27 July, 2026 08:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નૉર્મલ ચાંદલા તો બધા જ લગાવે, પણ તમે આ ઘૂઘરીવાળા ચાંદલા ટ્રાય કર્યા છે?
ઇન્સ્ટાગ્રામની રીલ્સ પર અત્યારે ઘૂઘરીવાળા ચાંદલાનો ટ્રેન્ડ બહુ વાઇરલ થઈ રહ્યો છે. આને કાશ્મીરી બિંદી પણ કહેવાય છે. શ્રૃંગારમાં ચાંદલાનું સ્થાન મહત્ત્વનું રહ્યું છે ત્યારે જો એમાં મેટલની ઝીણી ઘૂઘરી ઉમેરાય તો એ એકદમ યુનિક અને આકર્ષક લુક આપે છે. આ ટ્રેન્ડ હવે માત્ર ફેસ્ટિવલ સીઝન પૂરતો સીમિત નથી રહ્યો. હવે એ બોલ્ડ સ્ટાઇલ-સ્ટેટમેન્ટ બની ગયો છે.
આ બિંદી એટલી આકર્ષક છે કે એ સાદા આઉટફિટ્સને પણ હેવી લુક આપી શકે છે. નવરાત્રિમાં ચણિયા-ચોળી અને ઑક્સિડાઇઝ્ડ જ્વેલરી સાથે આ સિલ્વર મેટલની ઘૂઘરીવાળી બિંદી બેસ્ટ મૅચ થશે. મેંદી, સંગીત કે હલ્દી જેવાં ફંક્શન્સમાં જો તમે ઇન્ડો-વેસ્ટર્ન અથવા પ્રૉપર એથ્નિક લુક ટ્રાય કરી રહ્યા હો તો આ કાશ્મીરી બિંદી તમને ભીડથી અલગ તારવશે.
તહેવારોના દિવસોમાં સિમ્પલ કુરતી કે સિલ્ક સાડી સાથે આ બિંદી પહેરીને મિનિમલ છતાં એલિગન્ટ અને ફેસ્ટિવ લુક મેળવી શકાય. જો તમારે ટ્રેડિશનલ ડે પર કંઈક નવું, હટકે અને ફ્યુઝન સ્ટાઇલ ટ્રાય કરવું હોય તો આ ટ્રેન્ડ પર્ફેક્ટ ઑપ્શન છે.
કોઈ પણ નવી ફૅશન ટ્રાય કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે, જેથી તમારો લુક લાઉડ ન લાગે અને કમ્ફર્ટ જળવાઈ રહે. આ બિંદીમાં મેટલ હોવાથી એનું વજન સામાન્ય ચાંદલા કરતાં થોડું વધારે હોય છે. એથી એને ચોંટાડવા માટે સારી ક્વૉલિટીના ગ્લુનો ઉપયોગ કરવો, જેથી એ વારંવાર નીકળી ન જાય. જો તમારી સ્કિન વધુ પડતી સેન્સિટિવ હોય તો મેટલના કારણે ઍલર્જી કે ખંજવાળ ન આવે એનું ધ્યાન રાખવું.
કાશ્મીરી બિંદી પોતે જ એક હેવી સ્ટેટમેન્ટ પીસ છે. એથી જ્યારે તમે આ બિંદી લગાવો ત્યારે ગળામાં કે કાનમાં બહુ હેવી જ્વેલરી પહેરવાનું ટાળો. જો તમે મોટું ઝૂમખું કે ચોકર પહેરવાનાં હો તો બિંદીની સાઇઝ થોડી નાની રાખવી જેથી લુક બૅલૅન્સ લાગે.
બિંદી બરાબર હાઇલાઇટ થાય એ માટે કપાળના ભાગ પર મેકઅપ ક્લીન અને મેટ હોવો જોઈએ. વધારે પડતો પરસેવો વળશે તો બિંદી નીચે સરકી શકે છે. તેથી વૉટરપ્રૂફ બેઝ વાપરવો.
જો તમારો ચહેરો નાનો હોય તો બહુ ઘૂઘરીઓવાળી બિંદી પસંદ ન કરવી. રાઉન્ડ, હાર્ટ કે ઓવલ ફેસશેપ પર આ બિંદી ખૂબ જ સુંદર લાગશે.