21 June, 2025 07:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનન્યા પાંડેએ લગાવેલી ફ્લોરલ હેરક્લિપ
કેટલાક દિવસો પહેલાં અભિનેત્રી અનન્યા પાંડેએ ઇન્સ્ટાગ્રામમાં પિન્ક કલરના ઓવરસાઇઝ્ડ શર્ટ સાથે માથામાં એક હેરક્લિપ લગાવી હતી અને તેણે પોતાની ફૅશન-સેન્સને બહુ બેઝિક ગણાવી હતી. જોકે ઘણી વાર સરળ અને બેઝિક ફૅશન આપણી સિમ્પ્લિસિટીને વધુ સુંદર બનાવવાનું કામ કરે છે અને અનન્યાના કેસમાં એ કામ તેની ક્યુટ અને ટ્રેન્ડી હેરક્લિપ કરી રહી હતી. આ ફ્લોરલ ક્લિપની ફૅશન ફક્ત મુંબઈ કે ભારત સુધી જ નહીં પણ હૉલીવુડ સુધી પહોંચી છે. બીચવેઅરમાં હૉલીવુડની અભિનેત્રીઓએ આ ક્લિપ ફ્લૉન્ટ કરી છે. સેલિબ્રિટીઝને ગમતી ફૅશન-ઍક્સેસરીઝ સામાન્ય લોકોને પણ સરળતાથી મળી રહી છે. અત્યારે જેન-ઝી અને મિલેનિયલ યુવતીઓ હેર ઍક્સેસરીઝના આ ટ્રેન્ડને ફૉલો કરી રહી છે.
રિયલિસ્ટિક લુક આપે
ફ્લાવર શેપની દેખાતી આ હેર-ઍક્સેસરી આખી દુનિયામાં બહુ વાઇરલ થઈ છે. પેસ્ટલ કલર્સ અને ડ્યુઅલ ટોન્સમાં દેખાતી આ હેરક્લિપ ફ્રાન્જીપાની (એને પ્લમેરિયા પણ કહેવાય) ફૂલ જેવી દેખાય છે. બ્લુમિંગ ફ્લાવર્સ જેવી દેખાતી આ ક્લિપ્સ પીળા, કેસરી, બ્લુ અને ગુલાબી કલરના શેડ્સમાં વધુ જોવા મળે રહી છે. રિયલ ફ્લાવર્સ જેવી દેખાતી આ ક્લિપ પર કરવામાં આવતા કલર-પ્લે એને રિયલિસ્ટિક લુક આપે છે. ફૂલની જેમ વળેલી પાંખડી વાસ્તવિક ફૂલોની કોમળતાનો ભ્રમ બનાવે છે અને એનું ફિનિશિંગ પણ ગ્લૉસી હોવાથી દૂરથી જોઈએ તો એ જેલી જેવી દેખાય છે. એનો લુક જ ક્લિપ્સને હિટ બનાવે છે. વાળની ઍક્સેસરીઝ સૌથી સસ્તી હોય છે અને એ તમારા હેર-લુકને તરત જ ટ્રાન્સફૉર્મ કરી નાખે છે. હેડ-બૅન્ડ્સ, ક્લો-ક્લિપ્સ, સ્ક્રન્ચિસ અને બૉબી પિન્સની જેમ ફ્લોરલ ક્લિપ પણ હેર-ઍક્સેસરીઝમાં મસ્ટ હૅવ થિંગ બની ગઈ છે. ગ્લૉસી ફ્લોરલ ક્લિપ ઉપરાંત માર્કેટમાં મૅટ ફિનિશ આપતી ફ્લોરલ ક્લિપ પણ બહોળા પ્રમાણમાં વેચાઈ રહી છે. આ ક્લિપ વેસ્ટર્ન આઉટફિટ પર વધુ સારી લાગે છે.
પેસ્ટલ શેડ્સ
ક્યારે લગાવી શકાય?
આ ફ્લોરલ ક્લિપ તમારા પૂરા લુકને ફિનિશિંગ આપવાનું કામ કરશે એમ કહેવું ખોટું નથી. જીન્સ હોય કે વન-પીસ હોય, કૅઝ્યુઅલ કુરતા-પૅન્ટ હોય કે પછી સિમ્પલ દેખાતાં સ્કર્ટ-ટૉપ હોય; આ ફ્લોરલ ક્લિપ બધા જ પ્રકારના કૅઝ્યુઅલ લુકને વધુ સારો બનાવવાનું કામ કરશે. આનાથી એક ફાયદો એ પણ થશે કયા ડ્રેસ પર કેવી હેરસ્ટાઇલ બનાવવી એનું ટેન્શન રહેશે નહીં. એક નાનકડી ક્લિપ તમારા વાળને વધુ સુંદર બનાવી દેશે. આ ફ્લાવર ક્લિપનો ટ્રેન્ડ તમારી સિમ્પ્લિસિટીને સ્ટાઇલિશ બનાવવાનું કામ કરશે.
મૅટ ફિનિશિંગ આપતી હેરક્લિપ્સ
શું છે કિંમત?
લોકલ માર્કેટ્સ, મૉલ અને શૉપ્સની સાથે મુંબઈની લોકલ ટ્રેનમાં આવતા ફેરિયાઓ પણ નાની અને મોટી સાઇઝની ફ્લોરલ ક્લિપ્સનું વેચાણ કરી રહ્યા છે. ઑનલાઇન પ્લૅટફૉર્મ્સ પર પણ એની લોકપ્રિયતા જબરી છે. ૩૫ રૂપિયાથી શરૂ થઈને આ ક્લિપ્સ ૧૦૦ રૂપિયા સુધીમાં વેચાય છે. એ મહિલાઓને પરવડે એમ હોવાથી પોતાની બૅગમાં આવી હેરક્લિપ રાખતી થઈ ગઈ છે. કેટલીક યુવતીઓ તો બૅગ-ઍક્સેસરી માટે એનો ઉપયોગ કરે છે. એટલે કે બૅગ સ્ટાઇલિશ દેખાય એ માટે એના હૅન્ડલ પર ક્લિપ લટકાવે છે જેથી બૅગનો લુક બદલાઈ જાય છે.