કમ્ફર્ટેબલ અને સસ્ટેનેબલ ફૅશનની સાથે પર્યાવરણપૂરક ફૅબ્રિકની વધતી ડિમાન્ડ વચ્ચે ફૅશન-વર્લ્ડમાં બામ્બુ ફૅબ્રિકે મહત્ત્વનું સ્થાન બનાવ્યું છે ત્યારે એના મહત્ત્વની સાથે સ્ટાઇલ કેવી રીતે કરવું એ પણ જાણી લો
વાંસમાંથી બનેલા ફૅબ્રિક
ફાસ્ટ ફૅશનમાં લોકો હવે વધુ સભાન અને જવાબદાર વિકલ્પોની માગ કરી રહ્યા છે ત્યારે સસ્ટેનેબલ ફૅશનમાં વાંસમાંથી બનતા કાપડ એટલે કે બામ્બુ ફૅબ્રિકની ડિમાન્ડ વધી રહી છે. એ ટકાઉ હોવાની સાથે પર્યાવરણને પણ કોઈ નુકસાન કરતું ન હોવાથી લોકો આ ઇકો-ફ્રેન્ડ્લી ઑપ્શનને પસંદ કરી રહ્યા છે. વાંસમાંથી મુખ્યત્વે બે ફૅબ્રિક બને છે, બામ્બુ વિસ્કોસ અને લિનન. વિસ્કોસ વધુ સૉફ્ટ અને બ્રીધેબલ હોય છે ત્યારે લિનનનું ટેક્સ્ચર થોડું ખરબચડું હોય છે, જે ખાદી જેવી ફીલિંગ આપે છે. આ કાપડ બનાવવાની પ્રક્રિયામાં નહીંવત્ રસાયણનો ઉપયોગ થાય છે તેથી આ વધુ ઇકો-ફ્રેન્ડ્લી ગણાય છે. બામ્બુ ફૅબ્રિક ઍન્ટિ-બૅક્ટેરિયલ હોવાથી ગંધ પેદા કરતા બૅક્ટેરિયાને દૂર રાખવામાં મદદ કરે છે સાથે પરસેવો શોષીને એનું બાષ્પીભવન કરે છે જેથી ત્વચા સૂકી રહે. સ્પર્શમાં એ રેશમ જેવું મુલાયમ લાગે છે અને આ જ કારણોને લીધે એ ફૅશનમાં ટ્રેન્ડ કરી રહ્યું છે.
કેવી રીતે અપનાવશો?
- બામ્બુ ફૅબ્રિકની મુલાયમતા, આરામ અને લક્ઝરી ફિનિશ એને ફૅશનની ઘણી કૅટેગરીમાં લોકપ્રિય બનાવી રહી છે. એની સૉફ્ટનેસને લીધે ઘરમાં પહેરાતા કમ્ફર્ટેબલ વેઅર તરીકે પહેરી શકાય છે. એનાં અન્ડરગાર્મેન્ટ્સ, ટી-શર્ટ્સ, પાયજામા અને મોજાં પહેરવાનું લોકો વધુ પસંદ કરી રહ્યા છે.
- આ સાથે બામ્બુ ફૅબ્રિક ભેજને શોષીને બૅક્ટેરિયાને દૂર રાખવાનું કામ કરતું હોવાથી સ્પોર્ટ્સ અને વર્કઆઉટ કરતા લોકો માટે પણ આઇડિયલ માનવામાં આવે છે. માર્કેટમાં આવા ફૅબ્રિકના યોગ પેન્ટ્સ, જિમ ટી-શર્ટ, સ્પોર્ટ્સ બ્રા અને લેગિંગ્સ ઍથ્લીટ્સ અને ફિટનેસ ઉત્સાહીઓ અપનાવી રહ્યા છે.
- બામ્બુ ફૅબ્રિક વજનમાં હલકું હોય છે અને કરચલીઓ પણ ઓછી પડતી હોવાથી ટ્રાવેલ-ફ્રેન્ડ્લી પણ છે. એ બધી જ સીઝનમાં આરામ આપતું હોવાથી આના લૉન્ગ સ્લીવ ટૉપ્સ, ડ્રેસ અને કાર્ડિગન્સની ડિમાન્ડ વધી રહી છે.
- બામ્બુ ફૅબ્રિક ઇકો સ્ટેટમેન્ટ અથવા સસ્ટેનેબલ ફૅશન સ્ટેટમેન્ટ બની રહ્યાં હોવાથી એનાં શર્ટ્સ અને મિડી ડ્રેસ જેવાં કપડાં પણ માર્કેટમાં આવતાં થયાં છે અને લોકો એને પસંદ પણ કરી રહ્યા છે.
સ્ટાઇલિંગ ગાઇડ
- કૅઝ્યુઅલ ડે આઉટ માટે બામ્બુ ટી-શર્ટ્સ, ડેનિમ જીન્સ અને વાઇટ સ્નીકર્સનું કૉમ્બિનેશન તમને બૅલૅન્સ્ડ લુક આપશે.
- ફૉર્મલ વેઅરમાં સૉલિડ રંગના ટૉપ સાથે ટ્રાઉઝર્સ અથવા પેન્સિલ સકર્ટ લેધર બેલ્ટ અને હીલ્સ સાથે સ્ટાઇલ કરશે તો પૉલિશ્ડ લુક આપશે.
- જો તમારે લેયર્ડ ફૅશન અપનાવવી હોય તો લૉન્ગ સ્લીવ ટૉપ સાથે ડેનિમ જૅકેટ અથવા સ્ટ્રક્ચર્ડ બ્લેઝર કમ્ટેમ્પરરી લુક આપશે.
- ક્રૉપ ટૉપ સાથે લેગિંગ્સ અને વાઇબ્રન્ટ રંગનાં સ્પોર્ટ્સ શૂઝ તમારા વર્કઆઉટ લુકને વધુ સ્પોર્ટી ફીલ કરાવશે.
- ઈવનિંગ ફંક્શન્સ માટે ડાર્ક કલર્સસના મિડી ડ્રેસ સાથે સ્ટેટમેન્ટ જ્વેલરી અને ક્લચ સ્ટાઇલ કરો. બામ્બુ વિસ્કોસ ખૂબ મુલાયમ હોય છે તેથી એ શરીરને થોડું ચોંટી શકે છે. જો તમે શરીરને ચોંટતાં ન હોય એવાં કપડાં ઇચ્છો છો તો રિલેક્સ્ડ-ફિટ અથવા ફ્લોઇ સ્ટાઇલનાં બામ્બુનાં કપડાં પસંદ કરવાં જોઈએ.