22 December, 2025 02:24 PM IST | Mumbai | Darshini Vashi
મેંદીમાં પેટ ઍનિમલ્સ
આજે ઘણાં ઘરોમાં પેટ છે અને તેઓ પેટને એક ઍનિમલ તરીકે નહીં પણ પોતાના બાળક અથવા તો ઘરના સદસ્યની જેમ જ ટ્રીટ કરતા હોય છે. ત્યાં સુધી કે ઘરમાં લગ્નપ્રસંગ હોય તો એના માટે પણ કપડાં અને ઍક્સેસરીઝ ખરીદવામાં આવે છે. અને હવે તો જેની પાસે ઘરમાં પેટ છે એવી બ્રાઇડ તેના પેટ પ્રત્યેનો પ્રેમ દર્શાવવા પોતાના હાથમાં મેંદી-આર્ટિસ્ટ પાસે એનું પોર્ટ્રેટ પણ ડ્રૉ કરાવે છે જેમાં આ વર્ષે તો ઘણું નવું જોવા મળી રહ્યું છે. તો ચાલો જોઈએ અત્યારે પેટ ઍનિમલનાં કયાં અને કેવાં પોર્ટ્રેટ ટ્રેન્ડમાં છે. અને એ વિશે મેંદી-એક્સપર્ટ પાસેથી જાણકારી મેળવીએ.
પેટ અથવા તો મનગમતાં ઍનિમલ કે બર્ડનાં પોર્ટ્રેટને હાથમાં મુકાવવાનો ટ્રેન્ડ આ વખતે ખૂબ ટ્રેન્ડમાં છે એમ જણાવતાં મેંદી-આર્ટિસ્ટ મનીષા પંચાલ કહે છે, ‘જેમના ઘરમાં પેટ હોય છે તે એની સાથે ઇમોશનલી જોડાયેલા હોય છે. એટલે ખાસ પ્રસંગે પ્રેમને વ્યક્ત કરવા તેઓ પેટને માટે કંઈક વિશેષ કરતાં હોય છે. જેમ કે મેંદી. હાથની મેંદીની ડિઝાઇનમાં ઍનિમલ અને બર્ડ તો પહેલાંથી પાડવામાં આવતાં હતાં પરંતુ હવે એના બદલે ઍનિમલ-લવર હાથમાં પોતાના પેટનું પોર્ટ્રેટ અથવા તો એને રિલેટેડ કોઈ યાદગીરી બનાવડાવે છે. હમણાં જ હું એક બ્રાઇડને મેંદી મૂકીને આવી. તેણે તેના હાથમાં બની બનાવવા કહ્યું, કેમ કે તેને બની બહુ ગમે છે. તેમ જ બ્રાઇડ અને ગ્રૂમને નજીક લાવવા માટે બનીની ભૂમિકા અહમ રહી હતી એટલે તેણે મને હાથ ઉપર બનીનું પોર્ટ્રેટ પાડવા કહ્યું હતું. એવી રીતે જેઓ પાસે પપી હોય છે તેઓ એનો ફેસ અથવા તો એનો શૅડો કે પછી માત્ર પૉ ડ્રૉ એટલે કે પંજો કરવા માટે કહેતા હોય છે. આજકાલ તો અમુક બ્રાઇડ તેની સંપૂર્ણ મેંદીની ડિઝાઇન પોતાના પેટને સમર્પિત કરી દેતી હોય છે, નહીં તો છેલ્લે તેના પેટનું નામ તો લખી જ લેતી હોય છે.’
ટ્રેન્ડિંગ મેંદી ડિઝાઇન
1. ફેસ : મેંદીની ડિઝાઇનની વચ્ચે પોતાના પેટના માત્ર ચહેરાનું પોર્ટ્રેટ ઘણા બનાવતા હોય છે. પણ હવે એમાં અલગ-અલગ એક્સપ્રેશન, ઇમોશન અને ક્રીએટિવિટીને પણ ઍડ કરવામાં આવી રહ્યાં છે જેમ કે હસતો ડૉગ, બિલાડીનો શૅડો ફેસ, મોઢામાં ગાજર સાથે સસલું વગેરે ઘણું નવું જોવા મળી રહ્યું છે.
2. પૉ : સિમ્પલ અને એલિગન્ટ ડિઝાઇન તરીકે પેટલવર તેમના પેટના પૉ એટલે કે પગલાની ડિઝાઇન બનાવવાનું પસંદ કરે છે. હાથની હથેળીમાં વચ્ચે પૉની ડિઝાઇન અને એની ફરતે મેંદીથી ફૂલ, વેલી જેવી ડિઝાઇન પાડવામાં આવે છે. ઘણા લોકો હાથના કાંડા પર પૉ બનાવડાવે છે અને એની આસપાસનો વિસ્તાર ખુલ્લો રહેવા દે છે જેથી પૉ વિઝિબલ બને. અમુક લોકો વિશાળ શેપનું પૉ બનાવડાવે છે અને એની અંદર મેંદીની ડિઝાઇન મૂકે છે જે કંઈક યુનિક પણ લાગે છે. કેટલાક લોકો આંગળીઓ પર ડૉટેડ અથવા વેલા પૅટર્ન સાથે નાના-નાના પંજા બનાવે છે.
૩. વિથ પેટ : પોતાના પેટ સાથે વિતાવેલા સારા સમયને બ્રાઇડ મેંદીની ડિઝાઇનમાં ઉતારવા માટે પણ જણાવતી હોય છે જેમાં ડૉગનો હાથ પકડતા હોય, એને બાજુમાં બેસાડીને સેલ્ફી લેતા હોય એવાં પોર્ટ્રેટ પણ બનાવડાવે છે. વર અને વધૂ બન્ને પાસે પેટ હોય તો ગ્રૂમ હાથમાં તેના પેટનું પોર્ટ્રેટ બનાવડાવે છે અને બ્રાઇડ તેના પેટનું પોર્ટ્રેટ બનાવડાવે છે.
૪. લાઇફ-જર્ની : જેવી રીતે વરવધૂ આજકાલ હાથમાં તેમની પહેલી મુલાકાતથી લઈને લગ્ન સુધીની પળોને મેંદીની ડિઝાઇન સ્વરૂપે હાથમાં મૂકીને વર્ણવે છે એવી જ રીતે પેટ સાથેની જર્નીને પણ હવે હાથમાં મુકાવે છે. પેટ સાથેની પહેલી મુલાકાતથી લઈને દરેક પળને ડિઝાઇનરૂપે વર્ણવે છે. જોકે આવા પ્રકારની મેંદી થોડી કૉસ્ટ્લી પણ થતી હોય છે. જોકે આવા પ્રકારનાં પોર્ટ્રેટ બધા મેંદી-આર્ટિસ્ટ નથી મૂકી શકતા.
5. ફુલ હૅન્ડ : પેટ સાથે ખૂબ જ લાગણી ધરાવતી બ્રાઇડ આખેઆખી મેંદીને પોતાના પેટને સમર્પિત કરી દે છે. થોડા વખત પહેલાં જ એક બ્રાઇડે તેની મેંદીમાં પોતાના થનારા હસબન્ડનું નામ લખાવવાના બદલે તેના પેટનું નામ લખાવ્યું હતું અને સંપૂર્ણ હાથમાં પેટનાં અલગ-અલગ ઇમોશન બનાવ્યાં હતાં અને વચ્ચે-વચ્ચે પેટ માટે પ્રેમભર્યાં વાક્યો પણ લખાવ્યાં હતાં.