બંગડીઓનું ગ્લૅમરસ કમબૅક

16 March, 2026 03:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

યુવા પેઢી હવે મેટલ, કાચ અને ઑક્સિડાઇઝ્ડ બૅન્ગલ્સને કન્ટેમ્પરરી ફૅશનમાં અપનાવી રહી છે ત્યારે જાણો કેવી રીતે વિન્ટેજ બંગડીઓ આજનાં કૅઝ્યુઅલ અને વેસ્ટર્ન આઉટફિટ્સમાં જીવ પૂરી રહી છે

વુડ બૅન્ગલ, કડા સાથે ઘડિયાળ, બૅન્ગલ સાથે ઘડિયાળ, ટેરાકોટા કડા, મેટલિક બૅન્ગલ અને મલ્ટિકલર બૅન્ગલ

આજની મેટલિક અને બોલ્ડ ફૅશનના જમાનામાં બંગડીઓ માત્ર પરંપરા નથી પણ એક મજબૂત સ્ટાઇલ-સ્ટેટમેન્ટ અને પર્સનાલિટી વ્યક્ત કરવાનું માધ્યમ બની ગઈ છે. જેન-ઝી અને મિલેનિયલ્સ માટે બંગડીઓ માત્ર લગ્ન પૂરતો જ શણગાર નથી, એક એવી સ્ટાઇલ છે જે પર્સનાલિટીને એલિવેટ કરે છે. હવે લેસ ઇઝ મોર નહીં, પણ બોલ્ડ ઇઝ બ્યુટિફુલનો જમાનો છે. હવે યંગસ્ટર્સ લેયરિંગમાં બહુ માનતા થઈ ગયા છે. કાંડામાં માત્ર એક પાતળી બંગડી કે બ્રેસલેટ પહેરવાને બદલે અલગ-અલગ કદ, ટેક્સ્ચર અને મટીરિયલની બંગડીઓ મિક્સ કરીને પહેરવાનો ટ્રેન્ડ બહુ પૉપ્યુલર થઈ રહ્યો છે ત્યારે બંગડીને કઈ રીતે તમે ડે-ટુ-ડે ફૅશનમાં અપનાવી શકાય એની સ્ટાઇલ-ગાઇડ આ રહી.

વૉચની સાથે એક સ્ટાઇલિશ કડું કે પછી મેટલની બંગડીઓનું કૉમ્બિનેશન વેસ્ટર્ન આઉટફિટ પર પણ કૂલ લુક આપે છે. યંગ જનરેશનને અત્યારે ઓલ્ડ-સ્કૂલ ફૅશન ખૂબ ગમી રહી છે. દાદી-નાનીના જમાનાની જાડી પાટલીઓ, ઑક્સિડાઇઝ્ડ સિલ્વર બૅન્ગલ્સ અને મીનાકારી કામવાળાં કડાં ફરીથી ઇન-ટ્રેન્ડ છે. જીન્સ અને કુરતી સાથે ઑક્સિડાઇઝ્ડ જ્વેલરી બહુ મસ્ત લાગે છે. બ્રાસ અને તાંબાની બંગડીઓ રસ્ટિક અને રૉ લુક આપે છે, એ કૅઝ્યુઅલ આઉટફિટ સાથે સ્ટાઇલ કરી શકાય. કલર-બ્લૉકિંગ માટે કાચની રંગબેરંગી બંગડીઓનો ઉપયોગ મૉડર્ન ડ્રેસ સાથે પણ કરવામાં આવી રહ્યો છે. વાઇટ ટી-શર્ટ અને ડેનિમ સાથે કાંડામાં સ્લીક મેટલ બંગડીઓનું લેયરિંગ કૂલ વાઇબ આપે છે.

કેવી બંગડીઓ પસંદ કરી રહી છે?

સિંગલ સ્ટેટમેન્ટ-પીસ તરીકે મોટા કડાની બહુ ડિમાન્ડ છે. હૅન્ડમેડ અને ઇકોફ્રેન્ડ્લી ફૅશન તરીકે સ્લીક થ્રેડ કે કપડામાંથી બનેલી બંગડીઓ કૅઝ્યુઅલ વેઅર સાથે બહુ સરસ લગે છે. ગોળ સિવાય ચોરસ કે હેક્ઝાગોનલ શેપની બંગડીઓ મૉડર્ન લુક આપે છે. જો તમે વેસ્ટર્ન આઉટફિટ પહેર્યું હોય તો માત્ર એક હાથમાં બંગડીઓનું લેયરિંગ કરો અને બીજો હાથ ખાલી રાખો. જો ઇન્ડો-વેસ્ટર્ન લુક હોય તો ઑક્સિડાઇઝ્ડ કડા સાથે ફ્યુઝન ટ્રાય કરી શકાય.

હૅન્ડમેડનો છે ટ્રેન્ડ

યુવાવર્ગમાં પર્યાવરણ પ્રત્યેની સભાનતા વધી છે, જે તેમની ઍક્સેસરીઝમાં પણ દેખાય છે. માટીમાંથી બનેલી અને હાથેથી પેઇન્ટ કરેલી ટેરાકોટા બૅન્ગલ્સ કૉટનના ડ્રેસ અને સાડીને કૉમ્પ્લીમેન્ટ આપે છે. આ ઉપરાંત અપસાઇકલ ફૅશનને પણ બહુ પ્રમોટ કરવામાં આવી રહી છે. જૂની સાડી કે ફૅબ્રિકમાંથી બનાવેલી બંગડીઓ યુનિક લુક આપે છે. લાકડામાંથી બનેલી બૅન્ગલ્સ બોહો ચિક લુક માટે બેસ્ટ છે. હીલિંગ સ્ટોન્સ અને નૅચરલ ક્રિસ્ટલ્સવાળી બંગડીઓનું ચલણ પણ વધી રહ્યું છે.

fashion news fashion lifestyle news life and style columnists