ઘરને હટકે ઍસ્થેટિક લુક આપવો હોય તો ટેબલ-લૅમ્પ નહીં, સજાવો સ્ટૅન્ડિંગ ફ્લોર લૅમ્પ

21 January, 2025 08:25 AM IST  |  Mumbai | Heta Bhushan

માર્કેટમાં એવા-એવા ફ્લોર લૅમ્પ્સ મળે છે જે ખરેખર દિમાગની બત્તી જલાવી દે એવા રૂપકડા છે

વિવિધ ડિઝાઇન સાથેનાં ફ્લોર લેમ્પ

બેડરૂમમાં સાઇડ ટેબલ હોય કે ડ્રૉઇંગ રૂમનું કૉર્નર ટેબલ, એક મજાનો લૅમ્પ મૂક્યો હોય તો આખો લુક બદલાઈ જાય. જોકે હવે ટ્રેન્ડ ટેબલ પર લૅમ્પ મૂકવાનો નહીં, પણ ફ્લોર પર મૂકવાનો છે. માર્કેટમાં એવા-એવા ફ્લોર લૅમ્પ્સ મળે છે જે ખરેખર દિમાગની બત્તી જલાવી દે એવા રૂપકડા છે

ઘરના ઓવરઑલ લુકમાં ફર્નિચર જેટલું મહત્ત્વનું છે એટલું જ મહત્ત્વ છે લાઇટિંગનું. એમાંય ચોક્કસ જગ્યાએ જ પ્રકાશ પાથરે એવા સ્મૉલ લૅમ્પ્સ મૂકવામાં આવ્યા હોય તો રાતના સમયે ઘર વધુ દીપી ઊઠે છે. માર્કેટમાં ટેબલ-લૅમ્પના તો એક-એકથી ચડિયાતા ઑપ્શન્સ છે જ, પણ હવે એમાં નવું સંસ્કરણ આવ્યું છે ફ્લોર-લૅમ્પ્સનું. એમાં મૂવિંગ લૅમ્પ્સ પણ છે જે લાઇવ લાઇટિંગનો મસ્ત અનુભવ આપે છે. સ્ટૅન્ડિંગ લૅમ્પ્સને જો યોગ્ય ફર્નિચર સાથે સજાવવામાં આવે તો એ આઉટસ્ટૅન્ડિંગ લુક આપશે.

આઉટસ્ટૅન્ડિંગ

મૉડર્ન ડિઝાઇન હોય કે ઍન્ટિક ડિઝાઇન, ફ્લોર-લૅમ્પ્સથી પ્રકાશિત ઘરનો ખૂણો આખા ઘરને ઉઠાવ આપે છે. આ સ્ટૅન્ડિંગ ફ્લોર-લૅમ્પની એક ખાસિયત છે કે એ સાંજે પ્રકાશ તો આપે જ છે સાથે-સાથે દિવસ દરમ્યાન આંખે ઊડીને વળગે એવો એક હોમડેકોર પીસ બનીને ઘરને સુંદરતા આપે છે. ઘરના લિવિંગ રૂમ, બેડરૂમ, સ્ટડી રૂમમાં ફ્લોર-લૅમ્પ ગોઠવીને ડેકોરેશન અને લાઇટિંગ બન્નેની ગરજ સારે છે.

ક્યાં મૂકી શકાય?

સ્ટૅન્ડિંગ ફ્લોર-લૅમ્પ એક ઊભું સ્ટ્રક્ચર છે જેને લિવિંગ રૂમના સોફાની બાજુમાં, બે ચૅરની વચ્ચે, બેડરૂમમાં બેડની બાજુમાં, ગૅલરીમાં એક કૉર્નરમાં, પૅસેજમાં કે રીડિંગ કૉર્નરમાં ચૅર કે સિટિંગ કૉર્નરમાં ઉપરથી લાઇટ આપી શકે એ રીતે ગોઠવી શકાય. ગાર્ડનમાં કે એન્ટ્રન્સ લૉબીમાં પણ એ સારા લાગે છે.

નાના ઘરમાં પણ મૂકી શકાય

સ્ટૅન્ડિંગ લૅમ્પ જગ્યા વધુ રોકે એટલે નાના ઘર કે રૂમમાં એનો ઉપયોગ શક્ય જ નથી એવું ન માનવું. મલ્ટિપર્પઝ સ્ટૅન્ડિંગ ફ્લોર-લૅમ્પ ઉપલબ્ધ છે. જો ઘર નાનું હોય તો એવા સ્ટૅન્ડિંગ લૅમ્પ પસંદ કરવા જેમાં સાઇડ ટેબલ અટૅચ્ડ હોય. સોફાની બાજુમાં મૂકવાથી અલગથી સાઇડ ટેબલની જરૂર રહેતી નથી અથવા સ્ટૅન્ડિંગ લૅમ્પમાં જુદી-જુદી સ્ટાઇલમાં શેલ્ફ બનેલા હોય છે જેની પર બુક્સ, શોપીસ, પ્લાન્ટ્સ ગોઠવી શકાય છે. બેડરૂમમાં પણ સાઇડ ટેબલ અને લૅમ્પ બન્ને પર્પઝ માટે યુઝ કરી શકાય એવા લૅમ્પ ગોઠવી શકાય છે. નાનકડા લિવિંગ રૂમમાં એકદમ ઓછી જગ્યા રોકે એવી સ્લિક ડિઝાઇનના સ્ટૅન્ડિંગ ફ્લોર લૅમ્પ પણ આવે છે. બે દીવાલ મળે એ ખૂણામાં માત્ર એક સ્લિક સ્ટૅન્ડિંગ ફ્લોર-લૅમ્પથી એ ખૂણો પ્રકાશિત કરી આખા રૂમની શોભા વધારે છે.

