તમારી સ્કિન માટે કયું ફેસ-વૉશ સારું? ફોમિંગ કે જેલ-ક્લેન્ઝર?

09 July, 2026 02:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

માર્કેટમાં અઢળક સ્કિન-કૅર પ્રોડક્ટ્સ વચ્ચે ઘણી વાર આપણી ત્વચા માટે સારું શું છે એમાં ગૂંચવાઈ જઈએ છીએ. વિવિધ પ્રોડક્ટ્સ વચ્ચેનો તફાવત સમજીને કરો પસંદગી

પ્રતીકાત્મક તસવીર

પ્રદૂષણ, સ્ટ્રેસ અને બદલાતા હવામાનની સીધી અસર આપણી ત્વચા પર જોવા મળે છે. ત્વચાની સંભાળની શરૂઆત હંમેશાં ક્લેન્ઝિંગ એટલે કે ચહેરો સાફ કરવાથી થાય છે. એમાં પણ અત્યારે અઢળક પ્રોડક્ટ્સ હોવાથી ત્વચા માટે ફોમિંગ ફેસ-વૉશ સારું કે જેલ-ક્લેન્ઝર એમાં કન્ફ્યુઝ થઈ જવાય છે. ઘણા લોકો ગમે એ પ્રોડક્ટ ખરીદી લે છે જેનાથી ત્વચા કાં તો વધુ પડતી ડ્રાય થઈ જાય છે અથવા તો પિમ્પલ્સની સમસ્યા વધી જાય છે. હેલ્ધી અને ગ્લોઇંગ સ્કિન મેળવવા માટે એ જાણવું ખૂબ જરૂરી છે કે આ બન્ને વચ્ચે શું તફાવત છે અને તમારી સ્કિનને ખરેખર શેની જરૂર છે.

ફોમિંગ ફેસ-વૉશ કોના માટે બેસ્ટ?

ફોમિંગ ફેસ-વૉશ એવું ક્લેન્ઝર છે જે પાણીના સંપર્કમાં આવતાંની સાથે જ ફીણ બનાવે છે. આ ફેસ-વૉશ ત્વચાનાં રોમછિદ્રોમાં ઊંડે સુધી જઈને જમા થયેલો કચરો, પ્રદૂષણના કણો અને વધારાનું તેલ ખૂબ જ અસરકારક રીતે સાફ કરે છે. જો તમારી ત્વચા ઑઇલી અથવા એકને-પ્રોન હોય તો ફોમિંગ ફેસ-વૉશ તમારા માટે વરદાન સાબિત થઈ શકે છે. એ ચહેરા પરની ચીકાશને દૂર કરીને ફ્રેશનેસ આપે છે.

જેલ ક્લેન્ઝર ક્યારે પસંદ કરવું?

જેલ ક્લેન્ઝર ફૉર્મ્યુલેશનમાં ઘટ્ટ અને પારદર્શક હોય છે. એ ફોમિંગ ફેસ-વૉશ જેટલું ફીણ નથી બનાવતું. એ ત્વચાને હળવાશથી સાફ કરે છે. જેલ ક્લેન્ઝર સામાન્ય રીતે વૉટર-બેઝ્ડ હોય છે. એ ત્વચાને હાઇડ્રેટ રાખવાની સાથે હળવું ક્લેન્ઝિંગ આપે છે. એ ત્વચાના કુદરતી મૉઇશ્ચર બૅરિયરને નુકસાન પહોંચાડતું નથી. જો તમારી ત્વચા ડ્રાય, સેન્સિટિવ અથવા કૉમ્બિનેશન હોય તો જેલ ક્લેન્ઝર શ્રેષ્ઠ વિકલ્પ છે. એ ત્વચાને શાંત રાખે છે અને રેડનેસ કે બળતરા થવા દેતું નથી. તમે હેવી મેકઅપ કર્યો હોય અથવા ખૂબ જ ઑઇલી સ્કિન ધરાવતા હો તો જેલ ક્લેન્ઝર કદાચ બધો કચરો એકસાથે સાફ ન કરી શકે. એવા સમયે ડબલ ક્લેન્ઝિંગની જરૂર પડી શકે છે.

સાચી પસંદગી કેવી રીતે કરશો?

ઉનાળા કે ચોમાસામાં જ્યારે હવામાં ભેજ અને ચીકાશ વધારે હોય ત્યારે ફોમિંગ ફેસ-વૉશ વાપરવું સારું રહે છે, જ્યારે શિયાળાની સૂકી ઋતુમાં જેલ ક્લેન્ઝર ત્વચાની નમી જાળવી રાખવા માટે ઉત્તમ છે. ઑઇલી સ્કિન માટે સૅલિસિલિક ઍસિડ કે ટી-ટ્રી ઑઇલવાળું ફોમિંગ ફેસ-વૉશ પસંદ કરો. ડ્રાય સ્કિન માટે હાયોલ્યુરૉનિક ઍસિડ અથવા અલોવેરાયુક્ત જેલ ક્લેન્ઝર શ્રેષ્ઠ રહેશે.

skin care fashion fashion news lifestyle news life and style columnists