05 January, 2026 02:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફુટવેઅર જે ૨૦૨૬માં ટ્રેન્ડમાં રહેવાનાં
૨૦૨૬માં ફુટવેઅરના ટ્રેન્ડ્સ માત્ર સોશ્યલ મીડિયા પર વાઇરલ થવા પૂરતા મર્યાદિત નથી રહ્યા, એ વાસ્તવિક જીવનની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે. વર્ષો સુધી અત્યંત ઊંચી હીલ્સ અને માત્ર ફોટોમાં સારાં દેખાય એવાં શૂઝના ટ્રેન્ડ પછી હવે ફોકસ સ્ટાઇલ અને કમ્ફર્ટના સમન્વય પર શિફ્ટ થયું છે. એવામાં જાણીએ એવાં ફુટવેઅર જે ૨૦૨૬માં ટ્રેન્ડમાં રહેવાનાં છે.
ટી-સ્ટ્રૅપ હીલ્સ
આ એક ક્લાસિક અને સ્ટાઇલિશ ફુટવેઅર છે. આ હીલ્સમાં પટ્ટાની ગોઠવણ એ પ્રકારની હોય કે એ પગની ઉપર T આકાર બનાવે છે. એને કારણે સૅન્ડલ પગમાં બરાબર ફિટ રહે છે. જો તમને હીલ્સમાં ચાલતાં ડર લાગતો હોય તો ટી-સ્ટ્રૅપ હીલ્સ તમારા માટે બેસ્ટ છે કારણ કે એ પગને લપસવા દેતા નથી. ટી-સ્ટ્રૅપ હીલ્સમાં સીધો ઊભો પટ્ટો પગની લંબાઈનો આભાસ કરાવે છે, જેનાથી પગ લાંબા અને પાતળા દેખાય છે. ટી-સ્ટ્રૅપ હીલ્સ એકદમ વર્સેટાઇલ છે એટલે એ ગમે એની સાથે શોભે છે. ફૉર્મલ ટ્રાઉઝર કે પેન્સિલ સ્કર્ટ સાથે એ પ્રોફેશનલ લુક આપે છે. વનપીસ ડ્રેસ અથવા ગાઉન સાથે એ ખૂબ એલિગન્ટ લાગે છે. તમે એને સાડી કે કુરતી સાથે પણ ટ્રાય કરી શકો છો. એ એક યુનિક ફ્યુઝન લુક આપશે.
ટ્રાન્સપરન્ટ સૅન્ડલ
આનો સૌથી મોટો ફાયદો એ છે કે એ સ્કિન સાથે બ્લેન્ડ થઈ જાય છે, કારણ કે એમાં કોઈ સૉલિડ કલર કે સ્ટ્રૅપ નથી દેખાતા જે પગને કટ કરે એટલે એમાં પગ લાંબા અને પાતળા દેખાય છે. બીજો આનો સૌથી મોટો પ્લસ પૉઇન્ટ એ છે કે એ કલરલેસ હોય છે એટલે તમારે એ ચિંતા કરવાની જરૂર નથી પડતી કે સૅન્ડલ તમારા આઉટફિટ સાથે મૅચ થશે કે નહીં. આજકાલ ફૅશનમાં લેસ ઇઝ મોરનો ટ્રેન્ડ ચાલે છે. ટ્રાન્સપરન્ટ સૅન્ડલ એક ક્લીન, સૉફિસ્ટિકેટેડ અને ફ્યુચરિસ્ટિક લુક આપે છે. આ સૅન્ડલ વધારે ભપકાદાર નથી લાગતાં, પણ તેમ છતાં મૉડર્ન અને ક્લાસી દેખાય છે. આ સૅન્ડલ દરેક પ્રકારની વરાઇટીમાં આવે છે. ફ્લૅટ ટ્રાન્સપરન્ટ સૅન્ડલ જેને તમે રોજબરોજ પહેરી શકો. બ્લૉક હીલ્સ જેને તમે ઑફિસ કે કૅઝ્યુઅલ આઉટિંગમાં પહેરી શકો. સ્ટિલેટો ક્લિયર હીલ્સ જેને તમે લગ્નપ્રસંગ કે પાર્ટીમાં પહેરી શકો.
ગ્લવ પમ્પ્સ
આને ગ્લવ શૂઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. હાથમાં ગ્લવ ફિટ થઈ જાય એમ આ શૂઝ પગમાં એકદમ ફિટ બેસી જાય છે. સામાન્ય પમ્પ્સમાં પગનો પંજો ઘણો ખુલ્લો રહે છે, પણ ગ્લવ પમ્પ્સમાં ઉપરનો ભાગ પગને વધુ કવર કરે છે. આ હાઈ વેમ્પ ડિઝાઇનને કારણે ચાલતી વખતે સૅન્ડલ પગમાંથી નીકળી જતાં નથી. આ પમ્પ્સ એકદમ સાદાં પણ મૉડર્ન લાગે છે. જે લોકોને સિમ્પલ અને સોબર ફૅશન ગમે તેમના માટે આ એક સારી પસંદ છે. આ શૂઝ સાથે થોડાં ટૂંકાં પૅન્ટ અથવા ટ્રાઉઝર ખૂબ સરસ લાગે છે, કારણ કે એનાથી શૂઝની ડિઝાઇન સ્પષ્ટ દેખાય છે. સ્કર્ટ સાથે આ પમ્પ્સ આર્ટિસ્ટિક અને ક્લાસી લુક આપે છે.
ફ્લોરલ સ્લિપર્સ
આ એવી ડિઝાઇન છે જે ક્યાકેય આઉટ ઑફ ફૅશન થતી નથી. ફ્લોરલ સ્લિપર્સ દેખાવમાં પણ ખૂબ જ ફેમિનાઇન અને ફ્રેશ લાગે છે. આજકાલ ફૅશનમાં મિનિમલ અને નેચર-ઇન્સ્પાયર્ડ ડિઝાઇનોની માગ વધી છે અને ફ્લોરલ મોટિફ સ્લિપર્સ આ ટ્રેન્ડને દર્શાવે છે. એમાં માત્ર પ્રિન્ટ જ નહીં પણ રેશમી દોરાનું એમ્બ્રૉઇડરી કામ અથવા થ્રી-ડી ફૂલોની ડિઝાઇન જોવા મળે છે જે સ્લિપર્સને એક આર્ટિસ્ટિક લુક આપે છે. પેસ્ટલ શેડ્સ, સૉફ્ટ કલર્સ અને લાઇટવેઇટ ફૅબ્રિક સાથે બનેલાં આ સ્લિપર્સ ખાસ કરીને વસંત ઋતુ અને ઉનાળાની સીઝનમાં વધુ ટ્રેન્ડમાં હોય છે. આને તમે કૅઝ્યુઅલ આઉટિંગ, બ્રન્ચ ડેટ કે ગાર્ડન પાર્ટીમાં આરામથી પહેરી શકો છો. જો તમે સાદા આઉટફિટ સાથે આ શૂઝ પહેરો તો એ તમારા આખા લુકને હાઇલાઇટ કરી દે છે.