11 August, 2026 05:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડ્રેસ તો સારો હોય છે, પણ તમારા પર કેમ નથી શોભતો એનો વિચાર કર્યો છે?
વીક-એન્ડમાં શૉપિંગ કરતી વખતે કે ઑનલાઇન સ્ક્રોલ કરતી વખતે કોઈ સરસ ડ્રેસ જોઈને આપણું દિલ ખુશ થઈ જાય છે. મન થઈ જાય કે આ તો મારી પાસે હોવો જ જોઈએ, પણ એ જ ડ્રેસ જ્યારે આપણે પહેરીને ટ્રાયલરૂમના અરીસા સામે ઊભા રહીએ છીએ ત્યારે એમ લાગે છે કે આ મારા પર શોભી નથી રહ્યો. હૅન્ગર પર કે સોશ્યલ મીડિયાની મૉડલ પર જે ડ્રેસ એકદમ ગ્લૅમરસ લાગતો હતો એ આપણા પર સાવ સામાન્ય કે કેટલીક વાર તો વિચિત્ર દેખાવા લાગે છે. આવા અનુભવ પછી મોટા ભાગની મહિલાઓ સહેલાઈથી એવું માની લે છે કે મારું વજન વધી ગયું છે, હવે પેટ દેખાવા લાગ્યું છે કે મારી હાઇટ ઓછી હોવાને કારણે આ આઉટફિટ મારા પર સૂટ થતો નથી. જોકે ફૅશન અને સાયન્ટિફિક સ્ટાઇલિંગની દુનિયામાં હકીકત જુદી છે.
તમને જાણીને નવાઈ લાગશે કે આ ખામી તમારા વજન, હાઇટ કે બૉડી-શેપમાં નથી પણ કપડાંના બૉડી-પ્રપોર્શનમાં છે. આ સમયે કપડાં માત્ર બૉડી-ટાઇપ મુજબ નહીં, તમારા પગ અને ધડના સારા પ્રમાણ મુજબ પસંદ થવાં જોઈએ. બે સરખી ઊંચાઈ ધરાવતી મહિલાઓમાંથી એક પર જે ડ્રેસ સારો લાગે છે એ બીજી પર ફ્લૉપ સાબિત થઈ શકે છે, કારણ કે બન્નેનું બૉડી-પ્રપૉર્શન અલગ હોઈ શકે છે.
તમારું બોડી-પ્રપોર્શન જાણવું ખૂબ જ સરળ છે. આ માટે તમારે કોઈ ફૅશન ડિઝાઇનર પાસે જવાની જરૂર નથી. બસ, એક મેઝરિંગ ટેપ અને આ નાનકડી ફૉર્મ્યુલાનો ઉપયોગ કરવાનો છે. પહેલાં પગનું માપ લો. માથાના ટોચના ભાગથી જમીન સુધીની તમારી કુલ ઊંચાઈ માપો. આ બન્ને માપ ઈંચમાં લેવાં. બન્ને માપનો ભાગાકાર કરીને ૧૦૦ વડે ગુણાકાર કરશો તો તમારા બૉડીનો પ્રપોર્શન સ્કોર મળશે.પ્રપોર્શન મુજબ કરો સ્ટાઇલિંગ આ ગણતરી કર્યા પછી જે આંકડો આવે એના આધારે નક્કી થશે કે તમારે કયાં કપડાં પસંદ કરવાં જોઈએ. જો સ્કોર ૪૫થી ઓછો આવે તો તમારું ધડ લંબાઈમાં વધારે છે અને પગ સરખામણીમાં ટૂંકા છે. એથી તમારો મુખ્ય ગોલ પગ લાંબા બતાવવાનો હોવો જોઈએ. આ માટે હાઈ-વેસ્ટ જીન્સ, ક્રૉપ-ટૉપ્સ અથવા કોઈ પણ શર્ટ કે ટી-શર્ટને ઇન કરીને પહેરો. આનાથી તમારી કમર ઊંચી દેખાશે અને લોઅર બૉડી ઇલ્યુઝનલી લાંબી લાગશે.
જો તમારા બોડી-પ્રપોર્શનનો સ્કોર ૪૫થી ૪૮ વચ્ચે હોય તો એનો અર્થ એમ થાય છે કે તમારા શરીરના ઉપરના અને નીચેના ભાગનું પ્રમાણ એકદમ બૅલૅન્સ્ડ છે. એટલે કે તમારા પર મોટા ભાગનાં રેડીમેડ ફિટિંગ્સ સરળતાથી સૂટ થઈ જશે. ક્લાસિક મિડ-રાઇઝ ડેનિમ્સ, ફિટેડ એ-લાઇન ડ્રેસિસ અને નૉર્મલ લેન્ગ્થના કુર્તા તમારા લુકને બેસ્ટ આઉટપુટ આપશે.
સ્કોર ૪૮થી વધુ આવે તો તમારા પગ લાંબા અને ધડનો ભાગ ટૂંકો છે. એથી સ્ટાઇલિંગ કરતી વખતે તમારે ધડના ભાગને થોડો લાંબો બતાવવાનો છે. આ માટે લો-વેસ્ટ કે
મિડ-વેસ્ટ પૅન્ટ્સ પસંદ કરો. આ સિવાય લાંબાં જૅકેટ્સ, ટ્યુનિક્સ, લૉન્ગ કુરતીઓ અને શર્ટને ટક-ઇન કર્યા વગર ઓપન રાખવાથી તમારું શરીર એકદમ બૅલૅન્સ્ડ દેખાશે.
ફૅશન એટલે ટ્રેન્ડ્સને આંધળા થઈને ફૉલો કરવાને બદલે બૉડી-પ્રપોર્શનને સમજીને સ્માર્ટલી ડ્રેસ-અપ કરશો તો સરળતાથી નીટ ઍન્ડ ક્લીન સેલિબ્રિટી લુક મેળવી શકશો.
જો તમારું ધડ લાંબું બતાવવું હોય તો લાઇટ કલરનું ટૉપ અને ડાર્ક બૉટમ પહેરો. જો પગ લાંબા બતાવવા હોય તો ડાર્ક કલરનું
હાઈ-વેસ્ટ બૉટમ પસંદ કરો. ઉપરથી નીચે સુધી એક જ કલરનાં કપડાં, જેમ કે આખું બ્લૅક કે નેવી બ્લુ પહેરવાથી હાઇટ વધારે અને બૉડી એકદમ સ્લિમ-બૅલૅન્સ્ડ દેખાય છે. લંબાઈ વધારે બતાવવી હોય તો વર્ટિકલ લાઇનિંગ અને પહોળાઈ બતાવવી હોય તો હૉરિઝૉન્ટલ લાઇનિંગવાળાં આઉટફિટ્સ પસંદ કરો. નાની પ્રિન્ટ્સ તમારા લુકને નીટ ઍન્ડ ક્લીન લુક આપે છે, જ્યારે ખૂબ મોટી પ્રિન્ટ્સ બૉડીનું બૅલૅન્સ બગાડી શકે છે.