હવે આવ્યો આંગળી વીંધાવવાનો ટ્રેન્ડ

15 October, 2025 08:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સામાન્ય રીતે લોકો કાન-નાક વીંધાવતા હોય છે, પણ આજકાલ આંગળી વીંધાવવાનો ટ્રેન્ડ છે. આંગળીમાં વીંટી પહેરવાને બદલે સીધા આંગળીની ઉપર જ લોકો ડાયમન્ડ ફિટ કરાવી રહ્યા છે

આંગળી વીંધાવવાનો ટ્રેન્ડ આવ્યો

હજી થોડા સમય પહેલાં જ કિમ કર્ડાશિયન રોમમાં તેની ૧૨ વર્ષની દીકરી નૉર્થ વેસ્ટ સાથે નજરે ચડી હતી અને બધાની નજર તેની દીકરીની આંગળી પર બનેલા ડર્મલ પિઅર્સિંગ પર ટકેલી હતી. એ પછીથી લોકોમાં આ જાણવાની ઉત્સુકતા વધી ગઈ કે આ ફિંગર પિઅર્સિંગ શું છે.

થાય છે શું?

ડર્મલ પિઅર્સિંગને માઇક્રોડર્મલ અથવા સિંગલ પૉઇન્ટ પિઅર્સિંગ પણ કહેવાય છે. આ એક પ્રકારનું બૉડી મૉડિફિકેશન છે. આમાં જ્વેલરી ત્વચાની સપાટીની નીચે બેસાડી દેવામાં આવે છે અને ફક્ત ઉપરનો હિસ્સો અને ડિઝાઇન દેખાય છે. ડર્મલ પિઅર્સિંગ કરવા માટે નીડલ અથવા ડર્મલ પંચ કે જે એક સર્જિકલ ઉપકરણ છે એની મદદથી ત્વચાની અંદર સ્મૉલ પૉકેટ બનાવવામાં આવે છે. એ પછી એમાં એક ઍન્કર (નાનો આધાર) નાખવામાં આવે છે. એના પર એક ડેકોરેટિવ સ્ટડ અથવા જેમ મજબૂતીથી ફિટ કરી દેવામાં આવે છે.

કંઈક હટકે

ડર્મેન્ટલ ફિંગર પિઅર્સિંગ ઝડપથી લોકપ્રિય થઈ રહ્યું છે કારણ કે એ અલગ અને સ્ટાઇલિશ દેખાડવાની એક અનોખી રીત છે. પારંપરિક જ્વેલરીની જગ્યાએ આ રીતનું પિઅર્સિંગ એવો પ્રભાવ આપે છે જેમ કે કોઈ ડાયમન્ડ સીધો ત્વચા પર સેટ કરવામાં આવ્યો હોય. ભારેખમ જ્વેલરીની જગ્યાએ આ એક એલિગન્ટ અને આકર્ષક વિકલ્પ છે. એને હાથની અન્ય જ્વેલરી સાથે સરળતાથી મૅચ કરી શકાય છે જેથી એ વર્સટાઇલ અને ફૅશનેબલ બની જાય છે. ડર્મલ પિઅર્સિંગને ખૂબ ધ્યાનથી સાફ અને સુરક્ષિત રાખવું પડે છે કારણ કે એ સરળતાથી સ્કિન પર ઇરિટેશન કરી શકે અથવા સ્ટડ કોઈ પણ વસ્તુ જેમ કે કપડાં, વાળમાં ભરાઈને ખેંચાઈ શકે.

જોખમી ટ્રેન્ડ

નિષ્ણાતોના કહ્યા અનુસાર ડર્મલ ફિંગર પિઅર્સિંગનાં પણ પોતાનાં કેટલાંક જોખમ છે. સૌથી સામાન્ય સમસ્યા રિજેક્શન અથવા માઇગ્રેશનની થાય છે. શરીર ધીરે-ધીરે એ ઍન્કરને બહારની તરફ ધકેલવા લાગે છે. એવું એટલા માટે થાય છે કારણ કે આંગળીઓની ત્વચા પાતળી હોય છે અને સતત હલતી રહે છે. સમય સાથે જ્વેલરી બહાર નીકળી શકે છે, જેનાથી નિશાન પણ રહી જાય છે. એ સિવાય ઇન્ફેક્શનનો પણ ખતરો રહેતો હોય છે કારણ કે આપણા હાથ સતત ધૂળ, પાણી અને બૅક્ટેરિયાના સંપર્કમાં આવતા રહે છે. એટલે યોગ્ય રીતે ધ્યાન રાખવામાં ન આવે તો સંક્રમણ ઝડપથી ફેલાઈ શકે છે. અંતમાં હીલિંગ એટલે કે રિકવર થવાની પ્રક્રિયા પણ ડર્મલ ફિંગર પિઅર્સિંગમાં  મોટો પડકાર હોય છે. આપણી આંગળીઓ દિવસભર કોઈ ને કોઈ કામ કરતી રહે છે, જેનાથી પિઅર્સિંગ જલદીથી સાજું થઈ શકતું નથી. એટલે ડર્મલ ફિંગર પિઅર્સિંગ કરવું મોટા ભાગના કેસમાં સલાહભર્યું નથી. 

fashion fashion news lifestyle news life and style columnists gujarati mid day exclusive