ડિઝાઇન અને મટીરિયલ

સ્ટૅન્ડિંગ ફ્લોર-લૅમ્પનું સ્ટ્રક્ચર જેનાથી બન્યું છે એ મટીરિયલ પણ એક અટ્રૅક્ટિવ એલિમેન્ટ ઉમેરનારું છે. બનાના પેપર, બનાના ફાઇબર, થ્રેડ, જુદાં-જુદાં પ્રિન્ટેડ ફૅબ્રિક, બામ્બુ, ગ્લાસ, મેટલ, પ્લાસ્ટિક, વુડ વગેરે અનેક જુદા-જુદા પ્રકારમાંથી ડિઝાઇનર સ્ટૅન્ડિંગ ફ્લોર-લૅમ્પ બને છે. સ્ટૅન્ડિંગ ફ્લોર-લૅમ્પનું સ્ટ્રક્ચર એ રીતનું છે કે એમાં ડિઝાઇનર અનેક રીતે એક્સપરિમેન્ટ કરી પોતાની કલ્પના અનુસાર આકર્ષક, અનોખી અને અનેક રીતે ઉપયોગી ડિઝાઇન્સ બનાવી શકે છે. એના સ્ટૅન્ડમાં ઘણાં ઇનોવેશન થાય છે અને ઍડ્જસ્ટેબલ સ્ટૅન્ડ પણ બનાવી શકાય છે. લાઇટની બ્રાઇટનેસ પણ ઍડ્જસ્ટ કરી શકાય એવા લૅમ્પ મળે છે. 

બેઝિક ડિઝાઇન

બેઝિક સિમ્પલ ડિઝાઇનમાં એક સ્ટૅન્ડ અને એની ઉપર લૅમ્પ હોય છે, પણ આ ડિઝાઇનમાં પણ સ્ટૅન્ડ મેટલ, વુડ, બામ્બુ વગેરે મટીરિયલમાંથી સીધું ઊભું સ્ટૅન્ડ અથવા જુદા-જુદા ફૅન્સી વળાંકવાળું કે કોતરણીવાળું બનાવી શકાય છે અને ઉપર અટૅચ્ડ લૅમ્પમાં બેઝિક લૅમ્પમાં જુદા-જુદા ફૅબ્રિક અને શેપ યુઝ કરવામાં આવે છે અને ક્યારેય ક્લાસિક લૅમ્પ શેડના બદલે જુદા- જુદા શેપના ગ્લાસ અને બલ્બ લગાવવામાં આવે છે.

મિનિમલિસ્ટ ડિઝાઇન

એકદમ પાતળા સ્ટ્રેટ ઊભા કે કોઈ વળાંકવાળા બ્લૅક, વાઇટ કે ગોલ્ડ, સિલ્વર, બ્રાસના મેટલ ફિનિશ્ડ સ્ટૅન્ડ, એના પર અટૅચ્ડ લૅમ્પ કે પછી આખા સ્ટૅન્ડમાં જ લાઇટ, એક સીધી પાઇપની  આજુબાજુ બેત્રણ નીચેથી ઉપર જતા લાઇટવેવ્સ લૅમ્પ જેવી એકદમ મિનિમલિસ્ટ ડિઝાઇન પણ ઉપલબ્ધ છે. મિનિમલ લુકમાં પણ મલ્ટિપર્પઝ યુઝ માટે સ્ટૅન્ડમાં નાનું હાફ રાઉન્ડ શેલ્ફ અટૅચ કરવામાં આવે છે જે સાઇડ ટેબલની ગરજ સારે છે.

ફૅન્સી મૉડર્ન ડિઝાઇન

એક જુઓ અને એક ભૂલો એવી અનેક ફૅન્સી મૉડર્ન ડિઝાઇનના લૅમ્પથી તમારા ઘરને સજાવી શકો છો. ત્રણ સ્ટૅન્ડવાળા ટ્રાઇપૉડ ડિઝાઇનના લૅમ્પ, શેલ્ફ્વાળા વુડના લૅમ્પ, મૉડર્ન સ્ટાઇલના વેવ્સ કે યુ શેપના સ્ટૅન્ડવાળા મેટલ લૅમ્પ, બામ્બુમાંથી બનાવેલા ફૅન્સી ફ્લાવર ડિઝાઇન લૅમ્પ, મલ્ટિપલ ગ્લાસ રિંગ કે બૉલ જુદી-જુદી ડિઝાઇનમાં જોડીને બનાવેલા લૅમ્પ ફૅન્સી ઇન્ટીરિયર સાથે બહુ સરસ જામે છે.

