06 October, 2025 11:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગોંદ કતીરા
ગોંદ કતીરાનો ઉપયોગ આયુર્વેદ અને યુનાની ચિકિત્સામાં વર્ષોથી થઈ રહ્યો છે. આ એક પ્રકારના વૃક્ષના થડની છાલમાંથી નીકળતો કુદરતી ગુંદર છે જેનો ઉપયોગ શરબત, ઠંડાઈ વગેરેમાં કરવામાં આવે છે. એમાં હવે સ્કિન-કૅરમાં પણ ગોંદ કતીરાનો ઉપયોગ વધ્યો છે.
ફાયદો શું?
ગોંદ કતીરા ત્વચા માટે કુદરતી મૉઇશ્ચરાઇઝરનું કામ કરે છે. એ તમારી સ્કિનને લાંબા સમય સુધી હાઇડ્રેટેડ અને સૉફ્ટ રાખવાનું કામ કરે છે. એવી જ રીતે એમાં રહેલાં પૌષ્ટિક તત્ત્વો ચહેરા પરની કરચલીઓને ઓછી કરવામાં મદદ કરે છે. સાથે જ સ્કિનને ટાઇટ અને યંગ રાખે છે. ગોંદ કતીરામાં ઍન્ટિ-ઇન્ફ્લૅમેટરી ગુણ હોય છે જે ત્વચા પર થતી બળતરા અને સોજાને ઓછા કરવામાં મદદ કરે છે. એવી જ રીતે ઑઇલી સ્કિનને બૅલૅન્સ કરીને ઓછી કરવામાં સહાય કરે છે.
કેવી રીતે અપ્લાય કરશો?
હાઇડ્રેશન માટે ફેસમાસ્ક
રાત્રે એક ચમચી ગોંદ કતીરાને પાણીમાં પલાળી દો. સવારે એ ફૂલીને જેલ જેવું થઈ જશે. એમાં એક ચમચી ગુલાબજળ અને એક ચમચી મધ નાખીને મિક્સ કરીને ચહેરા પર લગાવો.
ઍન્ટિ-એજિંગ માસ્ક
પલાળેલા ગોંદ કતીરાની પેસ્ટ, દહીં, બેસન આ બધી વસ્તુને મિક્સ કરીને પેસ્ટ બનાવો. એને ચહેરા પર સરખી રીતે અપ્લાય કરીને સુકાઈ ન જાય ત્યાં સુધી રહેવા દો. એ પછી પાણીથી ચહેરો ધોઈ નાખો. આ માસ્ક તમારા ચહેરાને ટાઇટ અને ગ્લોઇંગ બનાવશે.
ઍક્ને-પિમ્પલ્સ માટે
ગોંદ કતીરા જેલમાં થોડો લીંબુનો રસ અને અલોવેરા જેલ મિક્સ કરીને ચહેરા પર લગાવો. એનાથી પિમ્પલ્સની લાલાશ અને સોજો થોડો ઓછો થશે.
કૂલિંગ ફેસજેલ
પલાળેલો ગોંદ કતીરા અને કાકડીનો રસ મિક્સ કરીને ચહેરા પર લગાવો. ખાસ કરીને ગરમીમાં એ સ્કિનને ઠંડક આપવાનું કામ કરશે.
કઈ કાળજી રાખવી?
ઉપર જણાવેલા બધા જ ફેસપૅક ચહેરા પર લગાવતાં પહેલાં એમને હાથમાં થોડું અપ્લાય કરીને પૅચ-ટેસ્ટ કરી લેવી જોઈએ. તમારી સ્કિન ખૂબ સેન્સિટિવ હોય અથવા તો ત્વચા સંબંધિત કોઈ સમસ્યા અગાઉથી જ હોય તો ચહેરા પર ગોંદ કતીરા લગાવવાનું ટાળજો. ગોંદ કતીરાની જેલને તાજી જ ઉપયોગમાં લો. એને સ્ટોર કરીને અઠવાડિયા સુધી વાપરવાનું ટાળો. ગોંદ કતીરાના માસ્ક કે ફેસપૅકને દરરોજ ચહેરા પર લગાવવાની જરૂર નથી. અઠવાડિયામાં બે વાર એને ચહેરા પર લગાવશો તો પણ ફાયદો થશે.