ડ સેટ કે સ્કર્ટ-ટૉપ પહેરતાં હો તો આખું આઉટફિટ પોલ્કા ડૉટ્સવાળી ડિઝાઇનનું રાખશો તો એ ઓવર લાગશે અને સારું નહીં દેખાય. જો બૅગ્સ કે શૂઝ પોલ્કા ડૉટ્સવાળાં છે તો આઉટફિટ સૉલિડ કલરનાં રાખવાં. આવી પૅટર્નના આઉટફિટ સાથે મેકઅપ સૉફ્ટ, ન્યુડ અને ફ્રેશ લુક આપે એવો રાખવો અને હેરસ્ટાઇલમાં લૂઝ કર્લ્સ અથવા નીટ પોનીટેલ પર્ફેક્ટ લાગશે.
બૉડી શેપના આધારે નક્કી કરો ડ્રેસ
જેનો બેલીનો ભાગ વધારે હોય તેણે V નેકલાઇનવાળા ડ્રેસ પહેરવા જોઈએ. નાની અથવા મીડિયમ સાઇઝના પોલ્કા ડૉટ્સવાળી ડિઝાઇન એમ્પાયર વેસ્ટ ડ્રેસ એટલે હાઇવેસ્ટથી ફ્લૅર હોય એવા ગાઉન પેટને છુપાવશે અને બૅલૅન્સ્ડ લુક આપશે. જેની બૉડીનો પેઅર શેપ હોય તેમણે A-લાઇન ડ્રેસ પહેરવા જોઈએ અને રેક્ટૅન્ગલ બૉડી હોય તેણે બેલ્ટેડ ડ્રેસ પહેરવા. એ વેસ્ટને હાઇલાઇટ કરીને ફેમિનાઇન લુક આપે છે. ફ્લેરવાળાં અથવા પ્લીટેડ સ્કર્ટ પણ આ બૉડીટાઇપના લોકો માટે સારો ઑપ્શન છે. ઓવલ શેપની બૉડી હોય એવી યુવતીઓને નાના પોલ્કા ડૉટ્સની ડિઝાઇનવાળા ડ્રેસ વધુ સૂટ થાય છે. ડાર્ક બૉટમ સાથે લાઇટ ટૉપનું કૉમ્બિનેશન બૉડીને બૅલૅન્સ્ડ લુક આપે છે. ઓછી હાઇટવાળી યુવતીઓએ શૉર્ટ A-લાઇન ડ્રેસ પહેરવા જોઈએ. આવા ડ્રેસ પહેરવાથી હાઇટ વધી હોવાનો ભાસ કરાવશે. થોડો ઇન્ડો-વેસ્ટર્ન લુક જોઈતો હોય તો આ પૅટર્નની પેસ્ટલ શેડ્સના કલર્સની સાડી પણ પહેરી શકાય.