જેન્ટલમેન, દિવાળીમાં છાકો પડે એ માટે આટલું જરૂર કરી લેજો

25 October, 2021 12:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દિવાળી અને નવા વર્ષના દિવસે તમે અલ્ટ્રા મૉડર્ન ભલે ન દેખાઓ, પણ એલિગન્ટ તો હોવા જ જોઈએ 

જેન્ટલમેન, દિવાળીમાં છાકો પડે એ માટે આટલું જરૂર કરી લેજો

તહેવારોના દિવસો પહેલાં જેમ સ્ત્રીઓ ઘરના કામમાં રચીપચી રહેતી હોય એમ પુરુષો ધંધામાં એટલા બિઝી રહે છે કે તેમને પોતાની જાતને ગ્રૂમ કરવાનો સમય જ નથી મળતો. દિવાળી અને નવા વર્ષના દિવસે તમે અલ્ટ્રા મૉડર્ન ભલે ન દેખાઓ, પણ એલિગન્ટ તો હોવા જ જોઈએ 

આખું વર્ષ પૅન્ટ-શર્ટ જ પહેરતા પુરુષો પણ દિવાળીના દિવસોમાં ટ્રેડિશનલ કુરતામાં સજ્જ થઈ જાય છે. જોકે સમજવા જેવું એ છે કે માત્ર કુરતો-પાયજામો ઠઠાવી દીધો એટલે તમે દિવાળી માટે તૈયાર થઈ ગયા એવું નથી હોતું. માન્યું કે મોટા ભાગના ગુજરાતી પુરુષો બિઝનેસ સાથે સંકળાયેલા હોય છે અને દિવાળીમાં દરેક બિઝનેસમાં જબરદસ્ત કમાઈ લેવાનો મોકો હોય છે. દિવાળીના દિવસ સુધી ધંધામાં જ પૂરું ધ્યાન લગાવી દેનારા પુરુષોએ થોડુંક ધ્યાન પર્સનલ ગ્રૂમિંગ પર પણ આપવું જ જોઈએ. કેમ માત્ર સ્ત્રીઓ જ સજીધજીને ફરે? પુરુષોએ પણ ગુડ લુક્સ અને એલિગન્ટ લુક અપનાવવા માટે થોડીક મહેનત તો કરવી જ જોઈએને!
આવો, તો જોઈએ ઓછી મહેનતે ઓવરઑલ પ્રેઝન્ટેબલ લુક મેળવવા માટે પુરુષો શું કરી શકે? 
કપડાંની પસંદગી : તમારા ફિગરને અનુરૂપ કપડાંની પસંદગી કરો. યોગ્ય ફીટિંગ બહુ જ જરૂરી છે. તમે માત્ર કુરતો જ પહેરવાના હો તો પણ એ પ્રૉપર ફીટિંગનો હોય એ મસ્ટ છે. તહેવારોના દિવસોમાં જ અચાનક તમે કપડાંમાં બહુ મોટા એક્સપરિમેન્ટ ન કરી શકો; પણ હા, કુરતાની સાથે સહેજ ચોયણી ધરાવતા પાયજામા જેવું ટ્રાય કરી શકો છો. વાઇફ સાથે સહેજ મૅચિંગ શેડનાં કપડાં પસંદ કરશો તો જોડી નીખરી ઊઠશે. 
હેર-કૅર : તમે ગમેએટલાં મોંઘાં કપડાં પહેરો, જો તમારા માથાના કે દાઢી-મૂછના વાળ ફિઝી હશે તો બધી મહેનત પાણીમાં જશે. વધુપડતા વધી ગયેલા માથાના વાળ કે વેરવિખેર દાઢીના વાળ માટે પહેલેથી થોડીક કાળજી રાખવી પડશે. તમારો હેર-ગ્રોથ ધ્યાનમાં રાખીને હેરકટ કરાવો. જો હટકે હેરકટ કરાવવાના હો તો ચાર-પાંચ‌ દિવસ પહેલાં જ કપાવી લેજો, કેમ કે નવા લુક સાથે તમે યુઝ્ડ-ટુ થઈ જાઓ એ જરૂરી છે. દાઢીના વાળને ટ્રિમ કરીને, એને પ્રૉપરલી ધોઈને મૉઇશ્ચરાઇઝ કરીને સેટ કરાવીને રાખો. બિયર્ડને સીરમ દ્વારા ગ્રૂમ કરીને શેપમાં રાખશો તો લુકની ચિંતા બહુ નહીં કરવી પડે. 
આઇબ્રો : યસ, આઇબ્રો કરાવવાનું માત્ર સ્ત્રીઓનું જ કામ છે એમ ન માનો. પુરુષોએ જો તેમના લુક પર કામ કરવું હોય તો આઇબ્રોને શેપમાં રાખવાનું કામ કરવું જોઈએ. સહેજ ટ્રિમિંગ ચહેરાના આખા લુકને ચેન્જ કરી દેશે. 
સ્કિન-કૅર : તહેવારની તૈયારીઓમાં ખૂબ વ્યસ્ત રહ્યા હશો તો એનો થાક સ્કિન પર ચોક્કસ દેખાશે. ત્વચાને ફ્રેશ રાખવા માટે એને રાતે સૂતાં પહેલાં ફેસવૉશથી સાફ કરવાનું અને વીકમાં એક કે બે વાર ફેસ સ્ક્રબથી ડેડ સ્કિન કાઢવાનું ભૂલવું નહીં. રાતે સૂતા પહેલાં ત્વચાને મૉઇશ્ચરાઇઝ કરવાનું ભૂલવું નહીં. ઘણા ઉત્સાહી પુરુષો મેનિક્યૉર-પેડિક્યૉર પણ કરાવી શકે છે, પણ એ દરેક લોકો માટે મસ્ટ-ડુ લિસ્ટમાં ન આવે.
ઍક્સેસરીઝ : ટ્રેડિશનલ ફેસ્ટિવલ છે ત્યારે એથ્નિક લુક સાથે ગોલ્ડ જ્વેલરી વધુ સૂટ થશે, પરંતુ એ પણ તમારા કૉસ્ચ્યુમ સાથે મૅચ થતી હોય એવી જ પહેરવી. જ્વેલરીને બદલે બ્રૅન્ડેડ વૉચ પહેરી લેવી એ સેફ ઑપ્શન છે.

ફ્રૅગ્રન્સ
છેલ્લું અને મહત્ત્વનું કામ છે તમારી પ્રેઝન્સને ચોક્કસ ફ્રૅગ્રન્સથી ફીલ કરાવવાનું. તીવ્ર સ્મેલ ધરાવતાં પર્ફ્યુમ્સનો હળવો ડોઝ છાંટેલો હશે તો તમારી પ્રેઝન્સ લોકો માટે ફીલગુડ બની રહેશે. 

fashion news fashion columnists