30 April, 2026 02:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સ્કિનકૅર માત્ર સારવાર નથી રહી પણ શો-ઑફ બની ગઈ છે. ગ્લૅમરવર્લ્ડનો જાણીતો ચહેરો ગણાતી હેલી બીબર કંઈક નવું કરે તો એ રાતોરાત ગ્લોબલ ટ્રેન્ડ બની જતો હોય છે. થોડા સમય પહેલાં તેણે ફેસમાસ્કને ચહેરા પર એકસરખી રીતે લગાવવા માટે મેકઅપ બ્રશ કે આંગળીઓને બદલે હેરકૉમ્બનો ઉપયોગ કર્યો હતો. આ જોઈને ઘણા લોકો મૂંઝવણમાં છે કે શું ખરેખર ચહેરા પર દાંતિયો ફેરવવો કારગત છે કે પછી ફક્ત સોશ્યલ મીડિયા પર વાઇરલ થવાનો સ્ટન્ટ છે?
હેરમાસ્ક લગાવવા માટે દાંતિયાનો ઉપયોગ દેખાવમાં બહુ આકર્ષક લાગે છે. જોકે હકીકત એ છે કે હેરકૉમ્બનો ઉપયોગ કરવાથી માસ્ક કદાચ એકસરખો અપ્લાય થશે, પણ એ ત્વચાના ઊંડાણ સુધી પહોંચી શકતો નથી. આપણા ચહેરાની ત્વચા એકદમ નાજુક હોય છે. હેરકૉમ્બના દાંતા બહુ પાતળા હોય છે જે ત્વચા પર ચીરા પાડી શકે છે. આનાથી ઇન્ફેક્શન કે લાલાશ થવાનું જોખમ રહે છે. જે કાંસકો આપણે વાળ ઓળવા માટે વાપરીએ છીએ એમાં ધૂળ, તેલ અને ડેડ સ્કિનસેલ્સ હોય છે. જો એ જ કાંસકો ચહેરા પર વાપરવામાં આવે તો બૅક્ટેરિયલ ઇન્ફેક્શન અને ખીલનું મુખ્ય કારણ બની શકે છે. કૉમ્બના દાંતા વચ્ચે માસ્ક ફસાઈ જતો હોવાથી સ્કિનકૅર પ્રોડક્ટનો બગાડ પણ વધુ થાય છે. ફેસમાસ્ક લગાવવા માટે આંગળીઓ અથવા સૉફ્ટ સિલિકૉન બ્રશ જ શ્રેષ્ઠ છે. આંગળીઓની ગરમી માસ્કને ત્વચામાં શોષવામાં મદદ કરે છે, જે વાળ ઓળવાનો કાંસકો કરી શકતો નથી.