એથ્નિક ડિઝાઇન

કોતરણીવાળા પિલર, બરણી કે પોતા જેવી ડિઝાઇન, કાણાંવાળી ડિઝાઇન અને અન્ડર લાઇટ જેવા સિલિન્ડર શેપ પિલર, ઓલ્ડ ઝુમ્મર સ્ટાઇલ ડિઝાઇન, ટર્કી ડિઝાઇનનાં ગ્લાસ ઝુમ્મર, એથ્નિક ફૅબ્રિક વાપરીને બનાવેલા લૅમ્પ ટ્રેડિશનલ ડેકોર પસંદ કરવાવાળાની પહેલી પસંદ બને છે.

લક્ઝરી સ્ટાઇલ

ગોલ્ડ, બ્રાસ ફિનિશ્ડ ફૅન્સી સ્ટૅન્ડ પર જુદી-જુદી ડિઝાઇનના ક્રિસ્ટલ લૅમ્પ, ફૅન્સી સિલ્વર ફિનિશમાં છીપલાંની ડિઝાઇનમાં મોતીની જેમ ગોળ લૅમ્પ, સિલ્વર ફિનિશ પોપી ફ્લાવર ડિઝાઇનમાં લૅમ્પ, પ્લાન્ટ સ્ટૅન્ડ અને ગ્લાસ ફ્લાવર અને ગ્લાસ બર્ડમાં લાઇટ હોય એવા લૅમ્પ, ફૅન્સી કે ઓલ્ડ વિન્ટેજ સ્ટાઇલ ગ્લાસ અને ક્રિસ્ટલ લૅમ્પ એકદમ રિચ અને રૉયલ લુક આપે છે.

ઇનોવેટિવ ડિઝાઇન

ઑસ્ટ્રિચ ફેધર લૅમ્પ, પૃથ્વીના ગોળામાં લૅમ્પ, ઍસ્ટ્રોનૉટ ડિઝાઇન લૅમ્પ, મૂનવૉકર લૅમ્પ, વુડ રોબોટિક મૅન લૅમ્પ (જેમાં માણસના પોઝ બદલી શકાય), ડાન્સિંગ ગર્લ ડિઝાઇન, મૉડર્ન હ્યુમન સ્ટૅચ્યુ લૅમ્પ, ફેસ લૅમ્પ એકબીજાની સામે જોતા હોય એમ ગોઠવી શકાય જે બેડરૂમમાં સરસ લાગે છે. ‌

ફ્લોર લૅમ્પની પસંદગી વખતે શું-શું ધ્યાન રાખવું? 

લૅમ્પની પ્લેસમેન્ટ ક્યાં કરવી છે એ પહેલાં નક્કી કરવું, પછી આજુબાજુની જગ્યા અને ડેકોર પ્રમાણે ડિઝાઇન પસંદ કરવી. 
 ઇલેક્ટ્રિક પ્લગની વ્યવસ્થા પહેલાં જ કરાવી લેવી. ઇલેક્ટ્રિક પ્લગ થોડો આડશ હેઠળ આવી જાય એ રીતનું પ્લેસમેન્ટ હોય તો બેસ્ટ.
 રીડિંગ એરિયામાં ઍડ્જસ્ટેબલ કે બૅન્ડેબલ સ્ટૅન્ડની પસંદગી કરવી. 
 જગ્યા નાની હોય તો ફ્લોર-લૅમ્પનો બેઝ નાનો પસંદ કરવો.
 રૂમમાં વધારે લાઇટ જોઈતી હોય તો લૅમ્પ શેડ વિનાના લૅમ્પ અથવા એકસાથે વધારે બલ્બ અટૅચ કરી શકાય એવી ડિઝાઇન પસંદ કરવી અને ઓછી લાઇટ જોઈતી હોય તો લૅમ્પ શેડવાળી ડિઝાઇન પસંદ કરવી. લૅમ્પની હાઇટનું ધ્યાન રાખવું. લાઇટને કારણે પડછાયા કેવી રીતે પડશે એનું પણ ધ્યાન રાખવું.

 સ્ટૅન્ડિંગ લૅમ્પ જો ઘરના ઇન્ટીરિયરને અનુકૂળ નહીં હોય તો એ સુંદર લાગવાને બદલે ઘરમાં ઑડ ઑબ્જેક્ટ બની જશે. એટલે લૅમ્પની સાથે બીજા ફર્નિચરનું મૅચ થવું જરૂરી છે.

fashion news life and style fashion columnists