01 December, 2025 12:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
વાળ મજબૂત, સારા અને સિલ્કી બને એવું બધા જ ઇચ્છતા હોય છે. હેરકૅરની શરૂઆત એને ધોવાની પદ્ધતિથી થાય છે, પણ ઘણી વાર આપણે અજાણતાં એવી ભૂલો કરીએ છીએ જે આપણા સ્કૅલ્પ અને વાળને સારા કરવાને બદલે નુકસાન પહોંચાડે છે. પ્રોડક્ટની પસંદગીથી લઈને ધોવાની પ્રક્રિયામાં ઉતાવળ કરવા સુધીની આદતો વાળને ડલ, ફ્રિઝી અને ઑઇલી બનાવે છે. આપણે આવી ભૂલોને સમજીને એમાં નાના ફેરફારો દ્વારા અસરકારક સુધારો લાવી શકીએ છીએ.
વારંવાર હેરવૉશ
ઘણી વાર જરૂર કરતાં વધુ વાર એટલે અઠવાડિયામાં ચારથી પાંચ વાર વાળ ધોવાથી સ્કૅલ્પમાં જનરેટ થતું નૅચરલ ઑઇલ દૂર થાય છે અને ચામડીને પૂરતો ભેજ મળતો નથી. આવી સ્થિતિમાં વધુ પડતું સીબમ જનરેટ થાય છે જેને કારણે વાળ ફ્રિઝી અને ચીકણા થઈ જાય છે જે હેરવૉશનું અસંતુલિત ચક્ર દર્શાવે છે. હેરવૉશના દિવસો ફિક્સ કરો. ધારો કે રવિવાર, મંગળવાર અને શુક્રવાર આ ત્રણ દિવસે હેરવૉશ કરવા અને ક્લેન્ઝિંગ પર વધુ ધ્યાન આપવું. આનાથી સ્કૅલ્પની તંદુરસ્તી અને વાળની સૉફ્ટનેસ જળવાઈ રહે છે. જે લોકો વારંવાર હીટ-સ્ટાઇલિંગ કરે છે તેમના માટે ઓવરવૉશિંગથી વાળ ડૅમેજ થવાનું જોખમ વધે છે.
ખોટા શૅમ્પૂનો ઉપયોગ
તમારા વાળની જરૂરિયાતને અનુરૂપ શૅમ્પૂ ન વાપરવાથી એ વાળને નિસ્તેજ અને ડીહાઇડ્રેટેડ બનાવે છે. ઘણા લોકો વાળને ધોવા ખાતર ધોઈ લે છે, પોષણ આપતા નથી. પરિણામે વાળ ફ્રિઝી બને છે અને વધુ તૂટે છે. તેથી તમારા વાળના પ્રકારને ઓળખીને શૅમ્પૂ પસંદ કરો. જો તમારા વાળ ડ્રાય અથવા ડૅમેજ થયેલા હોય તો મૉઇશ્ચર-રિચ શૅમ્પૂ તમારી હેર-હેલ્થને સુધારી શકે છે. હાઇલ્યુરોનિક ઍસિડ, પેપ્ટાઇટ્સ ધરાવતું મૉઇશ્ચરાઇઝિંગ શૅમ્પૂ હાઇડ્રેશન આપે છે તથા વાળને મજબૂત અને સિલ્કી બનાવે છે.
સ્કૅલ્પ પર ધ્યાન ન આપવું
જેમ ચહેરા પર મેકઅપ પહેલાં સ્કિન-પ્રેપરેશન જરૂરી છે એમ હેરવૉશ કરતાં પહેલાં સ્કૅલ્પને પ્રિપેર કરવું એટલું જ જરૂરી છે. માથામાં પરસેવો થતો હોય, પૉલ્યુશનના કણો જમા થઈને ફસાતા હોય એને હેરવૉશ કરતાં પહેલાં દૂર કરવા જરૂરી છે. શૅમ્પૂ કર્યા બાદ પણ સ્કૅલ્પમાં ખંજવાળ આવે છે અને વાળ ફ્રિઝી જ રહે છે. આથી પ્રી-વૉશ ટ્રીટમેન્ટ અપનાવો. લેક્ટિક અથવા ગ્લાયકોનિક ઍસિડયુક્ત પ્રોડક્ટ્સથી હળવું એક્સફોલિએશન કરો. એ સ્કૅલ્પને ડીટૉક્સ કરવામાં મદદ કરશે. આ સ્ટેપ વૉશ-રૂટીનને અસરકારક બનાવશે.
શૅમ્પૂ-કન્ડિશનરનો અયોગ્ય ઉપયોગ
ઉતાવળમાં માથું ધોઈને પછી તરત જ વાળ ચીકણા લાગે છે, કારણ કે શૅમ્પૂ અને કન્ડિશનર થોડું રહી જાય છે. એનાથી વાળ ખરવાની સમસ્યા વધે છે. આનો ઉકેલ એ જ છે કે વાળને ઉતાવળમાં ધોવાને બદલે સારી રીતે ધોવા જોઈએ. એનાથી વાળ સૉફ્ટ બને છે. વાળ બરાબર ધોવાયા હશે તો સ્કૅલ્પ સુધી હવાની અવરજવર પણ થશે જે વાળને લાંબા સમય સુધી ફ્રેશ રાખશે.
ઑઇલિંગ મિસ્ટેક
વાળ ધોવા માટે એ ફ્રિઝી અને ચીકણા થાય એની રાહ જોવી ભૂલ કહેવાય. બિઝી શેડ્યુલમાં અથવા વારંવાર સ્ટાઇલ કર્યા પછી ઘણા લોકો બે વૉશ વચ્ચેની સંભાળને અવગણવાની ભૂલ કરે છે. વૉશ વચ્ચે વાળની કૅર કરવા માટે હળવા સ્કૅલ્પ સિરમનો ઉપયોગ કરો. નાયસિનામાઇડ અને સેલિસિલિક ઍસિડયુક્ત સિરમ વાળને સ્વચ્છ રાખે છે અને ૪૮ કલાક સુધી ઑઇલ-ફ્રી રાખવામાં મદદ કરી શકે છે. આનાથી ઓવરવૉશિંગ કર્યા વિના વાળ ફ્રિઝી થતા નથી અને ફ્રેશ રહે છે.